-
સમાજ જુદા જુદા વય જુથમાં વહેંચાયેલો છે : યુવાનોનો ઉત્સાહ અને વડિલોની ચિંતાનું સહઅસ્તિત્વ છે
-
બહુમતી વર્ગ રોજીંદા તનાવમાંથી મુકત થવા તહેવારોની ઉજવણી કરવામાં માને છે
ગઇ કાલે આપણા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. જેમાં નવરાત્રી પર્વમાં રાત્રીના બાર વાગ્યા બાદ ગરબી અને ગરબા રમતાં લોકોને સાઉન્ડ વગર રમવાની છુટ આપી છે. એટલું જ નહી પોલીસ આવા ગરબી કે ગરબીના આયોજન બંધ ન કરાવે તેવી પણ સૂચના આપી છે. આ નિર્ણયને ખાસ કરીને યુવા વર્ગ અને ઉત્સવપ્રેમી જનતાએ એક અવાજે આવકાર્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદ હતી કે જયારે જયારે હિન્દુઓના પર્વ આવે ત્યારે કોર્ટ,પોલીસ અને અન્ય સરકારી તંત્ર નિયમ પાલન માટે અતિસક્રિય થઇ જાય છે. મતલબ કે હિન્દુ તહેવારોની જાહેર ઉજવણીમાં તંત્ર બેરોકટોક પોતાની મનમાની કરી શકે છે.
થોડા સમય પૂર્વે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ખુદ ભાજપ પ્રેરિત ગણેશ મહોત્સવમાં પોલીસ અધિકારીઓએ રાત્રીના દસ વાગ્યે જ ઉત્સવ બંધ કરાવવા સતાનો જે શો કર્યો હતો તે ચર્ચાસ્પદ બન્યો હતો. આ સમયે ભાજપના શહેર પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતાં છતાં તેમને નમતું જોખવુ પડયુ હતું તેની કાર્યકરોમાં ભારે ટીકા થઇ હતી.
નવરાત્રીમાં દસ વાગ્યા બાદ ગરબાના આયોજન હોય ત્યાં પોલીસ આવી જ સક્રિયતાથી ધસી જતી હતી. સુપ્રિમ કોર્ટનો હવાલો આપી સાઉન્ડ વગેરે બંધ કરાવી દેતી હતી. વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં પોલીસની ચોકકસ ગ્રુપ ઉપર આવી તવાઇ આવી હતી. જયારે વગદાર લોકો પાસે ન ફરકયા હોવાની ફરિયાદો હતી. પણ ઘંટડી બાંધવા કોણ જાય.
આવી વ્યાપક ફરિયાદો માત્ર રાજકોટમાં જ નહિ સમગ્ર ગુજરાતમાં હતી. આથી જ ગૃહ રાજયમંત્રી અને કાયદા મંત્રી હર્ષ સંઘવીએ ગઇ કાલે જાહેરાત કરી કે રાત્રીના ૧ર વાગ્યા બાદ સાઉન્ડ વગર ગરબી રમતા લોકોને રમવાની છુટ આપવી.પોલીસ તેને બંધ ન કરાવે.
આ નિર્ણયને ચોમેર આવકાર મળ્યો. છુટપુટ વિરોધ થાય એ અપેક્ષીત હોય છે. કારણ કે ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ બન્યો છે. ગુજરાતમાં ગીત,સંગીત,સામુહિક ઉજવણી અને કલા અભિવ્યકિતનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી બની ગયો છે. ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની કલ્ચર અને ગુજરાતના ગરબાને વૈશ્વીક સ્તરે પ્રોજેકટ કરી રહયા છે.
વિશ્વમા બ્રાઝિલનો મહોત્સવ હોય કે ટોમેટીનો હોય. લોકઉત્સવમા તંત્ર વ્યવસ્થામાં હોય છે. ઉત્સવમા લોકોની સવલતો વધે એ માટે તમામ પ્રકારની મદદ કરતાં હોય છે. એ તહેવાર માત્ર લોકોનો નથી હોતો. સરકાર અને તંત્ર પણ તેને મદદરૂપ થતાં હોય છે. પરંતુ આપણે ત્યાં તંત્ર અને અધિકારીઓની અતિ સક્રિયતાને કારણે આવા ઉત્સવોના આયોજકો વગેરેને તંત્ર પાસે આજીજી અને લાચારી કરવી પડતી હોય છે. કોઇ પણ ઉત્સવનું આયોજન આયોજક માટે સ્ટ્રેસફુલ બની જાય છે. એકલ દોકલ અધિકારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીના નામે રંગમાં ભંગ પાડી શકે છે.
હર્ષ સંઘવીના નિર્ણયને ચોમેરથી આવકાર મળ્યો છે ત્યારે છુટ્ટા છવાયા સૂરોમાં તેનો વિરોધ પણ થયો છે. હિન્દુ ધર્મના તહેવારો કે ઉત્સવોમાં આમ પણ આવુ થતું રહે છે. પરંતુ યુવાનોને ઉત્સવપ્રેમીઓને આ નિર્ણયથી ચોકકસ આનંદ થયો છે. સમાજમાં હંમેશા વડિલોની ચિંતા અને યુવાનોનો ઉત્સાહનું સહઅસ્તિત્વ રહયુ છે. પરંતુ બન્નેનું બેલેન્સ કરી તહેવારોની ઉજવણી થવી જોઇએ.
તહેવારો જીવનના બ્લેક એન્ડ વ્હાઇટ દિવસોને કલરફુલ બનાવે છે.