બે દિવસ પહેલા ધોરાજીનો એક પરિવાર સામાજિક કારણોસર માડાસણ ગામે જઈ કારમાં પરત ધોરાજી તરફ આવી રહ્યો હતો ત્યારે કારનું ટાયર ફાટતાં કાર ભાદર નદીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકી હતી. જોતજોતાંમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમાં સવાર પટેલ પરિવારના ચાર સભ્યો નાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે પોરબંદર સ્થિત ભરતભાઈ દતા અને અન્યો દ્વારા વિતરીત કરવામાં આવી છે.
હરિયાણામાં મહેન્દ્ર ગઢ ખાતે સ્કુલ બસ દુર્ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૬ બાળકોનાં કરુણ મોત નિપજયા છે. આ અકસ્માતની વિગતો મેળવવામાં આવી રહી છે અને દિલ્હી સ્થિત કમલકુમાર શર્મા અને તેમના સાથીઓ દ્વારા પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. એ પ્રમાણે છતીસગઢના દુર્ગ વિસ્તારમાં એક બસ દુર્ઘટનામાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં તેમની વિગતો મેળવવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને પણ ૧૫,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. ત્રણે ધટનાઓ માં માર્યા ગયેલાઓને કુલ મળીને રુપિયા ૩,૭૫,૦૦૦ની સહાયતા અર્પણ કરવામાં આવી છે.