ભારતીય સિનેમાના ઇતિહાસમાં શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોની વાત કરીએ ત્યારે 1979માં બનેલી ઋષિકેશ મુખરજીએ દિગ્દર્શન કરેલ ફિલ્મ ‘ગોલમાલ’ અચૂક યાદ કરવી પડે. ઉત્પલ દત્ત,અમોલ પાલેકર,બિંદીયા ગૌસ્વામી ઉપરાંત ડેવિડ,દેવેન વર્મા,શુભ ખોટે અને ઓમ પ્રકાશ વિગેરે કલાકારોની માર્વેલસ અદાકારી અને કોમિક સેન્સના કારણે આ ફિલ્મ હિન્દી સિનેમાની 100 MUST WATCH ફિલ્મોની યાદીમાં અને શ્રેષ્ઠ હિન્દી કોમેડી ફિલ્મોની યાદીમાં સ્થાન પામેલ છે.
એકાઉન્ટના વિષય સાથે સ્નાતક થયેલ રામપ્રસાદ શર્મા (અમોલ પાલેકર) નોકરીની શોધમાં હોય છે ત્યારે એક વડીલ (ડેવિડ) તેને પોતાના એક મિત્ર ભવાનીપ્રસાદ(ઉત્પલ દત્ત)ની કંપનીમાં નોકરી માટે મોકલે છે અને તાકીદ કરેછે કે તેના મિત્ર આજકાલની આધુનિક ફેશનના બહુ જ વિરોધી છે અને તેઓ સાદગીના આગ્રહી છે, એટલું જ નહિ પણ ‘મૂછો’ના પણ સખત આગ્રહી છે અને મૂછ વગરના માણસોને તેઓ આવારા સમજે છે.
આથી રામપ્રસાદ બનાવટી મૂછો સાથે,ટ્રેન્ડી કપડાની જગ્યાએ ધોતી કુર્તા જેવા એકદમ સીધાસાદા પહેરવેશમાં નોકરીએ લાગી જાય છે. અને શેઠનું દિલ જીતી લે છે. એક પ્રસંગે શેઠ તેને ઓરીજીનલ ટ્રેન્ડી લૂકમાં અને તે પણ સ્ટેડીયમમાં મેચ જોતા જોઈ જાય છે. ત્યાર બાદ, ફિલ્મમાં બનાવટી જોડિયા ભાઈ લક્ષ્મણપ્રસાદની એન્ટ્રી થાય છે. મજા તો ત્યારે આવે છે જયારે હકીકતમાં તો બંને એક જ વ્યક્તિ હોવા છતાં શેઠની પુત્રી ઉર્મિલા (બિંદીયા ગોસ્વામી) લક્ષ્મણને પ્રેમ કરવાં લાગે છે અને રામપ્રસાદની સામે તેને એકદમ ચીડ હોય છે. જયારે ભવાનીપ્રસાદ પોતાની પુત્રીના લગ્ન રામપ્રસાદ સાથે કરવાં માંગે છે,આથી તે રામપ્રસાદના ઘેર પણ જાય છે. ત્યાર બાદ રમુજી પ્રસંગોની હારમાળા સર્જાય છે.
ફક્ત મૂછો અને પહેરવેશ-બે જ વસ્તુઓના તફાવતમાં બે તદન અલગ વ્યક્તિત્વ ઉભા કરવામાં અમોલ પાલેકરની એક્ટિંગ અને સ્ટાઈલ દાદ માંગી લે તેવાં છે. અમોલ પાલેકર તે સમયમાં કોમનમેનના હીરો તરીકે જાણીતા હતાં. સામાન્ય માણસોને તેનામાં પોતાનો ચહેરો નજર આવતો હતો. ઉત્પલ દત્ત સાહેબે પણ લાજવાબ એક્ટિંગ દવારા દર્શકોના દિલ જીતી લીધા હતાં.ડૉ. રહી માસૂમ રઝાએ લખેલ ચોટદાર સંવાદો ફિલ્મનું બહુ મોટું જમા પાસું છે.તેમાં પણ ઉત્પલ દત્તે જોરદાર ડાયલોગ ડીલીવરી અને એક્ષ્પ્રેશન્સ દ્વારા તેમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં. ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી અને થિયેટરોમાં સિલ્વર જ્યુબિલી ઉજવી હતી.ફિલ્મમાં આર ડી બર્મનનું મ્યુઝીક અને કિશોરકુમાર,લતા મંગેશકર અને આર ડી બર્મને ગયેલા ગીતો પણ ખુબ જ લોકપ્રિય થયા હતાં.જે આજે પણ સાંભળવા ગમે છે. એમાં પણ ’આને વાલા પલ જાને વાલા હૈ,હો શકે તો ઇસમેં જિંદગી બીતાદો’ ગીત કિશોરકુમારના શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામેલ છે. સાઉથમાં ફિલ્મની ચાર વખત રીમેક બની. બોલીવુડમાં ડેવિડ ધવને આ ફિલ્મની થીમ ઉપરથી કૂલી નંબર 1 બનાવી. જયારે રોહિત શેટ્ટીએ આ ફિલ્મને શ્રધ્ધાંજલિ આપવા આ જ નામથી બે ફિલ્મો બનાવી.જેણે 100 કરોડથી પણ વધુ બોક્ષ ઓફિસ કલેક્શન મેળવ્યું.ત્યાર બાદ આ જ ફિલ્મ પરથી પ્રેરણા લઈને ‘બોલ બચ્ચન’ પણ બનાવ્યું. ‘બોલ બચ્ચન’ એ 1979ની ફિલ્મ ગોલમાલની ‘સ્માર્ટ ઇન્સ્પીરેશન’નું ઉત્તમ ઉદાહરણ છે. રસપ્રદ વાત તો એ છે કે ગોલમાલ અને બોલ બચ્ચન-બંને ફિલ્મોમાં અમિતાભ બચ્ચને કેમિયો કરેલ છે.
