બાકી રહેતા વિસ્તારમાં રૂ.3૮.3૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનના કામનું મંત્રી રાધવજી પટેલના હસ્તુ થયુ ખાતમૂર્હુત
રાજકોટના વોર્ડ નં.૧3ના બાકી રહેતા વિસ્તારમાં રૂ.૩૮.૩૮ કરોડના ખર્ચે પાણી વિતરણની ડી.આઈ.પાઈપલાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી માન. રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. પાઇપલાઇન નખાતા 3૫ હજાર લોકોને પાઇપલાઇનથી પાણી મળતુ થઇ જશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગુરૂકુળ હેડવર્કસ ગોંડલ રોડ સાઈટ હેઠળ આવતા બાકી રહેતા વિસ્તારોમાં ડી.આઈ.પાઈપલાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાના કામનું ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અગાઉ ટ્રેન મારફત, વાંકાનેર બોર યોજના મારફત પાણી આપવામાં આવતું હતું. શહેરમાં અનેક સ્ટેન્ડ પોસ્ટ હતાં જે તબક્કાવાર દૂર કરવામાં આવેલ છે. રાજકોટ શહેરનો સૌથી મહત્વનો પાણીનો પ્રશ્ન પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી “સૌની યોજના” મારફત ઉકેલ્યો છે અને શહેરમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગયેલ છે. આ તકે એક કહેવત ટાંકીને મેયરે જણાવેલ કે, “ઘર ના ઘર, આંગણામાં નળ…..” એ મુજબ સરકારની નલ સે જલ યોજના મારફત શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા પણ હર હંમેશ તત્પર છે અને સતત ચિંતા કરે છે. આ કામગીરીથી વિસ્તારના આશરે ૩૦ થી ૩૫ હજાર લોકોને આ સુવિધાનો લાભ મળશે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાને પણ લાઈન લોસ ઘટતા પાણીની બચત થશે, પુરતા ફોર્સ સાથે પાણી વિતરણ કરી શકશે અને ગંદા પાણીની ફરિયાદનો અંત આવશે.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, પાણી માટેના કામ પ્રત્યેક રહેવાસીઓને મળી રહે તેના માટેની આ મહત્વાકાંક્ષી યોજના છે. આવી મોટી યોજના મંજુર કરવા બદલ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વોર્ડના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. વધુમાં કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં રૂ.૧૨૦૦૦ કરોડથી વધુ ના ખર્ચે પાઈપલાઈન નાખી પાણી પૂરું પડવામાં આવે છે. આ યોજનામાં અત્યારે પણ કામ ચાલુ છે.