ભારતમાં એવાં અનેક પૌરાણિક મંદિરો આવેલાં છે જે રહસ્યોથી ભરપૂર છે. આ મંદિરોનાં રહસ્યો આજે પણ વણઉકેલાયાં જોવા મળે છે. આ મંદિરોમાં લેપાક્ષી મંદિરનો સમાવેશ થાય છે, જે તેના ઝૂલતા થાંભલા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
દુનિયાભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ખાસ કરીને આ ઝૂલતા થાંભલાને જોવા ચોક્કસથી પધારે છે. ભારતનું ઝૂલતા થાંભલાનું રહસ્યમય મંદિર આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલું છે. આ મંદિરને લેપાક્ષી નામથી પણ વિશેષ રીતે ઓળખવામાં આવે છે.
મંદિરના થાંભલા(`આકાશ સ્તંભ’)નું રહસ્ય
લેપાક્ષી મંદિરને વિદેશોમાં અને ભારતમાં `હેગિંગ પિલર ટેમ્પલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ આ મંદિરમાં કુલ 70 થાંભલા છે અને આ પૈકીનો એક થાંભલો હવામાં જ લટકતો જોવા મળે છે. અહીં દર્શનાર્થે કે પ્રવાસ માટે આવનાર શ્રદ્ધાળુ કે વ્યક્તિ તે થાંભલાની નીચે નાનું-મોટું કપડું પ્રસરાવીને ચોક્કસથી જુએ છે કે તે ખરેખરમાં લટકે છે કે કેમ? આ લટકતા થાંભલાને `આકાશ સ્તંભ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થાંભલો જમીનથી અંદાજિત અડધા ઇંચ ઉપર લટકેલો જોવા મળે છે.
લેપાક્ષી મંદિર વિશે બ્રિટિશ એન્જિનિયરનો અભિપ્રાય
વર્ષ 1924માં હેમિલ્ટન નામના બ્રિટિશ એન્જિનિયરે આ લટકતા થાંભલાના રહસ્યને જાણવા માટેનું બીડું ઝડપ્યું હતું, તેથી તેણે તે લટકતા થાંભલાને હલાવવાની કોશિશ કરી હતી. તે જ્યારે થાંભલો હલાવતો હતો ત્યારે અન્ય દસ થાંભલા પણ હલવા લાગ્યા હતા, તેથી તેણે થાંભલાને હલાવવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે (એએસઆઇએ) આ વિશેની સંપૂર્ણ તપાસ ઝીણવટપૂર્વક કરી હતી અને ત્યારબાદ તેનું યોગ્ય તારણ કાઢવામાં આવ્યું હતું. જેમાં સાબિત થયું હતું કે, લટકતા સ્તંભનું નિર્માણ કોઇ ભૂલનું પરિણામ નથી, પરંતુ તે સમયના ઈજનેરો પોતાની કાબેલિયત દર્શાવવા માટે આવાં મંદિરોનું નિર્માણ કરતા હતા.
લેપાક્ષી મંદિર પાછળની પૌરાણિક કથા
લેપાક્ષી મંદિર પાછળની પૌરાણિક કથા જાણ્યા પહેલાં લેપાક્ષીનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે. લેપાક્ષીને તેલુગુ ભાષામાં `લે પાક્ષી’ એમ કહેવામાં આવે છે, જેનો અર્થ `ઉદય, પક્ષી’ એમ થાય છે. એક દંતકથા પ્રમાણે આ એ જ ગામ છે જ્યાં હિંદુ મહાકાવ્ય `રામાયણ’માં જ્યારે જટાયુ અને રાવણનું યુદ્ધ થયું હતું. એટલે કે જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરીને લઇ જાય છે, ત્યારે જટાયુ તેનો વિરોધ કરે છે અને રાવણ સાથે યુદ્ધ કરે છે, જેમાં જટાયુ ગંભીર રીતે જખ્મી થઇ જાય છે અને તે હવામાંથી અહીંની જમીન પર પટકાઈને પડે છે. અલબત્ત, આ ઘટના બાદ તે ગામનું નામ લેપાક્ષી પાડવામાં આવ્યું હતું એવી દંતકથા છે. નોંધનીય છે કે, લેપાક્ષી સદીઓથી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વિક રીતે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
લેપાક્ષી મંદિરનું નિર્માણ
લેપાક્ષી મંદિરનું નિર્માણ ઈ.સ. 1530માં બે ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બે ભાઈઓનું નામ વિરુપ્પા નાયક અને વિરન્ના હતું. આ બંને ભાઈઓએ દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નગર એવા વિજયનગર સામ્રાજ્યના શાસક રાજા અચ્યુતરાયના શાસનકાળ દરમિયાન ઉચ્ચ પદ પર કાર્ય પણ કર્યું હતું. આ મંદિરના મુખ્ય દેવતા વીરભદ્ર છે જેમને હિન્દુ ભગવાન શિવના દ્વિતીય ઉગ્ર સ્વરૂપ માટે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં ત્રણ મોટા ખંડ આવેલા છે, જેમાં એસેમ્બલી હોલ, એન્ટિચેમ્બર અને આંતરિક ગર્ભગૃહનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખંડોમાં ભીંતચિત્રો, આકર્ષક કોતરણીમય મૂર્તિઓ અને અન્ય ચિત્રો પણ જોવા મળે છે. આ મંદિરથી અંદાજિત 200 મીટરના અંતરે તમને એક વિશાળ નંદીની પ્રતિમા જોવા મળશે. આ નંદીની લંબાઇ 27 ફૂટ અને ઊંચાઇ 15 ફૂટ જોવા મળે છે. નંદી પર કરવામાં આવેલી કોતરણી મન મોહી લે તેવી છે. આ નંદી દૂરથી પણ સ્પષ્ટ રીતે આકારમય જોવા મળે છે. જેને લઇને એવું અનુમાન લગાડવામાં આવે છે તે કોઇ આધુનિક સાધનો વગર શક્ય જ નથી! પરંતુ તે સમયે એવાં કોઇ આધુનિક સાધનો ન હોવા છતાં પણ આવી અદ્ભુત કારીગરી અચરજ પમાડે તેવી છે.
