લોકસભાની ચૂંટણી બાદ ઉઠેલા આઘાત પ્રત્યાઘાત વચ્ચ્ મૂળ કોંગ્રેસીને પ્રધાન બનાવવા બાબતે રાજકિય અટકળો તેજ
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની રાજકિય આબોહવા પણ બદલી ગઇ છે. કેન્દ્રમાં ભારતિય જનતા પાર્ટીને અપેક્ષા મુજબ બેઠકો મળી નથી. ર૪૦ બેઠકથી સંતોષ માનવો પડયો છે. એનડીએના સાથી પક્ષોથી સરકાર બનાવવામાં સફળતાં મળી છે. પરંતુ ગુજરાતમાં પણ અપેક્ષિત પરિણામ નથી આવ્યુ. લોકસભાની ચૂંટણીમાં ર૬માંથી રપ બેઠક મળી છે. એક બેઠક ઘટી છે. સતત ત્રુજણ વખત ર૬ બેઠક મળવાની સિધ્ધીથી ભાજપ દૂર રહી ગયુ છે. આવા સંજોગોમાં ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર અને વિસ્તૃતિકરણની અટકળો શરૂ થઇ છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને ગુજરાતા પ્રધાનમંડળમાં લેવાની અટકળો તેજ થઇ છે. દિલ્હીના રાજકિય વર્તુળોમાં તેજ ચર્ચા છે.
ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તૃતિકરણ થશે પણ કયારે થશે ? તેનો સમય કોઇ કહિ શકતુ નથી. જે રીતે સી.આર. પાટીલને કેન્દ્રમાં મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવી નિયુકતી તાત્કાલક કરવામાં આવી નથી. એ જ પ્રમાણે ગુજરાતના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના પ્રતિક ઉપર ચૂંટણી લડી જીતેલાં ધારાસભ્યોને સતામાં કયારે લેવા તેનો નિર્ણય વિલંબીત છે. છે. કારણ કે ચૂંટણીના પરિણામોમાં ગુજરાતમાં ભાજપના નેતાઓને હાંસિયામાં ધકેલી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવી અને તેનો વિજય થયા બાદ તેમને પદ આપવાથી ભાજપમાં આંતરિક વિરોધ વધી શકે છે. ખાસ તો ચૂંટાયેલા ધારાસભ્યો આ મામલે વિરોધ કે અસંતોષ વ્યકત કરે તેવી શકયતા છે.
જો કે આ શરૂઆત વહેલી થઇ ગઇ છે. જયેશ રાદડિયાએ નાફેડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની અવગણા કરી દિલીપ સંઘાણી સાથે મળીને વિજય મેળવ્યો હતો. તાજેતરમાં વડોદરા ભાજપના ધારાસભ્ય અને અમદાવાદના એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમના વિસ્તારમાં અધિકારીઓ ગાંઠતાં નથી એવી ફરિયાદ ચોકકસ કિસ્સાને ટાંકીને કરી છે. એટલું જ નહિ અધિકારીઓએ પૈસા બનાવવાની ફેકટરી ખોલી નાંખી છે એવી ફરિયાદો પણ ઉઠી છે.
ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્યોનો આમ પણ કોઇ અવાજ કે વજન નહિ હોવાની લાંબા સમયની ફરિયાદ છે. જો કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સંઘના મોહન ભાગવતે જે રીતે મામલો હાથમાં લીધો છે એ જોતાં હવે વડાપ્રધાન અને અમિત શાહની માતૃભૂમિમાં સબ સલામતની આલબેલ ખાસ જરૂરી છે. જયાં સુધી સંસદમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની નિયુકતી ન થઇ જાય ત્યાં સુધી સ્ટેટસ કવો રહે તેવી શકયતા છે.
પરંતુ વહેલા કે મોડા કોંગ્રેસમાંથી લાવવામા આવેલા નેતાઓને આપેલા પ્રોમીસ ભાજપ હાઇકમાન્ડે પૂરા કરવા પડશે. આ માટ સાનુકુળ સમયની રાહ જોવાઇ રહી છે. જો કે મોઢવાડિયા અને ચાવડાની નિયુકતીને સંઘના નેતાઓ વિરોધ ન કરે. ભાજપનો મામલો ગણી ભાજપના નેતા જ આ બાબત સંભાળી લ્યે એવી શકયતા જોવાય છે. સવાલ એ છે કે ભાજપના ધારાસભ્યો અને અસંતુષ્ઠો બદલાયેલી સ્થીતિમાં આ મામલે કઇ રીતે પ્રત્યાઘાત આપે છે એ જોવાનું રહયુ. કદાચ એવુ બને કે જાહેરમાં ખાસ વિરોધ ન થાય પરંતુ ગુજરાતમાં હવે આવનારી સ્થાનિક ચૂંટણીઓ સુધી સંઘર્ષને લઇ જવામાં આવે. હવે કોંગ્રેસ પણ મજબુત બની છે. આવા સંજોગોમાં ગુજરાતમાં કોઇ રાજકિય નવાજુની થશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રધાનમંડળમાં સમાવી લેવાશે તેની અટકળો તેજ બની છે. કદાચ કોંગ્રેસના નેતાઓને અપેક્ષા કરતાં વધુ સમય સુધી પદ મેળવવા માટે રાહ જોવી પડે તેવી પણ શકયતા છે. દિલ્હીમાં બધુ થાળે પડયા બાદ હાઇકમાન્ડ ગુજરાતનો મામલો હાથમાં લ્યે તેવી શકયતા પણ છે.