વર્ષ ૨૦૧૮ માં હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામમાં સસરા દ્વારા પુત્રવધૂને માથામાં લાકડીનો ઘા મારી કેરોસીન છાટી જીવતી સળગાવી દેતા ૨૮ વર્ષીય પરિણીતાનું સારવારમાં મોત નિપજયાનો કેસ અત્રેની મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી સસરાને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો છે
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે સંયુક્ત પરિવારમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ ભડજાના પત્ની આશાબેન વિનોદભાઈ ભડજાની વર્ષ ૨૦૧૮ માં રસોઈ કરવામાં કેમ મોડું થયું તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈને તેમના સસરા મગનભાઇ પરસોતમભાઈ ભડજા દ્વારા માથામાં લાકડી મારી આખા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા મૃતક આશાબેન આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, બનાવ બાદ આશાબેનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ રિફર કરાયા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો, મોરબી પોલીસ દ્વારા આશાબેનના મરણોન્મુખ નિવેદન મુજબની ફરિયાદને આધારે તેમના સસરા મગનભાઇ પરસોતમભાઈ ભાડજાની અટકાયત કરી નામદાર કોર્ટ હવાલે કરાયા હતા.
ઉપરોક્ત હત્યાનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ૨૦ મૌખિક, ૩૭ દસ્તાવેજી પુરાવા તથા એક બચાવપક્ષના પુરાવાને ધ્યાને લઈ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દલીલોને ગ્રાહ્ય રાખી મોરબી કોર્ટે આરોપી મગનભાઈ પરસોતમભાઇ ભાડજાને આજીવન કેદની સજા તેમજ રૂ.૨૧,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.