- દિલ્હીમાં થયેલ એક્સાઈઝ ચોરી કૌભાંડ કોઈ નાનું કૌભાંડ નથી
- એક્સાઈઝ પોલિસી યોગ્ય હતી તો પરત કેમ ખેંચી: નવજોત સિંહ સિદ્ધુ
- માન સરકારે પંજાબની જનતાને આપેલ વચનો પૂરા નથી કર્યા
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે પંજાબ અને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારો સામે આકરા વાકપ્રહારો કરતાં એક્સાઈઝ પોલિસીને લઈને સવાલો કર્યા છે. પટિયાલા ખાતે પોતાના નિવાસ સ્થાને પત્રકારો સાથે વાત કરતાં સિદ્ધુએ કહ્યું કે દિલ્હીમાં થયેલ એક્સાઈઝ ચોરી મોટી છે અને તેને યોગ્ય ગણવવાનો પ્રયાસ કરીને કેજરીવાલ સરકાર સીનાજોરી કરી રહી છે.
દારૂના ઠેકેદારોની કમાણી વધારી દીધી
સિદ્ધુએ આગળ કહ્યું કે કેજરીવાલ તરફથી દાવાઓ કર્યા હતા કે તેમની સરકારમાં શિક્ષણ સંસ્થાનો અને ધાર્મિક સ્થળોની આસપાસ દારૂના અડ્ડાઓ નહિ ખોલવામાં આવે, પરંતુ અઢી મહિના બાદ દરેક શેરી-મહોલ્લામાં દારૂનું વેચાણ શરૂ થઈ ગયું છે. સિદ્ધુએ કહ્યું કે જો પોલિસી યોગ્ય હટી તો તેઓ પરત જ ન ખેંચતા. પરંતુ, આશ્ચર્યની વાત તો એ છે કે આ પોલિસી પંજાબમાં પણ લાગુ કરી દેવામાં આવી. દારૂના ઠેકેદારોની કમાણી વધારી દીધી અને રાજ્યની આવક ઘટાડી દીધી.
પાંજબને આપેલ વચનો પૂરા નથી કર્યા
સિદ્ધુએ કહ્યું કે એક્સાઇઝ પોલિસી 200 કે 300 કરોડ રૂપિયાની નથી, પરંતુ 4000 કરોડની છે. તેમણે કહ્યું કે પંજાબમાં ચૂંટણી દરમિયાન કેજરીવાલે દાવો કર્યો હતો કે જો તેમની સરકાર બનશે તો પંજાબની આવકમાં 5000 કરોડ રૂપિયાનો વધારો થશે. રેતીમાંથી 20 હજાર કરોડની આવકથી તિજોરી ભરવાની વાતો થઈ હતી. પરંતુ વાસ્તવમાં આવું કંઈ જ થયું હોય તેવું લાગતું નથી.
લોકોના મહેનતથી કમાયેલા પૈસાની ચોરી થઈ
નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું કે ભગવંત માન તેમના નાના ભાઈ છે. તેની સાથે કોઈ અંગત દુશ્મની નથી. પરંતુ, તેમણે પંજાબને આપેલા વચનો પૂરા નથી કર્યા. તેમણે જે સવાલો કર્યા હતા તે તમામ પ્રશ્નોના જવાબો નથી મળ્યા. સિદ્ધુએ આરોપ લગાવ્યો કે પંજાબના લોકોના મહેનતથી કમાયેલા પૈસાની ચોરી થઈ રહી છે, જેના માટે તેઓ હંમેશા લડતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ લડતા રહેશે.