રસાગરમાં પોઢેલા શ્રીહરિ નિદ્રા ત્યાગી ઊઠી જતા હોવાથી કારતક સુદ અગિયારસને દેવઊઠી કે દેવપ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. બલિના દરબારમાં ગયેલા ભગવાન પુનઃસ્થાને પધારે છે. ચાર માસ દરમિયાન ભક્તોએ તપ કરી ભગવાનનો વિયોગ વેઠ્યો, તેથી પ્રભુ અંતરમાં જાગૃત થયા. આમ, દેવપ્રબોધિની એકાદશી સાર્થક થઇ. દેવના ઉત્થાનના પ્રસંગે ભક્તો દીપમાલા કરીને ફટાકડા ફોડી શ્રીહરિનું પૂજન-અર્ચન કરે છે. પ્રભુ ચાતુર્માસ દરમિયાન બલિરાજા પાસે રહે છે ત્યારે તેમની વિશેષ પ્રસન્નતા માટે ભાવિકો વિશેષ નિયમ ધારણ કરે છે. આ ચાર મહિનાનું પર્વ આત્મામાં પરમાત્માને પ્રગટ કરવાનું પર્વ છે. ચાર મહિના પરમાત્માની સ્મૃતિ સહિત વ્રત-નિયત દૃઢતાપૂર્વક પાળે તો અંતરમાં દેવ પ્રબોધ થાય. ભગવાનનો સાક્ષાત્કાર થાય.
પુરાણોમાં એકાદશીનું અપરંપાર માહાત્મ્ય છે. પદ્મપુરાણ કહે છે કે એકાદશીનું નામ શ્રવણ માત્ર થાય તો યમદૂત ભય પામી જાય છે. બધાં જ વ્રત કરતાં દેવપોઢી એકાદશીની રાત્રિએ જાગરણ થાય અને એ દિવસે જો તુલસીદલથી શ્રીહરિનું પૂજન કરવામાં આવે તો કરોડ યજ્ઞનું ફળ મળે છે અને ગરુડપુરાણ કહે છે કે, ત્રાજવાના એક પલ્લામાં સમગ્ર પૃથ્વીનું દાન રાખવામાં આવે અને બીજા પલ્લામાં એકાદશીનું વ્રત, તો વ્રત પૃથ્વીદાન કરતાં પણ શ્રેષ્ઠ ઠરે છે. એક હજાર અશ્વમેધ અને સો રાજસૂય યજ્ઞનું ફળ તે આપે છે.
દેવઊઠી એકદાશીએ તુલસી વિષ્ણુપ્રિયા કે વિષ્ણુપત્ની બનેલાં, તેથી પરંપરાગત આ દિવસે વૈષ્ણવો તુલસીવિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવે છે. પવિત્ર તુલસીપત્રમાં સર્વે નદીઓ, તીર્થો અને દેવતાઓ નિવાસ કરે છે. ચરક સંહિતામાં તુલસીને અનેક પ્રકારના હઠીલા રોગ હરનારી કહી છે. તુલસીને શાસ્ત્રોમાં હરિપ્રિયા, શ્યામ, રુક્મિણી વિષ્ણુવલ્લભા, લક્ષ્મી, વૃંદા, સરલા, ગૌરી જેવાં નામોથી વર્ણવી છે. પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્ત જેવાં પુરાણોમાં તુલસીના જન્મ- જન્માંતરની વિવાહ કથાઓ મળે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કથા છે કે તુલસી નામની એક ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ તેને કૃષ્ણની સાથે વિહાર કરતાં જોઇને શાપ આપ્યો કે, તું મનુષ્ય શરીર ધારણ કર. આ ઉપરથી તે ધર્મધ્વજ રાજાની કુંવરી થઇ. તેના રૂપની તુલના કોઇની સાથે થઇ શકતી નહોતી. એટલે તેનું નામ તુલસી પાડ્યું.
તુલસીએ બદરીવનમાં જઇ ઘોર તપ કર્યું અને બ્રહ્મા પાસેથી એવું વરદાન માગ્યું કે, `હું કૃષ્ણને પતિ રૂપે મેળવવા ચાહું છું.’ પ્રથમ તો બ્રહ્માએ રાધાના શાપ અનુસાર તેને દંભાસુરના પુત્ર શંખચૂડ નામના રાક્ષસ સાથે પરણાવી. શંખચૂડને વરદાન હતું કે તેની સ્ત્રીનું સતીત્વ ભંગ થયા વિના તેનું મૃત્યુ થાય નહીં. શંખચૂડે બધા દેવોને પરાસ્ત કર્યા ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમણે શંખચૂડનું રૂપ ધારણ કરી તુલસીનું સતીત્વ નષ્ટ કર્યું. આથી તુલસીએ નારાયણને શાપ આપ્યો કે હે પ્રભુ! તમારું હૃદય દયાહીન છે. પાષાણ જેવું છે, કેમ કે તમે કપટથી મારું સતીત્વ નષ્ટ કર્યું છે, તેથી હવે તમે પૃથ્વી પર પાષાણ રૂપમાં રહો!
પ્રભુએ શાપ સ્વીકારી લીધો, પરંતુ તુલસીને પણ વનસ્પતિ થવાની આશિષ આપતાં કહ્યું, તું આ શરીર છોડીને લક્ષ્મી સમાન મારી પ્રિયા થઇશ. તારા શરીરમાંથી ગંડકી નદી અને કેશમાંથી તુલસી વૃક્ષ ઉત્પન્ન થશે. તે પછી પથ્થર રૂપધારી શાલિગ્રામ ઠાકોરજીની પૂજા શરૂ થઇ અને ગંડકીના કિનારે તુલસીનાં વન ઊગ્યાં.’ તુલસીદલ પ્રભુના મસ્તકે ચઢવા લાગ્યાં. એ બંનેનો વિધિપૂર્વકનો વિવાહ એ જ તુલસીવિવાહ.’ તુલસીવિવાહનો ઉત્સવ વૈષ્ણવ મંદિરોમાં કે સોસાયટીઓમાં વિશાળ નર-નારીઓની હાજરીમાં યજમાનના ઘરે લગ્નની તમામ વિધિઓ કરીને ઊજવાય છે. શ્રીહરિનાં લગ્નની કંકોતરીઓ લખાય છે. રોશનીની હારમાળાની વચ્ચે શાહી લગ્નમંડપ રચાય છે. ભવ્ય આતશબાજી સાથે શ્રીહરિનો વાજતે-ગાજતે વરઘોડો નીકળે છે. લગ્નમંડપે પોખણાં થાય છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસીજીને માંયરામાં પધરાવાય છે ત્યારે વરપક્ષે અને કન્યાપક્ષે ફટાણાંની આપ-લે સાથે લગ્નગીતો ગવાય છે. અગ્નિદેવની સાક્ષીએ વિષ્ણુ-તુલસીના મંગળફેરા થાય છે. મંગલાષ્ટક ગવાય છે. કન્યાદાનની સાથે સાથે જાનૈયાઓને ભાવતાં ભોજન પીરસાય છે. ત્યાર બાદ જાન વિદાય થાય છે. ઠાકોરજી અને તુલસીજીને મંદિરમાં પધરાવાય છે. આમ, તુલસીવિવાહ નિર્વિઘ્ને સંપન્ન થાય છે.