- મંદિરમાં ગણેશજી, કાર્તિકેય અને માતા ગૌરીના નાનાં મંદિરો પણ છે. ગૌરી મંદિરમાં માતા પાર્વતીની કાળા રંગની પ્રતિમા છે
ભારતમાં ભગવાન શિવનાં અનેક મંદિર છે અને દરેક મંદિર સૌની આસ્થાનું કેન્દ્ર છે. ભારતમાં આવેલાં કેટલાંક શિવમંદિરોનો પોતાનો પ્રાચીન ઇતિહાસ હોય છે. શિવમંદિરોને લઈને આશ્ચર્યની વાત એ પણ છે કે, ભારતનાં મોટાભાગનાં મંદિરો ખૂબ જ પુરાતન છે તોય આજે પણ સારી હાલતમાં છે! આ મંદિરોનું નિર્માણ ખરેખર પ્રશંસનીય છે. આવું જ એક શિવમંદિર ઓરિસાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું છે. આ મંદિરને લિંગરાજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે એ તે હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શિવના એક રૂપ `હરિહર’ને સમર્પિત છે.
ભગવાન શિવ સંગ ભગવાન વિષ્ણુની પૂજા
આમ તો આ મંદિર ભગવાન શિવને જ સમર્પિત છે, પરંતુ શાલિગ્રામના રૂપમાં ભગવાન વિષ્ણુ પણ અહીં ઉપસ્થિત છે. ભારતમાં એવાં બહુ જ ઓછાં મંદિરો છે જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એક જ રૂપમાં વસેલા જોવા મળે છે.
લિંગરાજ મંદિરનો પુરાણોમાં ઉલ્લેખ
આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ભારતીય પુરાણોમાં પણ આ મંદિર વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક પૌરાણિક કથા પ્રમાણે એક વાર ભગવાન શિવે જ્યારે માતા પાર્વતીને ભુવનેશ્વર સ્થળ વિશેની વાત કરી હતી ત્યારે માતા પાર્વતીએ આ ભુવનેશ્વર સ્થળ શોધવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેઓ ભુવનેશ્વર શોધવા નીકળી પડ્યા. જ્યારે માતા પાર્વતી ભુવનેશ્વર સ્થળ શોધતાં હતાં ત્યારે તેમની પાછળ લિટ્ટી અને વસા નામના બે રાક્ષસ પડ્યા હતા. આ રાક્ષસોએ માતા પાર્વતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ માતા પાર્વતીએ તેમને સખત મનાઈ ફરમાવી દીધી હતી તેમ છતાં રાક્ષસોએ તેમનો પીછો છોડ્યો નહોતો. અંતે માતા પાર્વતીએ ક્રોધિત થઈને તે બંને રાક્ષસોનો વધ કરી નાખ્યો હતો. રાક્ષસો સાથેના યુદ્ધમાં માતા પાર્વતીને ખૂબ તરસ લાગી હતી ત્યારે ભગવાન શિવ અવતરિત થયા અને તમામ પવિત્ર નદીઓને આહ્વાન કર્યું. ત્યારબાદ તેમણે તે જગ્યા પર બિન્દુસાગર સરોવરનું નિર્માણ કર્યું અને ભુવનેશ્વર સ્થળનું નિર્માણ પણ થયું. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતી ભુવનેશ્વરમાં ઘણો સમય રોકાયાં હતાં. બિન્દુસાગર સરોવર નજીક જ લિંગરાજનું મોટું મંદિર આવેલું છે.
ભુવનેશ્વરમાં મધ્યયુગમાં અનેક મંદિર હતાં
સદીઓથી અહીં શૈવ સંપ્રદાયનું વર્ચસ્વ રહેલું હતું. એમ પણ કહેવામાં આવે છે કે, મધ્યયુગમાં અહીં સાત હજારથી પણ વધુ મંદિરો અને પૂજાસ્થળો હતાં. હાલમાં હવે અહીં લગભગ પાંચસો જેટલાં મંદિરો જોવા મળી રહે છે.
મંદિર વિશે ઇતિહાસકારોનો અભિપ્રાય
ઇતિહાસકાર ફગ્યુર્સનનું માનવું છે કે આ મંદિરનું નિર્માણકાર્ય લલાટ ઈન્દુ કેસરીએ કરાવ્યું હતું. હાલનું જે મંદિર છે તેને 11મી સદીમાં સોમવંશી રાજા જજાતિ કેસરી દ્વારા બનાવવામાં આવ્યું હતું જે સોમ વંશના હતા. તેમણે તે અરસામાં પોતાની રાજધાનીને જયપુરથી બદલીને ભુવનેશ્વર કરી હતી. નોંધનીય છે કે, આ મંદિરનું વર્ણન છઠ્ઠી શતાબ્દીના લેખોમાં પણ આવે છે.
