- ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
- શ્રીલંકાને હરાવીને ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું
- ભારત વર્લ્ડકપના પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું
ભારતીય ટીમ શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ રીતે ભારતીય ટીમ સેમીફાઈનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે સતત સાતમી જીત નોંધાવી હતી. હવે ભારતના 7 મેચમાં 14 પોઈન્ટ સાથે વર્લ્ડકપ પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.
આ વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન
ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું. ભારતીય ટીમે તેની ત્રીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને સતત ચોથી જીત નોંધાવી હતી. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને જીતની સિક્સર ફટકારી હતી. આજે ભારત શ્રીલંકાને 302 રનથી હરાવીને સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું
ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આખી ટીમ 19.4 ઓવરમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાના ત્રણ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. જ્યારે આ ટીમના 5 બેટ્સમેન એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકા માટે કસુન રાજિતાએ 17 બોલમાં સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. આ સિવાય પથુમ નિશંકા, દિમુથ કરુણારત્ને, સાદિરા સમરવિક્રમા, દુષણ હેમંથા અને દુષ્મંથા ચમીરા શૂન્ય પર આઉટ થયા હતા.
ભારતીય બોલરોએ તબાહી મચાવી
ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી છે.
ભારતની આગામી મેચ
જો કે હવે ભારતીય ટીમની 2 લીગ મેચ બાકી છે. 5 નવેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે.
નોકઆઉટ મેચોનું શેડ્યુલ શું છે?
તે જ સમયે, આ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે ખાતે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ પછી 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.