મોક્ષપ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે મોહનો પરિત્યાગ. ભગવાન પાર્શ્વનાથે અનેક ઉપસર્ગોને સહન કરીને કઠોર તપસ્યા કરી તથા મોહનો ત્યાગ કરીને પોતાના જીવનમાં સમતાનું નિર્માણ કર્યું તથા મોક્ષની પ્રાપ્તિ કરી તે જ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ જયંતીના પાવન દિવસે શ્રાવકે પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોહ છોડવો પડશે, ત્યારે જ આત્માનું કલ્યાણ થઈ શકશે.
ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના 23મા તીર્થંકર છે. ભગવાન મહાવીર પણ તેમના જ સંપ્રદાયના હતા. પાર્શ્વનાથ ભગવાન મહાવીરના આશરે 250 વર્ષ પહેલાં થઈ ગયા. તેમની મૂર્તિનાં દર્શનમાત્રથી જ જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે. પાર્શ્વનાથ ભગવાન વાસ્તવમાં એક ઐતિહાસિક વ્યક્તિ હતા. તેમના પહેલાં શ્રમણ ધર્મની ધારાને સામાન્યજન ઓળખી શકતા નહોતા. પાર્શ્વનાથને કારણે જ શ્રમણોને ઓળખ મળી.
પાર્શ્વનાથ ભગવાનનો જન્મ માગશર વદ દસમના રોજ થયો હતો. અલબત્ત, જૈન ધર્મના ગ્રંથ કલ્પસૂત્ર (જૈન સાધુઓના આચાર વર્ણવતું એક ચરિતાત્મક ધર્મપુસ્તક) ભગવાન પાર્શ્વનાથનો જન્મ મહાવીર સ્વામીથી આશરે 250 વર્ષ પહેલાં એટલે કે ઈ.પૂ. 777માં ચૈત્ર વદ ચૌદશના દિવસે કાશીમાં થયો હોવાનું નોંધે છે. તેમના પિતા અશ્વસેન વારાણસીના રાજા હતા. તેમની માતાનું નામ વામા હતું. તેમનું શરૂઆતનું જીવન એક રાજકુમાર તરીકે વ્યતીત થયું. યુવાવસ્થામાં કુશસ્થળ દેશની રાજકુમારી પ્રભાવતી સાથે તેમના વિવાહ થયા.
તપસ્યા
ત્રીસ વર્ષની અવસ્થામાં એક દિવસ રાજસભામાં તેઓ અયોધ્યાનરેશ જયસેનના દૂત પાસેથી ઋષભદેવ-ચરિત્ર સાંભળી રહ્યા હતા. તે સાંભળતાં જ તેમના મનમાં વૈરાગ્યભાવ જાગ્યો અને ગૃહસ્થજીવનનો ત્યાગ કરીને સંન્યાસી બની ગયા. પછી તેમણે અશ્વવનમાં જઈને જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. તેમનું તપ અને દિનચર્યા ખૂબ જ કઠોર હતાં. દિગંબર રહેવું, પદયાત્રા કરવી, એક જ વખત ભોજન અને જળ ગ્રહણ કરવાં, યત્ર-તત્ર વિહાર કરીને જીવોને ધર્મોપદેશ આપવો અને રાત્રિના સમયે મૌન રાખવું વગેરે. 83 દિવસ સુધી તેમણે કઠોર તપ કર્યું ત્યારબાદ 84મા દિવસે તેમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વારાણસીના સમ્મેદ પર્વત પર તેમને જ્ઞાન પ્રાપ્ત થયું.
તેમણે માગશર વદ અગિયારસ તિથિએ દીક્ષા લીધી અને શ્રાવણ સુદ સાતમના દિવસે સમ્મેદ શિખર પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો. આ સ્થળ જૈન સમુદાય માટે પ્રમુખ તીર્થસ્થળ છે, કારણ કે તે પર્વત પર પાર્શ્વનાથને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આ પર્વતને પાર્શ્વનાથ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. 23મા તીર્થકર ભગવાન પાર્શ્વનાથ ક્ષમાના પ્રતીક છે.
પ્રચાર-પ્રસાર
કૈવલ્ય જ્ઞાન મળ્યા પછી ચાતુર્યામ એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહની શિક્ષા આપી. જ્ઞાનપ્રાપ્તિ મળ્યા પછી સિત્તેર વર્ષ સુધી તેમણે પોતાના મત અને વિચારોનો પ્રચાર-પ્રસાર કર્યો અને સો વર્ષની ઉંમરમાં તેમણે દેહત્યાગ કર્યો.