ઋષિકેશ મુખરજીએ આ ફિલ્મની હિરોઈન તરીકે શરૂઆતમાં રેખાનું નામ વિચાર્યું હતું પણ ફિલ્મમાં હીરોઈનનું પાત્ર એટલું મહત્વનું નહિ હોવાથી રેખાને થોડો અન્યાય થશે એવું લાગતા પછી છેવટે બિંદીયા ગોસ્વામીને લેવાનું નક્કી કર્યું હતું.એટલું જ નહિ, આ ફિલ્મ પછી થોડા સમયમાં ‘ખૂબસૂરત’ ફિલ્મ બનાવી,તેમાં રેખાને હિરોઈન બનાવીને તેની સમગ્ર કારકિર્દીના સીમાચિન્હરૂપ રોલ આપ્યો.
આ ફિલ્મ સાથે અન્ય એક રસપ્રદ વાત પણ સંકળાયેલ છે.ભારતીય સિનેમાના ઇતિહાસમાં સાવ અનોખો કહી શકાય એવો આ કિસ્સો છે. ઋષિકેશ મુખરજીએ એક જ સમયે એક જ સળંગ સીનમાં પોતાની બે અલગ અલગ ફિલ્મોનું શૂટિંગ કરી લીધું હતું.જેમાં તેમની અન્ય એક ફિલ્મ ‘જુર્માના’ના શરૂઆતના દ્રશ્યોનું શૂટિંગ ચાલી રહ્યું હોય છે, ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક અમીર કાસાનોવા ટાઈપના યુવાનના રોલમાં હોય છે અને એક રેસ્ટોરન્ટમાં એક યુવતી સાથે ફલર્ટીંગ કરી રહ્યો હોય છે, આ સમયે આ યુવતીની સાથે આવેલ પુરુષ ગુસ્સે થઈને અમિતાભને એક મુક્કો મારી દે છે,- આ શોટ પતાવીને અમિતાભ બહાર આવે છે,બરાબર ત્યારે જ ‘ગોલમાલ’ ફિલ્મના એક દ્રશ્યમાં દેવેન વર્મા, જે આ ફિલ્મમાં દેવેન વર્મા જ હોય છે, તે અમોલ પાલેકર સાથે સ્ટુડીયોમાં આવે છે અને ત્યાં તેની મુલાકાત અમિતાભ બચ્ચન સાથે થાય છે.દેવેન વર્મા અમિતાભને પૂછે છે,”હાય હીરો,કિસકી નોકરી કર રહે હો?’ અમિતાભ જવાબ આપે છે,”હા યાર, જુર્માના”, આમ થોડી વાર વાત થયા પછી અમિતાભ તેને મળવા આવેલી સ્કુલની છોકરીઓને ઓટોગ્રાફ આપવા ચાલી જાય છે.- આમ,એકી સાથે બે ફિલ્મોને એક જ સીનમાં સંયોજન કરીને ઋષિકેશ મુખરજીએ પોતાની આગવી કલ્પનાશક્તિ અને જીનીયસનેસનો પરિચય કરાવ્યો હતો.
આ ફિલ્મ બોક્ષઓફિસ પર તો હીટ રહી જ,પણ સાથોસાથ અમોલ પાલેકરને સ્ટાર સ્ટેટસ અપાવ્યું. ઉપરાંત ઋષિકેશ મુખરજીની સૌથી વધુ સફળ અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની રહી.1980ના વર્ષે ફિલ્મફેર એવોર્ડમાં પણ આ ફિલ્મ છવાયેલી રહી હતી. બેસ્ટ એક્ટરની કેટેગરીમાં અમિતાભ બચ્ચન (કાલા પથ્થર અને મિસ્ટર નટવરલાલ),રાજેશ ખન્ના (અમરદીપ) અને રિશી કપૂર (સરગમ) જેવી તગડી કોમ્પીટીશન હોવા છતાં આ એવોર્ડ ‘ગોલમાલ’ માટે અમોલ પાલેકરને મળ્યો .ઉપરાંત, ગેસ્ટ કોમેડિયન (ઉત્પલ દત્ત) અને ‘આનેવાલા પલ જાનેવાલા હૈ’ ગીત માટે ગુલઝારને સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર મળ્યો.અન્ય પાંચ કેટેગરીમાં નોમીનેશન પણ મળ્યા હતાં.
ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે અમિતાભ બચ્ચન,રેખા, હેમા માલિની,ઝીન્નત અમાન,લતા મંગેશકર, અરુણા ઈરાની તથા ઓમ પ્રકાશજીને ક્રેડીટ આપવામાં આવી છે.
tusharraja1964@gmail.com