જૂનાગઢ બેઠક પર ભાજપે લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરી છે. તેમને બદલવા માટે લોહાણા મહાપરિષદના હોદ્દેદારોએ વડાપ્રધાનને પત્ર લખી માંગણી કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રઘુવંશી સમાજ હંમેશા ભાજપની સાથે રહ્યો છે. પરંતુ ફેબ્રુઆરી ૨૦૨3માં વેરાવળના સેવાભાવી તબીબ ડો. અતુલભાઇ ચગનું અપમૃત્યુ થયું હતું. તેમાં ડો. ચગે પોતાની સુસાઇડ નોટમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પર આરોપ લગાવ્યો હતો અને કોર્ટમાં તેની ઉપર કેસ ચાલી રહ્યો છે. આમ છતા ભાજપ દ્વારા જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાની ફરીવાર પસંદગી કરવામાં આવી છે. તેને કારણે રઘુવંશી સમાજના લોકોને ઉંડો આઘાત લાગ્યો છે.
જૂનાગઢની બેઠકના ભાજપના ઉમેદવાર બદલવા અને કોઇ લાયક તથા સેવાભાવિ ઉમેદવારને ટીકીટ આપવા લોહાણા મહાપરિષદના હોદ્દેદારોએ વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં માંગણી કરી છે.
દરમિયાન અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ અને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ એક નિવેદન આપ્યું હતું કે, ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને સમગ્ર રઘુવંશી સમાજનો ટેકો છે અને સૌરાષ્ટ્ર રઘુવંશી સેના પણ તેમની સાથે છે. આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા છે અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અન્ય અગ્રણીઓએ આ બાબતે આગામી રણનીતી ઘડવા ટૂંક સમયમાં એક બેઠકનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.