ચાર ગણ
ભગવાન પાર્શ્વનાથે ચાર ગણો એટલે કે સંઘોની સ્થાપના કરી. આ દરેક ગણ એક ગણધરના હેઠળ કામ કરતા હતા. સારનાથ જૈન આગમ ગ્રંથોમાં સિંહપુર નામથી જે સ્થળનો ઉલ્લેખ છે ત્યાં જ જૈન ધર્મના 11મા તીર્થંકર શ્રેયાંસનાથે જન્મ લીધો હતો અને પોતાના અહિંસા ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. ખાસ વાત તો એ હતી કે તેમના અનુયાયીઓમાં સ્ત્રી અને પુરુષોને સમાન મહત્ત્વ પ્રાપ્ત હતું.
આત્મસાધનાનું દર્શન
ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથે અપરિગ્રહના ત્યાગ અને પરિગ્રહને અપનાવવા પર ભાર મૂક્યો છે. તમને હેરાન-પરેશાન કરનારા પ્રત્યે પણ દયા અને કરુણાનો ભાવ રાખવો એવું તેમનું ચિંતન હતું અને તે જ તેમની આત્મસાધના હતી.
`જે મેળવી રહ્યો છું, તે મારું કરેલું જ મેળવી રહ્યો છું. જે ભોગવી રહ્યો છું, તે મારું કરેલું જ ભોગવી રહ્યો છું. તેમાં બીજા કોઈનો દોષ નથી. કર્તા તો સ્વયં આત્મા છે.’ આ ચિંતન હતું જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું.
પાર્શ્વનાથ ભગવાનના સમયમાં તાપસ પરંપરાનું પ્રચલન હતું. તપના નામ પર લોકો અજ્ઞાનતાપૂર્વક કષ્ટ ઉઠાવી રહ્યા હતા. આથી તેમણે વ્યવહારિક તપ પર ભાર મૂક્યો. પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મને પ્રતિપાદિત કર્યો. જે અનુસાર ચાર પ્રકારનાં પાપોથી દૂર રહેવું જોઈએ. આ ચાર પાપ છે: હિંસા, અસત્ય, ચોરી અને ધનનો સંગ્રહ. તે જ આત્મસાધનાનો પવિત્ર માર્ગ છે. તેમણે પોતાના ઉપદેશોમાં અહિંસા, સત્ય, અસ્તેય અને પરિગ્રહ પર વધારે ભાર મૂક્યો છે. તેમના સિદ્ધાંત ખૂબ જ વ્યવહારિક હતા, તેથી તેમના વ્યક્તિત્વ અને ઉપદેશોનો પ્રભાવ જનમાનસ પર અસરકારક રીતે પડ્યો. આજે પણ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સામાં ફેલાયેલા સરાકો, બંગાળના મેદિનીપુરના સદગોવા અને ઓરિસ્સાના રંગિયા જાતિના લોકો પાર્શ્વનાથ ભગવાનને પોતાના કુળદેવતા માને છે. પાર્શ્વનાથના સિદ્ધાંત અને સંસ્કાર તેમના જીવનમાં વણાઈ ચૂક્યા છે. આ સિવાય સમ્મેદ શિખરની નજીકમાં વસવાટ કરનારી ક્ષીલ જાતિ પણ પાર્શ્વનાથ ભગવાનની અનન્ય ભક્ત છે.
તીર્થંકર પાર્શ્વનાથે માલવ, અવંત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કલિંગ, કર્ણાટક, કોંકણ, મેવાડ, કાશ્મીર, મગધ, કચ્છ, વિદર્ભ, પંચાલ, પલ્લવ વગેરે આર્યખંડના દેશોમાં વિહાર કર્યો હતો. તેમની ધ્યાનયોગી સાધના વાસ્તવમાં આત્મસાધના હતી. ભય, પ્રલોભન (લાલચ), રાગ-દ્વેષથી પરે તેમનું કહેવું હતું કે સતાવનારા પ્રત્યે પણ સહજ કરુણા અને કલ્યાણની ભાવના રાખો. તીર્થંકર પાર્શ્વનાથની ભારતવર્ષમાં સૌથી વધારે પ્રતિમાઓ અને મંદિર છે. તેમના જન્મસ્થળે ખૂબ જ ભવ્ય અને વિશાળ દિગંબર અને શ્વેતાંબર મંદિર બન્યાં છે. આ સ્થળ વિદેશી પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર પણ છે. પાર્શ્વનાથ જયંતીએ બધાં જિનાલયોમાં પાર્શ્વનાથ ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થસ્થાનો
સુપાર્શ્વ તથા ચન્દ્રપ્રભાનો જન્મ પણ કાશીમાં જ થયો હતો. પાર્શ્વનાથની જન્મભૂમિના આ સ્થાન પર નિર્મિત મંદિર ભેલૂપુરા મહોલ્લામાં વિજય નગરમ્ મહેલની પાસે સ્થિત છે. માથાની ઉપર ત્રણ, સાત અને અગિયાર સર્પકણોનાં છત્રોના આધારે મૂર્તિઓમાં તેમની ઓળખ થાય છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન
તીર્થાધિરાજ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન, કાર્યોત્સર્ગ મુદ્રા, હરિત વર્ણ, આશરે 420 સેમી. (શ્વેતામ્બર મંદિર) તીર્થસ્થળ : રાજસ્થાનના ઉન્હેલ ગામની પાસે ઝરણાને કિનારે.
