ફિલ્મની સફળતા બાદ આ ફિલ્મ સ્પેનીશ, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં રીલીઝ કરવામાં આવી હતી
તારીખ 25 ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ રીલીઝ થયેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ હીટ, બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સ્થાન પામેલી અને હિન્દી સિનેમાની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે ગણના થાય છે. ઓસ્કાર એવોર્ડ્સ માટે ભારત તરફથી મોકલવામાં આવેલી સૌપ્રથમ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ હતી.
મહેબુબ ખાન દ્વારા લખાયેલી, નિર્મિત અને દિગ્દર્શિત કરાયેલી આ અદભૂત ફિલ્મમાં નરગિસ, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર અને રાજકુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મહેબુબ ખાન દ્વારા જ ૧૯૪૦ની સાલમાં નિર્મિત ફિલ્મ ‘ઔરત’ની રીમેક તરીકે આ ફિલ્મ બનાવવામાં આવી હતી.
આઝાદી પછીના ભારતના માહોલને દર્શાવતી આ ફિલ્મ એક નાનકડા ગામમાં ગરીબી અને લાચારીથી પીડિત સ્ત્રી રાધા (નરગિસ)ની કહાની છે, જે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા પોતાના બંને સંતાનોનો ઉછેર કરી રહી હોય છેે. સાથે સાથે ગામના રાક્ષસ જેવા જાગીરદારની ગંદી નજરો અને હરકતોથી પોતાને બચાવતી રહી હોય છે. સખત મહેનત અને ઈમાનદારી અને આદર્શની મૂર્તિ સમાન રાધા ફિલ્મના અંતમાં પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાના જીવથી પણ વ્હાલા પુત્રનો વધ કરતા પણ અચકાતી નથી.
ફિલ્મમાં નૌશાદ સાહેબ દ્વારા સંગીતબદ્ધ કરાયેલા તમામ 12 ગીતો ખુબ જ લોકપ્રિય થયા હતા. તે સમયની સૌથી મોંઘા બજેટની ફિલ્મ ગણવામાં આવતી ‘મધર ઇન્ડિયા’ બોક્સ ઓફિસ પર ‘ઓલટાઈમ બ્લોક બસ્ટર’ રહી હતી. ‘મધર ઇન્ડિયા’ ભારતીય સિનેમાની સૌપ્રથમ ફિલ્મ હતી, જેને ઓસ્કાર એવોર્ડ્સ માટે ‘બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ’ કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી હતી. એટલું જ નહિ, આ એવોર્ડ જીતીને એક અલગ જ ઈતિહાસ રચવામાં આ ફિલ્મ ફક્ત એક જ મતથી ચુકી ગઈ હતી. નહિતર આ ફિલ્મના નામે વધુ એક ઈતિહાસ રચાઈ જાત.
આ ફિલ્મ બ્લોકબસ્ટર તો રહી જ હતી, પરંતુ વિવેચકોએ પણ ખુબ વખાણી હતી. ફિલ્મને તે વર્ષના 5 ફિલ્મફેર એવોર્ડ્સ અને ૨ નેશનલ એવોર્ડ સહીત કુલ 9 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા હતા. અનેક યાદગાર પ્રસંગોની સાક્ષી રહેલી આ ફિલ્મ ખાસ તો સેટ પર થયેલા એક અકસ્માત અને તેના કારણે ફિલ્મના બે કલાકારો નરગિસ અને સુનીલ દત્ત વચ્ચે પાંગરેલો પ્રેમ અને બન્નેના લગ્ન માટે નિમિત બનવા માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ફિલ્મના શુટિંગ દરમ્યાન, સેટ પર એક સીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. નરગિસ આ અગ્નિ વચ્ચે સપડાઈ જતા સેટ પર એકદમ ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી. નરગિસજીના જાન પર ખરેખર જોખમ આવી ગયું હતું, બરાબર આ જ સમયે સુનીલ દત્તે આગમાં કુદીને નરગિસને બચાવી લીધા હતા.
આ અકસ્માતમાં સુનીલ દત્તને ઘણી ઈજાઓ થઇ હતી. આ અકસ્માત પછી બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને બીજા જ વર્ષે બન્નેએ લગ્ન પણ કરી લીધા હતા. રસપ્રદ બાબત તો એ છે કે આ ફિલ્મમાં સુનીલ દત્તે નરગીસના પુત્રની ભૂમિકા ભજવી હતી!
