વિક્રમ સર્જક મહારાસમાં રાજકોટ જિલ્લામાંથી 3500 આહીરાણીઓ જોડાશે
આજે ભક્તિ ધામ મંદિર ખાતે બહેનોને પાસ વિતરણ અને ભગવાને આમંત્રણ પત્રિકા અર્પણ કરવાનો કાર્યક્રમ
દ્વારકા ખાતે યોજાનાર બે દિવસીય કાર્યક્રમની સમગ્ર વિશ્વ નોંધ લેશે
ઘેલી રે બની આહિરાણી, મીટ દેવળે મંડાઈ છે. નીંદરમાંથી ભાગી મન, દ્વારકા દોડી જાય છે. નીરાશ ના તું કરજે, ને વિઘ્ન સૌ ટાળજે.
ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે.
દ્વારકામાં દેવ તારાં, સિંહાસન સોહાય છે.
આયરો ત્યાં રાહે ઉભા, સન્માન તૈયાર છે. યશોદાને દેવકી, સંગ નંદ વસુદેવને લાવજે.
ટાણું રે સૌનું સાચવી, તું મહારાસે આવજે.
ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ રાસલીલા રમ્યા હતા તે ઘટનાને 5000 વર્ષ થઈ ગયા છે ત્યારે ફરી એ અલૌકિક ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા તા. 23 અને 24 ડિસેમ્બર દરમિયાન દ્વારકા ખાતે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.24ના રોજ વિશ્વભરની આહિરાણીઓ દ્વારકા ખાતે વિક્રમસર્જક મહારાસ રમશે. વિશ્વમાંથી આહીરાણીઓ મહારાસ રમવા ઉમટી પડશે ત્યારે રાજકોટમાંથી પણ 3500 જેટલા રજીસ્ટ્રેશન થયાં છે.20 બહેનોની કમિટી રચવામાં આવી છે અને દરેક વ્યવસ્થા તેઓ સાંભળી રહ્યા છે.આ મહારાસમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મુંબઈ, દિલ્લી, યુ.પી, બિહાર, ઝારખંડથી બહેનો રાસ રમવા દ્વારકા પહોંચશે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આહિર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈને પૂર્ણાહુતિ સુધીના આયોજનની રૂપરેખા બહેનોએ સાથે મળીને નક્કી કરી છે. બહેનોના હાથે જ મહારાસના સ્થળનું ભૂમિપૂજન કરાયું, ભગવાનને કંકોત્રી અર્પણ કરાઈ તેમજ શોભાયાત્રા યોજવામાં આવી હતી.છેલ્લા છ મહિનાથી મહારાસની તૈયારી કરી રહેલ સમગ્ર આહીર સમાજ આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મહારાસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તા.21 ડિસેમ્બરથી દ્વારકા નગરીને સોનાની નગરીને જેમ શણગારાશે. યુવાનો દ્વારકા શહેરને સ્વચ્છ બનાવશે શેરી,ગલીઓ વાળી સ્વચ્છ કરશે અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવશે.
આ કાર્યક્રમ નંદધામ એટલે કે નાગેશ્વર રોડ પર આવેલ રુક્મિણી મંદિરની બાજુમાં 800 વીઘાના મેદાનમાં યોજાશે.જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આહીરાણી મહારાસમાં પધારવા માટે પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણો કરવામાં આવી છે. દ્વારકાના તમામ મંદિરો જેમાં મુખ્ય મંદિર,રુક્મિણી મંદિર, બેટ દ્વારકામાં ભગવાનની તમામ પટરાણીઓ, શક્તિ મંદિર, ભાલકા તીર્થ, સોમનાથ મંદિર, હરસિદ્ધિ માતાજીના મંદિર, ગોપેશ્વર મંદિર, વ્રજવાણી મંદિર સહિત તમામ
જિલ્લાનાં કૃષ્ણ મંદિરે કંકોત્રી આપવામાં આવી છે એ જ રીતે રાજકોટમાં પણ પંચવટી ખાતે ભક્તિધામ મંદિરમાં પણ કંકોત્રી અર્પણ કરાશે.
તા.24ના રોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાન ગોઠવાશે. ‘ગીતા સંદેશ’ અને ‘નારી તું નારાયણી’ પર સંદેશ બાદ પરિસરમાં ધૂપદીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધરાવા આહ્વાન કરાશે.પ્રાતઃ 8:30 વાગ્યે પારંપરિક આહીર રાસનો પ્રારંભ થશે અને 10:00 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે.