સંસદના 2023ના શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં 92 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે, મંગળવારે અમંગળ એવી સદી પૂરી થઈ જશે?
સોમવારે એક સાથે 78 સંસદસભ્યોને સમગ્ર સત્ર માટે ગૃહમાંથી ગેરહાજર કરી દેવાયા. ભારત જેવા વિશાળ દેશમાં અને દુનિયામાં જેને પ્રૌઢ લોકશાહી તરીકે નામના મળી છે તેવા લોકતાંત્રિક દેશમાં તંદુરસ્ત પ્રણાલીઓ નવી સંસદમાં ગેરહાજર છે તે દેખાઈ આવ્યું. એક જ દિવસમાં 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા હોય તેવો આ વિક્રમ થયો – એવો વિક્રમ જેમાં ગૌરવ લેવા જેવું નથી, પણ ગભરાવા જેવું છે. આવનારા દિવસોના એંધાણ પારખીને ગભરાટ થાય તેવી આ સ્થિતિ છે.
ગૃહનું સંચાલન કરવાની જવાબદારી સ્પીકર અથવા ગૃહના અધ્યક્ષની હોય છે. મૂળ પોતે જ પક્ષમાંથી આવ્યા હતા તેને ભૂલી જવાનું બહુ દુષ્કર હોય છે, પરંતુ વિપક્ષના નેતાઓ સાથે સંવાદ સાધીને, વ્યક્તિગત વ્યક્તિત્વ અને સંબંધોના આધારે ગૃહનું સંચાલન કરી શકે તેવી સમજદારી અને ઠરેલપણું તેમનામાં અપેક્ષિત હોય છે. સ્પીકરે ઓછું બોલવાનું હોય છે અને ગૃહના સદસ્યોને બોલવા દેવાના હોય છે. ભાગ્યે જ એવું થાય છે. લાઇવ પ્રસારણ પછી એક નવી વસ્તુ જોવા મળી છે. કેમેરાનું કામ જ્યાં ગતિવિધિ થતી હોય ત્યાં તાકવાનું હોય છે. તેના બદલે કેમેરા સતત સ્પીકર પર તકાયેલો રહે છે એ પણ નવા જમાનાનો તકાજો થયો છે.
કદાચ યોગ્ય રીતે જ કેમેરા આજે સ્પીકર અને ગૃહના અધ્યક્ષ પર તકાયેલો છે. લોકસભા અને રાજ્યસભામાં ગૃહના વડીલ તરીકે તેમણે કેવી રીતે સંચાલન કર્યું, કેવી રીતે સ્થિતિને સંભાળી તે ઈતિહાસમાં નોંધાઇ ગયું છે. ઇતિહાસમાં એ પણ નોંધાઇ ગયું કે કેવી રીતે લોકતાંત્રિક પ્રણાલીઓનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે… પણ કદાચ ઇતિહાસ યોગ્ય રીતે નોંધાશે તો. જૂનો ઇતિહાસ બદલવાની કોશિશ વચ્ચે વર્તમાનને જ્યારે ભવિષ્ય તરીકે નોંધાશે ત્યારે નોંધનારા કોણ હશે તેના પર આધાર છે.
ગયા ગુરુવારે એક સાથે 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. તે વખતે રાજ્યસભામાંથી ડેરેક ઓબ્રાયન અને લોકસભામાંથી 13 સભ્યો હતા. સોમવારે રાજ્યસભામાંથી 45 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા. રાજ્યસભામાં વિપક્ષોની સંખ્યા અડધોઅડધ થઈ ગઈ આ શિયાળુ સત્રમાં. લોકશાહીની કડકડતી ઠંડીમાં આટલું મોટું સંકોચન. લોકસભામાંથી 33 વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરાયા. લોકસભામાં વિપક્ષ એક તૃતિયાંશ જેટલો સંકોડાઈ ગયો આ શિયાળુ સત્રમાં.
આ સાંસદોની માગણી શું હતી? એટલી જ માગણી હતી કે ગૃહ પ્રધાન અમિત શાહ સંસદની સુરક્ષાનો ભંગ થયો તે વિશે નિવેદન આપે. એક ટીવીના કાર્યક્રમમાં ગૃહ પ્રધાનને આ વિશે પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે આ બાબત ગંભીર છે અને લોકસભાના સ્પીકરે તેની ગંભીર નોંધ લઈને તપાસ માટે આદેશ આપ્યો છે. આ જ વાત સંસદમાં કહેવાની હતી કે સુરક્ષાનો ભંગ થયો છે તે ગંભીર બાબત છે અને ગૃહ મંત્રાલય અને લોકસભાના સ્પીકર આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરશે. વડા પ્રધાને પણ એક કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી. પરંતુ ગૃહમાં આવીને નિવેદન આપવાનું નહીં… એનું કારણ શું?
કારણ આમ સમજાય એવું છે અને આમ ના સમજાય તેવું છે. સંસદનું કોઈ મહત્ત્વ જ ના રહે, સંસદમાં સામે બેસતા વિપક્ષનું કોઈ મહત્ત્વ જ ના રહે, તેમની સંખ્યા જ ના રહે એવું રાજકારણ લોકશાહીને લૂણો લગાડનારું છે. સંસદની ઈમારત નવી બની અને તેમાં આ પ્રથમ રાબેતા મુજબનું સત્ર યોજાયું તેમાં જ જાણે નવી ઇમારતને લૂણો લાગી ગયો.
ભૂતકાળમાં જે કંઈ ગોબાચારી થઈ હતી તે બધી જ વધારે પ્રમાણમાં કરવાની સ્પર્ધામાં વર્તમાન શાસકો હોય તેવું ક્યારેક લાગે છે. વધારે સુચારુ સ્થિતિ તરફ જવાને બદલે, પારોઠના પગલાં ભરાઈ રહ્યા હોય તેવું લાગે છે. છેલ્લે 1989માં 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે વિક્રમ તોડીને, તેનાથી આગળ વધીને 78 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા. ભૂતકાળમાં જેટલી પણ લોકતાંત્રિક પ્રણાલીઓનો ભંગ થયો હતો તેના વધારે સારી રીતે ભંગ કરવો, અણગમો ઉપજે એવા નવા નવા ધોરણો સ્થાપનાની પરંપરા ચાલી છે તે આપણને ક્યાં લઈ જશે તેની કલ્પનાય અઘરી લાગી રહી છે.
વિપક્ષના નેતાઓ 19 ડિસેમ્બરે ઇન્ડિયા ગઠબંધનને આગળ લઈ જવા માટે એકઠા થવાના છે તેના આગલા દિવસે શું ઇરાદાપૂર્વક, સ્ટ્રેટેજી સાથે આટલા મોટા પાયે સસ્પેન્શન કરવામાં આવ્યું છે? મંગળવારે બાકીના સાંસદો પણ વિરોધ કરશે, સૂત્રોચ્ચાર કરશે, પ્લેકાર્ડ દેખાડશે અને તેમને પણ સસ્પેન્ડ કરીને સદી પૂરી કરી દેવાશે?
એક તરફ આપણે અને સામી બાજુ આખી દુનિયા વિરુદ્ધમાં છે તેવી ભાવના લડી લેવાનો જોશ સૈનિકોમાં ભરપુર ભરી શકે છે. લડી લેવાની અને લડાવી દેવાની આ વૃત્તિ તેના ખેલાડીઓ માટે ઠીક હશે, પણ બે આખલા લડે ત્યારે ઘાસનો ખો નીકળી જાય છે… નાગરિકોના હિતો સસ્પેન્ડ થઈ ગયા છે બસ.