મહેબુબ ખાનને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા અમેરિકન લેખક પર્લ એસ.બકના બે પુસ્તકો ‘ધ ગુડ અર્થ’ અને ‘ધ મધર’ પરથી મળી હતી.
ફિલ્મની અપાર સફળતા અને ખ્યાતિના કારણે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ આ ફિલ્મ જોવાની લાલચ રોકી ન હોતા શક્યા અને તેમના માટે આ ફિલ્મનો એક સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો હતો.
ફિલ્મના ડાયરેક્ટર મહેબુબ ખાને ફિલ્મના મુખ્ય હીરો તરીકે રાજેન્દ્રકુમાર અને સુનીલ દત્તને પસંદ કર્યા તે પહેલા બન્નેમાંથી એક રોલ માટે તેમની ઈચ્છા દિલીપકુમાર ને કાસ્ટ કરવાની હતી, પરંતુ દિલીપ કુમારે નરગિસ સાથે ‘મેલા’ અને ‘બાબુલ’ જેવી રોમાન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હોવાથી હવે અચાનક તેના પુત્રના રોલમાં દર્શકો સ્વીકારશે કે કેમ એવી અવઢવના કારણે દિલીપ કુમારે આ રોલ રીજેક્ટ કર્યો હતો.
‘મધર ઇન્ડિયા’ની અપ્રિતમ સફળતા બાદ આ જ થીમ પર વધુ એક ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’ બનાવી હતી, જો કે તે ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં બીરજુ (સુનીલ દત્ત)ના બાળપણનું પાત્ર તેની જબરદસ્ત એક્ટિંગ અને રોલના કારણે ખુબ લોકપ્રિય થયું હતું. આ રોલ માટે બાળ કલાકાર સાજીદ ખાનને લેવામાં આવ્યો હતો. સાજીદ ખાનનો જન્મ મુંબઈના સ્લમ એરિયામાં થયો હતો અને તેઓ અનાથ હતા.
શુટિંગના શરૂઆતના દિવસોમાં શુટિંગ જોવા ઉભેલી ભીડમાં ઉભેલા સાજીદ ખાન પર મહેબુબ ખાનની નજર પડી હતી અને તેમની પારખું નજર આ છોકરામાં રહેલ હીરાને પારખી ગઈ હતી અને તરત જ તેને બોલાવીને તેના વિષે પૂછપરછ કરી હતી. તે અનાથ હોવાનું અને ઝુંપડપટ્ટીમાં રહેતો હોવાની જાણ થતા મહેબુબ ખાને તેને દત્તક લઇ લીધો હતો અને ‘મધર ઇન્ડિયા’માં આ ખુબ મહત્વના રોલ માટે ચાન્સ પણ આપ્યો હતો. આ ફિલ્મ બાદ સાજીદ ખાને બીજી ઘણી ફિલ્મો કરી હતી.
ફિલ્મની સફળતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને મેકર્સ દ્વારા આ ફિલ્મને સ્પેનીશ, ફ્રેંચ અને રશિયન ભાષાઓમાં પણ રીલીઝ કરવામાં આવી હતી. યુરોપિયન દેશોમાં પણ ફિલ્મ હીટ રહી હતી.
ફિલ્મમાં વિલન તરીકે જમીનદાર સુખીલાલનો રોલ કનૈયાલાલે ભજવ્યો હતો. અતિશય લાલચુ, ખંધા અને લંપટ જમીનદારનો રોલ કનૈયાલાલે બખૂબી નિભાવ્યો હતો. ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ જે ફીલ્મની રીમેક હતી, તે ૧૯૪૦ની સાલમાં બનેલી ફિલ્મ ‘ઔરત’માં પણ કનૈયાલાલે આ જ રોલ કર્યો હતો.
રાજેન્દ્રકુમાર આ ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત હતા તે દરમ્યાન જ તેમના પુત્ર કુમાર ગૌરવનો જન્મ થયો હતો. નરગિસજીને આ ફિલ્મ માટે ‘બેસ્ટ એક્ટ્રેસ’ તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, જયારે મહેબુબ ખાન ને આ ફિલ્મ માટે ‘બેસ્ટ ડાયરેક્ટર’ એવોર્ડ મળ્યો હતો.