શું તમે હિંસાની હકીકતને જોઈ શકો છો? તે હકીકતને માત્ર બહાર જ નહીં, પરંતુ તમારી અંદર પણ જોઈ શકો છો? અને સાંભળવાની અને જોવાનું કાર્ય કરવાની વચ્ચે કોઈ સમયગાળો ન હોય તે રીતે તેને જોઈ શકો છો? તેનો અર્થ એ છે કે સાંભળવાની પ્રક્રિયા સાથે જ તમે હિંસાથી મુક્ત બનો છો. તમે હિંસાથી સંપૂર્ણપણે મુક્ત બનો છો,
કારણ કે હિંસાથી મુક્ત થવા માટે તમે સમયને કે કોઈ ધારણાને મનમાં પ્રવેશ કરવા નથી દીધો. તે માટે માત્ર તમારી શાબ્દિક સંમતિ કે અસંમતિની નહીં, પરંતુ ગહન ધ્યાનની જરૂર છે. આપણે ક્યારેય કોઈ બાબતને ધ્યાનથી સાંભળતા જ નથી. આપણા મન, આપણા મગજના કોષો હિંસા વિષેના કોઈ આદર્શ માટે અનુબંધનોથી, પૂર્વ સંસ્કારોનાં બંધનોથી એટલા તો બંધાઈ ગયેલા છે કે આપણે ક્યારેય હિંસાની હકીકત પ્રત્યે ધ્યાન જ નથી આપતા. આપણે કોઈ આદર્શના સંદર્ભમાં જ હિંસાની હકીકતને જોઈએ છીએ અને હિંસાને આદર્શના સંદર્ભમાં જ જોઈએ ત્યારે તે સમયગાળો સર્જે છે. જ્યારે તમે આવા સમયને પ્રવેશવા દો છો ત્યારે હિંસાનો અંત આવતો નથી. તમે અહિંસાનો બોધ આપીને હિંસા આચરવાનું ચાલુ રાખો છો.
હિંસાનું મુખ્ય કારણ
મને લાગે છે કે દરેક માણસ આંતરિકપણે અને માનસિકપણે સલામતી શોધે છે તે જ હિંસાનું મુખ્ય કારણ છે. દરેક માણસમાં માનસિક સલામતીની ઝંખના છે, આંતરિકપણે સલામત હોવાની એ ભાવના સહુમાં છે અને તેથી માનવી સલામતી મળે તેમ ઈચ્છે છે. બાહ્ય સલામતીની ઈચ્છા પણ ધરાવે છે. આંતરિકપણે આપણે બહુ સલામત, નિશ્ચિત અને ચોક્કસ થવા માંગીએ છીએ, તેથી જ આપણે લગ્નને લગતા આ બધા કાયદા ઘડ્યા છે. આપણે સ્ત્રી કે પુરુષ ઉપર માલિકીહક્ક ધરાવી શકીએ અને તેથી આપણે આપણા સંબંધોમાં સલામત રહી શકીએ. જો આ માનસિક અને આંતરિક જરૂરિયાત ઉપર હુમલો કરવામાં આવે તો આપણે હિંસક બની જઈએ છીએ, કારણ કે દરેક બાબતના સંબંધમાં આપણે ચોક્કસ રહેવા માંગીએ છીએ અને તે આપણી આંતરિક અને માનસિક માંગ છે, પરંતુ સંબંધોમાં સલામતી કે સુરક્ષા જેવું કાંઈ છે જ નહીં. આંતરિકપણે અને માનસિકપણે આપણને સલામત રહેવું ગમે જ છે, પરંતુ કાયમી સલામતી જેવું કાંઈ છે જ નહીં.
આમ, આ બધા પોતપોતાનો ભાગ ભજવતાં હિંસાનાં એવાં પ્રચલિત કારણો છે કે જે વિશ્વમાં સર્વત્ર ઉત્પાત મચાવે છે. મને લાગે છે કે વિશ્વમાં જે કાંઈ થઈ રહ્યું છે તેનું અને ખાસ કરીને આ કમનસીબ દેશમાં જે ચાલી રહ્યું છે તેનું કોઈ થોડું પણ નિરીક્ષણ કરે અને તે પણ કોઈ વિશેષ બૌદ્ધિક અભ્યાસ કર્યા વગર તો આ વિશ્વમાં બહાર જોવા મળતી અસાધારણ પશુતા, નિર્દયતા, બેપરવાઈ અને હિંસાનું જાતે જ નિરીક્ષણ કરી શકે છે.