પોલીસે લૂટ કરતી રિક્ષાગેંગના બે સાગરીતો પાસેથી રોકડા ૫૦ હજાર, રીક્ષા તથા એક મોબાઇલ સહિત ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી એલસીબી/પેરોલ સ્કવોડ દ્વારા લૂટ કરતી રીક્ષા ગેંગના રાજકોટના એક મહિલા સહિત બે શખ્સોને દબોચી લઇ ઉલ્ટી ઉબકા કરવાને બહાને ખેડૂતના પેન્ટના ખિસ્સામાંથી ૫૦ હજાર રોકડા સેરવી લેવાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ સાથે લૂટ ચલાવતી રીક્ષા ગેંગના અન્ય બે સાગરીતોની અટક કરવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના માર્કેટિંગ યાર્ડમાં જીરુંની ઉપજના વેચાણથી આવેલ રૂ. ૫૦ હજાર લઇને મૂળ મધ્યપ્રદેશના હાલ મોરબી તાલુકાના કૃષ્ણનગર રહેતા ગણપતભાઈ હજારીયા નામના ખેડૂત માર્કેટિંગ યાર્ડ પાસે રીક્ષાની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં પહેલેથી બેસેલ એક મહિલા સહિત ત્રણ લૂટ કરતી ગેંગના સાગરીતો કે જેમા મહિલાએ ઉલ્ટી ઉબકાના બહાને ગણપતભાઈ ના પેન્ટના ખિસ્સામાંથી ૫૦ હજાર રોકડા સેરવી લીધા હતા. જે બનાવ બાબતે ભોગ બનનાર ખેડૂત દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત બનાવની ફરિયાદને આધારે મોરબી એલસીબી/ પેરોલ સ્કવોડ લુટારુ રીક્ષા ગેંગને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરી, તેમજ અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી. સોપવામાં આવેલ હતી. ત્યારે ગઈકાલ તા.૨૭ જૂનના રોજ પેરોલ ફર્લો સ્કોડ તથા એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે સી.એન.જી.રીક્ષા નંબર-જીજે ૦૩ બીએક્સ ૬૧૮૬ માં એક સ્ત્રી તથા રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરવામાં આવ્યા હતા. જે બંનેની સઘન પૂછતાછમાં અન્ય બે સાગરીતો સાથે મળી ચોરી કર્યા અંગેની કબૂલાત આપતા આરોપી રીક્ષા ચાલક ઇરફાનભાઇ મહમદભાઇ અબુમીયા બુખારી ઉવ.૨૪ રહે.હાલ રાજકોટ બરકાતીનગર તા.જી.રાજકોટ મુળ ગામ જામનગર દરબારગઢ પટણીવાસ તથા મહિલા આરોપી કાંતાબેન હરીભાઇ કેશાભાઇ ડાભી ઉવ.૬૫ રહે.રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી શેરી નં-૦૪ મુળ અમદાવાદ જુના વાડજ મેલડી માતાજીના મંદીર પાસે જી.અમદાવાદ ની અટકાયત કરી હતી. આ સાથે બંને આરોપીઓ પાસેથી લૂટ કરેલ રોકડા ૫૦ હજાર તથા સીએનજી રીક્ષા તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.૧,૨૫,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કર્યો હતો.
જ્યારે લૂટ કરતી રીક્ષા ગેંગના અન્ય બે સાગરીતો આરોપી ગયઢો ઉર્ફે ગઢો હરીભાઈ ડાભી રહે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી તથા કીશનભાઇ મગનભાઇ પાંભણીયા રહે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શીવનગર શેરી નં-૦૨ ના નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.