ક્રાઇમ બ્રાંચ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૬૦,૫૦૦ કબ્જે લીધા
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમી રમાડતા મકાન માલિક સહિત કુલ પાંચ જુગારીની અટક કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. ના પો.હેડ.કોન્સ.ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં હકીકત મળેલ કે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરાના રહેણાંકમાં રાજુભાઇ બાબુભાઇ કોળી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે મળેલ બાતમી મુજબના સ્થળે દરોડો પાડતા રહેણાંકમાં જુગાર રમતા રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ-૫૪ રહે.મોરબી શોભેશ્વર રોડ મફતીયાપરામાં, અબ્દુલભાઇ મામંદભાઇ જુણાજ ઉવ-૫૬ રહે. મોરબી જુના બસસ્ટેન્ડ પાસે ધાંચી શેરી, સફીર તારમહમંદભાઇ મોટલાણી ઉવ-૪૯ રહે.મોરબી સબજેલ પાછળ બોરીચાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-૫૭ રહે.મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં બ્લોક ન.૨૩૧ તથા ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-૪૮ રહે.મોરબી મકરાણીવાસને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૦,૫૦૦/- કબ્જે લઈ પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.