રશિયામાં રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર એક મોટો વિસ્ફોટ થયો હતો. આ ધડાકામાં રશિયાના ન્યુક્લિઅર પ્રોગ્રામના ચીફ ઇગોર કિરિલોવનું મૃત્યુ થયું છે. કિરિલોવ રાષ્ટ્રપતિ પુતિનના અતિ નિકટના સાથી ગણાતા હતા. યૂક્રેનની સિક્યુરિટી સર્વિસે આ ધડાકો કર્યો હોવાનો દાવો કર્યો છે.
રિપોર્ટ અનુસાર,ઇગોર કિરિલોવ પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ પાસેના પાર્કમાં સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથોસાથ તેમના આસિસ્ટન્ટનું પણ મૃત્યુ થયું છે. રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયેલા આ ધડાકામાં 300 ગ્રામ ટીએનટીનો ઉપયોગ કરાયો હોવાનું કહેવાય છે. આ બનાવ સંદર્ભમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સ્કૂટરમાં થયેલા વિસ્ફોટની ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ઇમારતનો કાટમાળ પડયો છે અને લોહીથી ખરડાયેલાં બે મૃતદેહ કાટમાળ વચ્ચે પડયા છે.