બીજા તબકકામાં ગઇ કાલે ૮૮ બેઠકો ઉપર શાંતિપૂર્વક મતદાન થઇ ગયુ છે. આ મતદાનની ટકાવારી જોઇએ તો આસામમાં ૭૦.૬૬ ટકા, બિહારમાં પર.૬3 ટકા છતીસગઢમાં ૭ર.૧3 ટકા, જમ્મુ કાશ્મિરમાં ૬૭.રર ટકા, કર્ણાટકમાં ૬3.૯૦ ટકા, રેળમાં ૬3.૯૭ ટકા ,મધ્યપ્રદેશમાં ૫૪.૪ર ટકા મહારાષ્ટ્રમાં,મણીપુરમાં ૭૬.૦૬ ટકા, રાજસ્થાનમાં પ૯.૧૯ ટકા, ત્રિપુરામાં ૭૬.ર3 ટકા, ઉતરપ્રદેશમાં પર.૬૪ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૧.૮૪ ટકા વોટીંગ થયુ છે.
આ વોટીંગ સાથે પ્રથમ તબકકાની ૧૦ર બેઠકના મતદાનને જોડીએ તો કુલ ૧૯૦ બેઠકનં મતદાન થઇ ગયુ છે. લોકસભાની પપર બેઠકમાંથી બે તબકકાના મતદાન બાદ દેશના મતદારોનો મિજાજ કઇ બાજુ જાય છે એ તરફ સૌની મીટ મંડાઇ છે. પ્રમાણીક રીતે કહીએ તો દેશ એટલો બધો વિશાળ છે કે તેના વોટીંગની ટકાવારી અને વોટીંગ પેટર્નનો ગહન અભ્યાસ અનુભવીઓ ન કરે ત્યાં સુધી તેનો ખરો તાગ કાઢવો મૂશ્કેલ છે. પરંતુ જુદા જુદા ક્ષેત્રોમા જુદા જુદા અભ્યાસુઓએ વોટીંગ પેટર્ન બાદ ગઇ કાલ સાંજથી જે તારણો કાઢયા છે એ જોવા રસપ્રદ બનશે.
દેશનું મિડિયા બે ભાગમાં વહેંચાયેલું છે. જેથી તમે મુખ્ય પ્રવાહની ટીવી ચેનલો ઉપરથી સાચુ ચિત્ર મેળવી શકો એ સંભવ નથી. આ સાથે સોશિયલ મિડિયાની માઇક્રો ચેનલના તારણો પણ જોવા પડે.સ્થાનિક અખબારોના ગ્રાઉન્ડ ઝિરો રિપોર્ટનો અભ્યાસ કરવો પડે. આ તમામ પ્રવાહોને સંકલિત કરીને જે ચિત્ર સામે આવે છે તે એ છે કે પ્રથમ તબકકાની માફક બીજા તબકકામાં ભાજપ અને એનડીએએ ર૦૧૯માં જયાં મોટી જીત મેળવી છે એવા મહત્વના રાજયમાં ઓછુ મતદાન ભાજપ માટે ચિંતાજનક છે. ઉતરપ્રદેશ,મહારાષ્ટ્ર ,બિહાર,રાજસ્થાન અને હરિયાણ સહિતના હિન્દી બેલ્ટના રાજયોમાં ઓછા મતદાનને નિરિક્ષકો ભાજપ માટે ચિંતાજનક ગણાવે છે. જો કે મધ્યપ્રદેશમાં ભાજપ સંઘના સંગઠનને કારણે ખુબ સારી સ્થીતિમાં હોવાના અહેવાલો આવી રહયા છે.
ર૦૧૯ની સાલમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી એ હિન્દી બેલ્ટની વાત કરીએ તો આ વિસ્તારોમા ઓછા મતદાન સામે ત્રિપુરા,પશ્ચીમ બંગાળ સહિતના રાજયોમાં ભારે મતદાનને સતા વિરોધી વલણ તરીકે નિષ્ણાતો જોઇ રહયા છે. સૌ પ્રથમ ઓછુ મતદાન થવાના કારણોની સપાટી ઉપર થતી ચર્ચા જોઇએ . ભાજપ પાસે ર૦૧૯ની માફક રાષ્ટ્રવાદ,પુલવામા,વિકાસ સહિતના મુદાઓ નથી. સામે ઇન્ડિયા ગઠબંધનના મોંઘવારી,બેકારી,ઇડી ઇન્કમટેકસ,સીબીઆઇના દૂરઉપયોગ અને જો મોદી ચુંટાશે તો દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે તેવા નેરેટિવ્સ કયાંક ને કયાંક અસરકાર થયા હોવાનો દાવો થાય છે. બે તબકકાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છતાં વડાપ્રધાન મોદીને કોઇ જોરદાર મુદો નથી મળ્યો એવું વિરોધીઓ કહે છે. આથી જ વડાપ્રધાને મંગલસૂત્ર અને હિન્દુ મુસ્લીમના મુદા ઉપર જાહેરસભાઓમાં બોલવાનું શરૂ કર્યાનું સત્યપાલ મલિક જેવા મોદી વિરોધીઓ કહી રહયા છે.