તીર્થસ્થાનની વિશિષ્ટતા : આ પ્રતિમાનું પ્રભુ પાર્શ્વનાથે જીવિત કાળમાં પ્રભુના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દ્વારા નિર્મિત થયું હોવાની માન્યતા પ્રવર્તે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેહપ્રમાણ નવ હાથ ઊંચી (13.5 ફૂટ) તથા હરિત વર્ણ (ભગવાનનો મૂળ વર્ણ) મરકતમણિથી પ્રતીત થાય છે. આ ભવ્ય પ્રતિમા ભગવાનના સમયકાલીન માનવામાં આવે છે. પ્રભુની આ પ્રતિમાની કલા ખૂબ જ મનોહર અને બેજોડ છે. આજુબાજુમાં કાયોત્સર્ગ મુદ્રામાં લગભગ 135 સેમી. ઊંચી શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાઓ પણ છે.
શ્રી સેસલ તીર્થ
આ તીર્થ 1400 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ તીર્થ રાડવ્વર ગામની પહાડીઓ વચ્ચે આવેલું છે. સુમેરપુરથી 40 કિમીના અંતરે તે સ્થિત છે. અહીં ભોજનશાળા તથા ધર્મશાળાની પણ વ્યવસ્થા છે.
શ્રી ભદ્રંકર નગર તીર્થ (લુવાણા)
ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથની શ્યામ કાયોત્સર્ગ મુદ્રાની બે (નાગ-નાગણ) ફેણવાળી પ્રતિમાની રચના અહીં છે તથા શત્રુંજય તથા ગિરનારની રચના પણ છે. ભોજનશાળા તથા ધર્મશાળાની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે જે સુમેરપુરથી ચાલીસ કિમી દૂર છે.
શ્રી વરકાણાજી તીર્થ
વરકાણા ગોડવાડ ક્ષેત્રનાં પાંચ તીર્થોમાં પ્રથમ તીર્થ છે. 2000 વર્ષોથી પણ વધારે પ્રાચીન અને પાવન તીર્થ છે. તે શિક્ષણ અને સામાજિક સંગઠનનું કેન્દ્ર છે. આ તીર્થ ફાલણાથી 25 કિમી દૂર છે. ત્યાં ભોજનશાળા અને ધર્મશાળા છે.
પાર્શ્વવિશેષ
તીર્થંકર : ત્રેવીસમા
માતાનું નામ : વામા દેવી
પિતાનું નામ : રાજા અશ્વસેન
જન્મકુળ : ઈક્ષ્વાકુ વંશ
જન્મતિથિ : માગશર વદ દસમ
જન્મસ્થળ : ભેલૂપુર (બનારસ)
જન્મ નક્ષત્ર : અનુરાધા
લક્ષણ : સર્પ
શરીર પ્રમાણ : નવ હાથ
શરીર વર્ણ : નીલો
વિવાહિત/અવિવાહિત : વિવાહિત
દીક્ષા સ્થાન : ભેલૂપુર (બનારસ)
દીક્ષા તિથિ : માગશર વદ અગિયારસ
પ્રથમ પારણું : 2 દિવસ પાણી ખીર દ્વારા
છદ્મસ્ત (તપ) સમય : 84 દિવસ
કેવલજ્ઞાન તિથિ : ચૈત્ર વદ ચોથ
કેવલજ્ઞાન સ્થળ : ભેલૂપુર (બનારસ)
જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું : ઘાતકી વૃક્ષ
ગણધરોની સંખ્યા : દસ
પ્રથમ ગણધર : આર્યદત્ત સ્વામી
પ્રથમ આર્ય : પુષ્પચૂડા
યક્ષનું નામ : પાર્શ્વ
યક્ષિણીનું નામ : પદ્માવતી દેવી
મોક્ષ તિથિ : શ્રાવણ સુદ સાતમ
પ્રભુના સંગને પ્રાપ્ત સાધુ: 33
મોક્ષ સ્થાન : સમ્મેદશિખર