અમેરિકામાં લોસ એન્જેલસમાં ધ બેવર્લી હિલ્ટન ખાતે યોજાયેલા 82મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ બેસ્ટ મોશન પિક્ચર નોન-ઇંગ્લિશ લેંગ્વેજ કેટેગરીમાં એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી. આ કેટેગરીમાં ફ્રાન્સની ‘એમિલિઆ પેરેઝ’ ફિલ્મને એવોર્ડ મળ્યો. ‘એમિલિઆ પેરેઝ’ ફિલ્મને બેસ્ટ મ્યુઝિકલ/કોમેડી ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો.
બેસ્ટ ડ્રામા ફિલ્મનો એવોર્ડ ‘ધ બ્રૂટલિસ્ટ’ ફિલ્મે જીત્યો હતો. આ જ ફિલ્મ માટે એડ્રિયન બ્રોડીએ બેસ્ટ એક્ટર મોશન પિક્ચર-ડ્રામાનો એવોર્ડ જીત્યો હતો જ્યારે ફર્નાન્ડા ટોરેસે ‘આઇ એમ સ્ટીલ હિયર’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ મોશન પિક્ચર-ડ્રામાનો એવોર્ડ જીત્યો હતો. ‘હેક્સ’ને બેસ્ટ મ્યુઝિકલ/કોમેડી સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.પાયલ કાપડિયા એવોર્ડ ન જીતવા છતાં ચર્ચામાં રહી હતી. તેણે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મહિલા દિગ્દર્શક નોમિનેટ થયાની સિદ્ધિ મેળવી હતી.
ડેમી મૂરને 62 વર્ષની ઉંમરે પહેલો એવોર્ડ
હૉલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી ડેમી મૂરે ‘ધ સબસ્ટેન્સ’ માટે બેસ્ટ ફીમેલ એક્ટ્રેસ પરફોર્મન્સ ઇન કોમેડી/મ્યુઝિકલનો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ મેળવ્યા બાદ ભાવુક થયેલી ડેમીએ જણાવ્યું કે, હું લગભગ 45 વર્ષથી એક્ટ્રેસ છું અને પહેલીવાર મેં એક્ટ્રેસ તરીકે કંઈક જીત્યું છે. 30 વર્ષ પૂર્વે એક નિર્માતાએ મને ‘પોપકોર્ન એક્ટ્રેસ’ કહીને ધુત્કારી હતી.