દિવાળીની રાત અને નૂતન પ્રભાત..કરે આપના સોણલાં સાકાર
સમય કેટલો જલ્દીથી પસાર થઈ જાય છે. હજુ હમણાં તો દિવાળી ગઈ અને ત્યાં ફરી દિવાળી આવી ગઈ હોય એવું લાગે છે. દિવાળી અને નવું વર્ષ એ આપણા જીવનના મહત્વના દિવસો છે. નવું વર્ષ આવે એટલે એવું લાગે કે ફરી કંઈક નવી શરૂઆત કરવાનો દિવસ આવી ગયો છે કેટલીયે જૂની વાતો ભૂલી જઈ નવી આશા અને વિશ્વાસ સાથે આપણે નૂતન વર્ષનો પ્રારંભ કરીએ છીએ.નવલા નુતન વર્ષના પ્રભાતે કેટલીક વાતો યાદ રાખીશું તો જીવનનું પ્રભાત પણ ખરેખર નૂતન બનશે. આજે દરેક લોકો પાસે ‘સમય નથી’ ની ફરિયાદ છે ત્યારે નવા વર્ષે એટલું જરૂર નક્કી કરીએ કે આપણે પોતાના માટે સમય કાઢીશું, એ ચાહે સ્વાસ્થ્ય માટે હોય,પોતાની ખુશી માટે હોય. આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકો ઘરથી દૂર ભણવા જશે,કેરિયર બનાવશે અને અમુક વખતે ત્યાં જ ઠરી ઠામ થવાનું વિચારશે તો આવા સમયે સ્વ બળે આત્મવિશ્વાસથી જીવન જીવતા શીખી લેજો. નવી પેઢી સામે ફરિયાદ નહીં પરંતુ સુમેળ સાધીને નવા દૃષ્ટિકોણને જોતા શીખી લેવું પડશે.એકલતાને માણતા શીખવું પડશે.વિભક્ત કુટુંબ અને એક જ સંતાનના કારણે પરિવારજનો ની સંખ્યા ઘટતી જાય છે ત્યારે બાળકોને સંબંધનું મહત્વ જરૂર શીખવજો.નાની વાત કે સ્વાર્થ માટે સંબધ,તૂટી ન જાય કે છૂટી ન જાય તેનો ખ્યાલ રાખજો.સમય બહુ જ કીમતી છે.ભગવાને આપેલ એક એક ક્ષણનો ઉપયોગ સદકાર્યમાં કરી લેજો.આજનો મોબાઈલ અને ટેકનોલોજી માણસનો મોટા ભાગનો સમય ખાઈ જાય છે ત્યારે આ એક એક પળના મણકાને સમયમાં ગુંથી માળા પરોવી લેજો. આપણે જ્યારે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ ત્યારે આપણે કરેલ સારા કાર્ય કે આપણે કોઈ સાથે કરેલ સારું વર્તન લોકો યાદ કરે છે તો આપણી આસપાસના દરેકને મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર રહીએ અન્ય લોકોના પર સ્મિત લાવવા માટે વધુમાં વધુ પ્રયત્ન કરીએ. આ નવા વર્ષે એવા કોઈ મોટા સંકલ્પ લેવાની જરૂર નથી જે પૂરા ન થાય અને અફસોસ થાય,બહેતર છે કે નાના નાના નિર્ણયો લેતા જઈએ અને સમય સાથે વહેતા જઈએ. કોઈપણ ઉંમરે નવી વાત શીખવા તૈયાર રહેવું જોઈએ. મારા થી આ નહિ થાય અથવા હવે ઉંમર થઈ ગઈ જેવા નિરાશાજનક વિચારોને આજ થી બલ્કે અત્યારથી જ આપી દો તિલાંજલિ.જેમ નવા પ્રભાતે આપણે તરો તાજા થઈને કાર્ય માં લાગી જઈએ છીએ એ જ રીતે નવલા નૂતન વર્ષે નિરાશા ને ત્યાગી આશા સાથે,વિશ્વાસ સાથે,હિંમત અને નવા જુસ્સા સાથે જીવનનો પ્રારંભ કરીએ.
આપ સહુના સોનેરી સ્વપ્નાઓ સાકાર થાય ખુશીઓ તમારા કદમ ચૂમે,સફળતાના શિખરો સર કરી નારી સ્વરૂપે લીધેલા જન્મને દીપાવો એ જ નૂતન વર્ષે શુભેચ્છાઓ.Happy Diwali and Happy New Year to all of you.