બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત થયો છે, જેમાં 22 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં હાઈવે પર આ મોટો અકસ્માત સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયાની માહિતી
પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અને હાલમાં રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મિનાસ ગેરાઈસ રાજ્ય બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલું છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે. જેમને ટીઓફિલો ઓટોની શહેર નજીક આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બસ સાઓ પાઉલોથી નીકળી હતી.
બસનું ટાયર ફાટતા સર્જાયો મોટો અકસ્માત
બસમાં કુલ 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ અને ત્યારબાદ તેની પાછળ આવતી કાર પણ અકસ્માતનો શિકાર બની હતી. આ કારમાં ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો છે. ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો અને જેના કારણે બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ છે. જેમાં 22 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્યારે કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે.
હાલમાં બચાવ કામગીરી ચાલુ
અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ લોકોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને હાલમાં અન્ય બચાવ કામગીરી ચાલુ છે. કેટલાક મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મિનાસ ગેરાઈસ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. વિભાગના લેફ્ટનન્ટ એલોન્સોએ કહ્યું કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તે કહેવું મુશ્કેલ છે.