દેશમાં કેટલાક ચૂંટણી વિશ્લેષકો ચાર પાંચ દાયકાથી તેમના કામમાં કમીટેડ છે. તેમનું કામ ધુળધોયા જેવું છે. તેમને ધુળમાંથી સોનાની કણો શોધવાની હોય છે. તેમણે એક બે બાબતોના ઓબ્ઝવેશન મૂકયા છે તે વિચારતા કરી દયે તેવા છે. તેમણે કહયુ છે કે આ ચૂંટણીના બે તબકકા કોઇ મોટા મુદા વગર આગળ વધી રહી છે. ભાજપ એનડીએ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક માત્ર ચહેરા ઉપર ચૂંટણી લડી રહયા છે. તેમના બે ચૂંટણીમા વિકાસ,હિન્દુત્વ,રાષ્ટ્રવાદના મુદાએ મતદાનની ટકાવારી સતત વધારી હતી. તેમાં પણ ભાજપને ર૦૧૪ અને ર૦૧૯માં કુલ મતદાનની ટકાવારીમાં આઠથી દસ ટકા વધુ મત મળ્યા હતાં. ભાજપ એનડીએમાં કયા નેતા કઇ બેઠક ઉપર ચૂંટણી લડે છે તેનો ચહેરો કોઇ મહત્વ નથી રહેતો. માત્ર પી.એમ. મોદીનો ચહેરો જ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ભાજપએ ૧૧ ચહેરા બદલાવ્યા છે. જો ઓછા મતદાનમાં અનેક બેઠકોમાં સ્પર્ધા સર્જાય તો તેમાં ઉમેદવારની પોતાની લોકપ્રિયતાથી પરિણામ પોતાની તરફ ખેંચી જવાની ગુંજાઇશ ખાસ નહિ રહે. આથી ઓછા મતદાનવાળી ર૦૧૯માં ભાજપ એનડીએના ખીસ્સામાં રહેલી બેઠકો ઉપર ચૂંટણીના પરિણામો સુધી સસ્પેન્શ જળવાઇ રહેશે. ઇન્ડિયા ગઠબંધન અને ખાસ તો લેફટ અને કોંગ્રેસના ગઠબંધન તરફ કુણી લાગણી ધરાવતાં પોલિટિકલ એનાલિસ્ટો તો બીજા તબકકાના મતદાન બાદ કહેવા માંડયા છે કે પશ્ચિચમ ઉતરપ્રદેશ,બિહાર,મહારાષ્ટ્રમાં ખાસ કરીને વિદર્ભ,રાજસ્થનામાં ભાજપ એનડીએની હાલત ઘણી પડકારજનક છે. જો કે, ગત ચૂંટણીમાં પણ આવો એક વર્ગ હતો. પરંતુ અમિત શાહ આત્મવિશ્ચાસ પૂર્વ કહેતાં હતાં કે ભાજપ એનડીએ 3૦૦ પાર કરશે.તેઓ સાચા પડયા હતાં. ર૦૧૪ કરતાં પણ ર૦૧૯માં ભાજપ એનડીએને જંગી લીડ સાથે વધુ બેઠકો મળી હતી.
પરંતુ આ વખતે ઓછા મતદાનવાળો મુદો પડકારજનક બની રહયો છે. પાંચ થી સાત ટકા ઓછા મતદાનથી ભાજપએ ગત ચુંટણી સમયે જીતેલી બેઠકોના પરિણામો બદલાશે કે કેમ ? તેના ઉપર નજર રાખવી પડશે. એટલું ચોકકસ કહિ શકાય કે ભાજપે આ વખતે ૪૦૦ પારનું જે સૂત્ર આપ્યુ છે એ બે તબકકાની ચુંટણી બાદ રિડિફાઇન કરવુ પડે તેમ છે. કારણ કે ઓછુ મતદાન મોટા ભાગે સતા વિરોધી ગણવામાં આવે છે. કહેવાય છે કે જયાં મતદાન વધુ થયુ છે તેવા વિસ્તારોમાં સ્થાનિક કારણ છે. ખેડૂત આંદોલન, જાટ આંદોલન, મહિલા એથ્લેટોને થયેલા અન્યાય, સહિતના મુદાઓ અસર કરી ગયાનું પાયાના નિરિક્ષકો કહી રહયા છે.
એકંદરે બે તબકકાના મતદાન બાદ મતદાનની ટકાવારી અને મતદાનની પેટર્ન ખુબ જ જટીલ બની છે. સપાટી ઉપર મોદી મોજુ દેખાતું નથી. પરંતુ ગત આશ્વાસન એ છે કે ગત ચૂંટણીમાં ઉતરપ્રદેશ,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં સપાટી ઉપર આટલું જોરદાર પરિણામ આવશે એ કયાં જોઇ શકાયુ હતું. આ દલીલ ભાજપ માટે આશ્વાસનજનક છે. પરંતુ છેતરામણી સાબિત ન થાય એ પણ જોવુ રહયુ. સપાટી ઉપર કોઇ મોજુ નથી એ આ ચૂંટણની સૌથી મોટી વાસ્તવિકતા છે. આથી આ ચૂંટણી ફરી એક વખત ત્રિશંકુ સરકાર તરફ ન લઇ જાય એવી પણ શંકા ઉભી થાય છે. જો કે આવું થઇ શકે એવી વાત ભાજપ તરફી મતદારોમાં ફેલાય અથવા આત્મવિશ્વાસમાં રહેતાં ભાજપ તરફી મતદારોમાં પેનીક બટન ફેલાય તો બાકીના પાંચ તબકકામાં 3૬ર બેઠકમાં સુપડાસાફ વોટીંગ પરિણામો અને પરિમાણો બદલાવી પણ શકે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના દાવા અને ઉત્સાહ બાકીના પાંચ તબકકાના મતદાનમાં પ્રત્યાઘાતી અસર પણ જન્માવી શકે છે.