જો પ્રજ્ઞા ચક્ષુ બહેનો મતદાન માટે આગળ આવે છે તો દરેકે મતદાન કરવું આવશ્યક છે તેવો સામૂહિક મત
અંધ મહિલાઓને ઉમેદવારોનું પત્રક બ્રેઇલ લિપિમાં આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ વાંચીને સ્વયં મતદાન કર્યું
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ના ત્રીજા તબક્કામાં મતદાનના દિવસને એટલેકે લોકશાહીના સોનેરી અવસરને દરેકે મતદાન કરીને વધાવ્યો.કયાં કેટલા ટકા મતદાન અને પોતાના મત આપવાની ફરજમાં ઉદાસીન મતદારો અંગે પણ ચર્ચા ચાલી છે ત્યારે 70-રાજકોટ દક્ષિણ બેઠકના બૂથ નંબર 139 “મા શારદા વિદ્યાલય” ખાતે 16 પ્રજ્ઞાચક્ષુ બહેનોએ મતદાન કરી દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી. દરેકનો એક જ સૂર હતો કે આંખો નથી તો શું થયું, અમારા ઇરાદાઓ અડીખમ અને મક્કમ છે. પ્રતિ વર્ષ અમે મતદાન કરીને દેશની લોકશાહીને નજર ન લાગે તે માટે હાથની આંગળી પર કાજળનું ટપકું કરીએ છીએ.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વ હેઠળ 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ચાંદની પરમાર અને સમાજ સુરક્ષા અધિકારી એમ. એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર અરૂણ દવેના સહયોગથી અંધ મહિલા વિકાસ ગૃહના 16 અંધ મહિલાઓને મતદાન કરાવીને લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈને લોકસાહીના અવસરની ઉજવણી કરી હતી. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓની મદદથી સક્ષમ એપ પર 16 પ્રજ્ઞાચક્ષુ બહેનો વતી લૉગ ઇન કરીને ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું શબ્દશ: પાલન કરીને તેમને સન્માનપૂર્વક લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ બાબત અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈન્ચાર્જ કલ્યાણીબેન જોષીએ કહ્યું હતું કે, દિવ્યાંગો પણ મત આપવાની તક ચૂકી ન જાય , તે માટે જિલ્લા વહીવટી તંત્રની જહેમત પ્રશંસનીય છે. દિવ્યાંગો પણ ધન્યવાદને પત્ર છે જેમણે મત આપી લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મતદાન કરવું એ દરેકનો અધિકાર છે. અંધ લોકો માટે બ્રેઈલ-લિપિનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવે છે. મતદાન પહેલા તમામ અંધ મહિલાઓને ઉમેદવારોનું પત્રક બ્રેઇલ લિપિમાં આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ વાંચીને સ્વયં મતદાન કર્યું હતું