મંદિરમાં અર્ધ લગ્નમંડપની કથા
મંદિરથી થોડા અંતરે એક લગ્નમંડપ જોવા મળે છે, જેને `અધૂરો’ લગ્નમંડપ તેમજ `કલયાનમંડપમ’ કહેવામાં આવે છે. આ લગ્નમંડપ વિશે એવી ધાર્મિક માન્યતા છે કે, ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની ઉજવણી માટે આ મંડપ બનાવવામાં આવ્યો હતો. આ મંડપ બનાવવા પાછળની એક દંતકથા પ્રમાણે આ લગ્નમંડપને અધૂરો જ છોડવામાં આવ્યો હતો, કારણ કે આ જગ્યાનું નિર્માણ કરનાર રાજાનો દીકરો અંધ હતો. એક વાર જ્યારે તેમણે મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું ત્યારે તેમના દીકરાનું આંધળાપણું ચમત્કારિક રીતે દૂર થઇ ગયું હતું, પરંતુ તે દરમિયાન અન્ય લોકોને તે વાત આંખના કણાની જેમ ખૂંચવા લાગી, તેથી તે તમામે એવો વિરોધ નોંધાવ્યો હતો કે રાજા પોતાના દીકરાની આંખોના ઇલાજ માટે રાજ્યના જ પૈસા વાપરી રહ્યા છે. તેથી રાજાએ પોતાના માણસોને બોલાવીને એવું ફરમાન કર્યું કે તેઓ તેમના પુત્રને આંધળો કરી નાખે, તેથી આ લગ્નમંડપ પરના લાલ ડાઘા તેની આંખોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ઘટના ઘટ્યા બાદ આ લગ્નમંડપને કોઇ પૂર્ણ કરી શક્યું નહોતું.
મંદિર વિશેની અન્ય માન્યતા
ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન વીરભદ્રની ઉત્પત્તિ દક્ષ પ્રજાપતિના યજ્ઞ પછી થઇ હતી. જ્યારે ભગવાન શિવે માતા સતીના આત્મદાહ પછી વીરભદ્રને પોતાની જટાઓમાંથી ઉત્પન્ન કરીને દક્ષ પ્રજાપતિને મારવા મોકલ્યો હતો, ત્યારે દક્ષનો વધ કર્યા પછી પણ ભગવાન વીરભદ્રનો ગુસ્સો શાંત થતો નહોતો, તેથી ભગવાન શિવે વીરભદ્રને પોતાના ક્રોધને શાંત કરવા માટે તપસ્યા કરવાનો આદેશ આપ્યો હતો. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં જે હવામાં લટકતો થાંભલો છે તે વીરભદ્રના ક્રોધનું જ કારણ છે! ભગવાન વીરભદ્રના ક્રોધના અગ્નિના તાપથી અહીંની જગ્યા ધ્રૂજવા લાગી હતી, તેથી અહીં કંઇ પણ નિર્માણ કરવામાં આવે છે તે ધ્રૂજવા લાગે છે અને જે તે નિર્માણ અધૂરું રહે છે, તેથી જ લટકતા સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હશે!
કેવી રીતે પહોંચશો?
તમે વિમાનમાર્ગે જવા માંગતા હોવ તો બેંગલુરુ એરપોર્ટ સૌથી નજીક છે અને અહીંથી લેપાક્ષી મંદિર અંદાજિત 120 કિ.મી.ની આસપાસ છે. ખાનગી વાહન દ્વારા મંદિર સુધી પહોંચી શકો છો. અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન હિન્દુપુર છે અને અહીંથી મંદિર અંદાજિત 14 કિ.મી. દૂર આવેલું છે. જો તમે સડકમાર્ગે જવા માંગતા હોવ તો લેપાક્ષી મંદિર અનંતપુરથી અંદાજિત 60 કિ.મીના અંતરે આવેલું છે.