પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે. તેમની ગણના શ્રીહરિના દશાવતારોમાં થાય છે. તેના પરથી જ તેમનું મહત્ત્વ સમજી શકાય છે. ધર્મગ્રંથોમાં લખ્યું છે કે ભગવાન પરશુરામનો આવિર્ભાવ વૈશાખ માસના સુદ પક્ષની તૃતીયા (ત્રીજ) તિથિએ પ્રદોષ કાળમાં ભૃગુ ઋષિના કુળમાં થયો હતો. તેમના પ્રાગટ્ય સમયે છ ગ્રહ પોતાની રાશિ અથવા ઉચ્ચ સ્થિતિમાં હતા.
પરશુરામ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. તેમનું વાસ્તવિક નામ રામ હતું. તેમના ક્રોધથી મોટા-મોટા પરાક્રમી રાજા-મહારાજાઓ પણ કાંપતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરીને તેમની પાસેથી પરશુ(ફરસ)ને પ્રસાદમાં પ્રાપ્ત કર્યું હતું. મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોઘ પરશુને ધારણ કરવાને કારણે તેમનું નામ પરશુરામ પડ્યું.
જન્મકથા
ભગવાન પરશુરામના પિતાનું નામ મહર્ષિ જમદગ્નિ તથા માતાનું નામ રેણુકા હતું. જમદગ્નિના પુત્ર હોવાના કારણે `જામદગ્ન્ય’ કહેવામાં આવે છે. એક કથા મુજબ પુત્રોત્પત્તિના નિમિત્તે તેમની માતા તથા વિશ્વમિત્રની માતાને પ્રસાદ મળ્યો હતો, પરંતુ આ પ્રસાદ બંને માતાઓ વચ્ચે બદલાઈ ગયા. તેના ફળ સ્વરૂપે રેણુકાપુત્ર પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રિય ગુણ સંપન્ન થઈ ગયા. તેના કારણે તેમનો સ્વભાવ ઉગ્ર અને વ્યક્તિત્વ એક યોદ્ધાનું બની ગયું, જ્યારે વિશ્વામિત્ર ક્ષત્રિય કુળમાં જન્મ લઈને પણ બ્રહ્મર્ષિ બની ગયા. પરશુરામમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયના તેજનો અપૂર્વ સમન્વય જોવા મળે છે.
શિક્ષા-દીક્ષા-શક્તિ
પરશુરામ યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર સહિત વિભિન્ન દિવ્ય શસ્ત્રોના સંચાલનમાં પણ તેઓ પારંગત હતા. તેમણે મહર્ષિ વિશ્વામિત્ર તથા ઋચીકના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યુુ.
પિતૃભક્ત પરશુરામ
પરશુરામ પોતાના પિતાના બહુ આજ્ઞાકારી હતા. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે પરશુરામની માતા રેણુકાથી અજાણતા કોઈ અપરાધ થઈ ગયો હતો. પિતા જમદગ્નિ આ અપરાધથી અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. સ્નેહવશ પુત્રો આજ્ઞાનું પાલન ન કરી શક્યા. આથી જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામને તેમની માતા રેણુકા તથા ભાઈઓનો વધ કરવાનો આદેશ આપ્યો. પિતાજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પરશુરામે પોતાની માતા અને ભાઈઓનો શિરછેદ કર્યો. પિતાએ પિતૃભક્તિથી પ્રસન્ન થઈને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે પરશુરામે વરદાન માગ્યું કે મારી માતા તથા ભાઈઓ પુન: જીવિત થઈ જાય તથા મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે તેમની સ્મૃતિમાં ન રહે અને હું નિષ્પાપ થાઉં. પિતા જમદગ્નિએ તથાસ્તુ કહ્યું. મહર્ષિના પ્રતાપથી દેવી રેણુકા તથા ભાઈઓ પુન: જીવિત થઈ ગયાં.
સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ
ભગવાન પરશુરામ રામના સમયથી છે. તે સમયમાં કેટલાક રાજાઓનો ખૂબ જ અત્યાચાર હતો. રાજા સહસ્ત્રાબાહુ અર્જુન આશ્રમોના ઋષિઓને ખૂબ જ સતાવતા હતા. પરશુરામે રાજા સહસ્ત્રબાહુનો મહિસ્મતીમાં વધ કરીને ઋષિઓને ભયમુક્ત કર્યા હતા. એકવાર ક્ષત્રિય રાજા કાર્તવીર્ય (સહસ્ત્રાર્જુન) એ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધતી વખતે તેમના પિતાને મારી નાખ્યા તથા દિવ્ય શક્તિવાળી તેમની ગાયને બળપૂર્વક છીનવી ગયો. કહેવાય છે કે તેને કારણે ક્રોધે ભરાઈને ભગવાન પરશુરામે બળના અહંકારમાં મદોન્મત ક્ષત્રિયોનો વધ કરીને એકવીસ વખત આ પૃથ્વીને ક્ષત્રિય શૂન્ય કરી દીધી. પરશુરામ આદર્શ બ્રહ્મચારી હોવાને કારણે અતુલ પરાક્રમી અને અશ્રાંત ઉત્સાહના મૂર્તિમાન સ્વરૂપ છે.
પરશુરામની લીલા
એકવાર ગણેશજીએ પરશુરામને શિવદર્શન કરતા રોક્યા તો પરશુરામે તેમને ઘણા સમજાવ્યા. છતાં પણ એકના બે ન થતાં ક્રોધિત થઈને પરશુરામે તેમના પર પરશુનો પ્રહાર કર્યો. જેના કારણે ગણેશનો એક દાંત નષ્ટ થઈ ગયો અને ગણેશ ત્યારથી એકદંત તરીકે ઓળખાવા લાગ્યા. સીતા સ્વયંવરમાં પોતાના ગુરુ શિવનું ધનુષ્ય શ્રીરામચંદ્ર ભગવાન દ્વારા તૂટી ગયું ત્યારે તેઓ ક્રોધિત થઈને મહારજા જનકના દરબારમાં પહોંચી ગયા હતા. જ્યાં પ્રભુનાં દર્શન થતાં તેઓ શાંત થઈને આશીર્વાદ આપી ચાલ્યા ગયા હતા. તેમની સ્મૃતિમાં `પરશુરામ-લીલા’ આજે પણ ભજવવામાં આવે છે.
કૌરવ સભામાં તેમણે શ્રીકૃષ્ણનું સમર્થન કર્યું હતું. પરશુરામે ભીષ્મ પિતામહ, દ્રોણ તથા મહાવીર કર્ણને ધનુર્વિદ્યા શીખવી હતી. ક્ષત્રિયોને શિક્ષા ન આપવાનું તેમનું પ્રણ હતું. આથી અસત્ય વચનના દંડસ્વરૂપ તેમણે કર્ણને શીખવેલી વિદ્યા તેના અંત સમયે વિસ્મૃત થઈ જશે એટલે કે ભૂલી જશે તેવો શાપ આપ્યો હતો. આવા તો ભગવાન પરશુરામના અગણિત કિસ્સાઓ છે.
વૈશાખ સુદ તૃતીયાના દિવસે ભગવાન પરશુરામ જયંતીનું વ્રત કરનારે પ્રાત: સ્નાન કરીને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઈએ. સાંજે ફરીથી સ્નાન કરીને નીે આપેલા મંત્રોથી અર્ધ્ય આપવો.
જમદગ્નિસુતો વીર ક્ષત્રિયાચકર પ્રભો।
ગૃહણાર્ધ્ય મયા દતં કૃપયા પરમેશ્વર॥
શ્રી પરશુરામનું ષોડ્શોપચાર પૂજન કરીને આખી રાત તેમના નામનું સ્મરણ કરતાં જાગરણ કરો. આ વ્રતના પ્રસાદમાં વ્રતીને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. પરશુરામ જયંતી આપણને શ્રીહરિના આ અંશાવતારના દિવ્ય ગુણોની યાદ અપાવે છે. – ઘનશ્યામ ગોસ્વામી