દલિત યુવાન પર અત્યાચાર કરનાર રાણીબા સહિતના આરોપીઓએ આગોતરા જામીનની માંગણી કરી
દલિત સમાજમાં ઉગ્ર રોષ : કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હવે આંદોલનની તૈયારીઓ
મોરબીમાં નિલેશ દલસાણીયા નામના યુવાને જે કંપનીમાં નોકરી કરી હતી તે કંપનીમાંથી નીકળી જતાં માલિકો પાસે પગાર માંગતા તેની ઉપર અત્યાચાર ગુજારી તેને મોઢામાં પગરખુ લેવડાવતાં મોરબી પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને દલિત સમાજે રાજય વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને મોરબી કલેકટરને આવેદન આપી આરોપીઓને ઝડપી લેવાની માંગણી કરી છે. પરંતુ ફરિયાદના ત્રણ દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. આથી પોલીસ સામે પડકાર અને શંકા ઉભા થયા છે. તાત્કાલીક ધોરણે આરોપીઓને ઝડપી લેવાની માંગણી થઇ છે. બીજી બાજુ આ બનાવની મુખ્ય ખલનાયિકા વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીનની માંગણી કરી છે.
આ બનાવની વિગત મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશ કિશોરભાઈ દલસાણીયા ઉ.વ.21 જે રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરી કરતા હતા. તેઓએ બાકી પગાર માંગતા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી તમારા જેવા લોકોને કામે કોણ રાખે તેવું કહી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો હોવાનું જણાવતો વીડિયો ઉતારી નિલેશને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જેને પગલે રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં પણ સર્ચ ચલાવવામાં આવ્યું હતું. પરંતુ આરોપીઓ ત્યાંથી મળી આવ્યા ન હતા. બીજી તરફ પાંચ આરોપીઓએ ધરપકડથી બચવા માટે પોતાના વકીલ મારફતે મોરબી કોર્ટમાં આગોતરા અરજી મૂકી હોવાથી આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.