લિંગરાજ મંદિરની અનોખી કોતરણી
આ મંદિરની કોતરણી ખૂબ જ આકર્ષક છે અને તેમાં ઉચ્ચ પ્રકારનું નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં અન્ય નાનાં મંદિર પણ છે જેમાં ભગવાન ગણેશ, કાર્તિકેય અને ગૌરીનો સમાવેશ થાય છે. ગૌરી મંદિરમાં માતા પાર્વતીની કાળા રંગની પ્રતિમા છે. મંદિરનું પ્રાંગણ વિશાળ છે અને શિખરની ઊંચાઈ 180 ફૂટ છે. મુખ્ય મંદિર 55 મીટર લાંબું છે અને તેમાં અંદાજિત 40થી 50 અન્ય મંદિરો પણ આવેલાં છે. આ મંદિરમાં રેતીના પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું મુખ્ય દ્વાર પૂર્વની તરફ છે, જ્યારે અન્ય નાનાં દ્વાર ઉત્તર અને દક્ષિણ દિશા તરફ બનેલાં છે. વાસ્તુકલાની દૃષ્ટિએ લિંગરાજ મંદિર, જગન્નાથ પુરી મંદિર અને કોણાર્ક મંદિર લગભગ એકસમાન વિશેષતાઓ ધરાવે છે. બહારથી જોતાં મંદિરે જાણે ચારેય તરફથી મોટો ગજરો પહેર્યો હોય તેવું દેખાય છે. આ મંદિરના કુલ ચાર ભાગ છે. જેમાં યજ્ઞશાળા, ભોગમંડપ અને નાટ્યશાળાનો પણ સમાવેશ થાય છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર કલિંગ વાસ્તુશૈલી અને ઓરિસા શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
લિંગરાજ મંદિરમાં ઉજવાતા તહેવાર
લિંગરાજ મંદિરમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને સંપૂર્ણ ભક્તિમય રીતે ઊજવવામાં આવે છે. આ મંદિરમાં ખાસ કરીને શિવરાત્રીમાં ભારતભરમાંથી અને અન્ય દેશોમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવનાં દર્શન કરવા આવે છે. શિવરાત્રીનો મુખ્ય ઉત્સવ રાત્રી દરમિયાન ઊજવવામાં આવે છે, જે જોવાનો વિશેષ લહાવો હોય છે. જ્યારે શ્રદ્ધાળુઓ લિંગરાજ મંદિરના શિખર પર મહાદીપ પ્રગટાવ્યા બાદ પોતાના વ્રતનાં પારણાં કરતાં હોય છે. ત્યારબાદ અહીં ચંદન સમારોહ તેમજ ચંદનયાત્રાનો ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. અહીં ચંદન સમારોહ અંદાજે 20થી 22 દિવસ ચાલતો મહોત્સવ છે. આ મંદિરના મહિમાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, આ મંદિરમાં રોજના અંદાજિત 6000 શ્રદ્ધાળુઓ લિંગરાજનાં દર્શનાર્થે આવે છે. નોંધનીય છે કે શિવરાત્રીના સમયમાં અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 2 લાખથી પણ વધુની થવા પામતી હોય છે. પ્રતિવર્ષ એપ્રિલ મહિનામાં રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાય છે. શ્રાવણમાં પણ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાતું હોય છે.
કેવી રીતે પહોંચશો?
બિજૂ પટનાયક એરપોર્ટ ભુવનેશ્વર શહેરની નજીક છે. જ્યાંથી ભારતનાં મુખ્ય શહેર નવી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરુથી ફ્લાઇટ આવતી-જતી રહે છે. અહીં એરપોર્ટથી પ્રાઇવેટ વાહનો કે ઓટો કરીને પણ મંદિર સુધી પહોંચી શકાય છે. જ્યારે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પણ ભારતનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. ટ્રેન દ્વારા પણ અહીં સરળતાથી પહોંચી શકાય છે અને ત્યારબાદ પ્રાઇવેટ વાહન કે ઓટો દ્વારા પહોંચી શકાય છે. ઉપરાંત જો તમે સડકમાર્ગેથી અહીં આવવાનું ઇચ્છતા હો તો શહેરમાં ખાનગી અને સાર્વજનિક બસસેવા પણ ઉપલબ્ધ છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ ચાલે છે. ઓએસઆરટીસી (ઓરિસા રાજ્ય સડક પરિવહન નિગમ) શહેરના મધ્યથી માત્ર આઠ કે દસ કિમી. જ દૂર છે.