24 લાખનું પેમેન્ટ થયું : ૫૮ હજાર વધુ લોકોએ લાભ લીધો
પરીક્રમા દરમિયાન ૫૦ એકસ્ટ્રા બસ દોડાવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે તે માટે આધુનિક બસ સ્ટેશનો અને ખખડધજ બસની જગ્યાએ નવી બસો મુકી અને મુસાફરી ઝડપી અને સરળ બનાવી છે. અત્યાર સુધી મુસાફરોને બસમાં ટીકીટ આપવામાં આવતી હતી. જેમાં નિગમ દ્વારા તાજેતરમાં જ ડીજીટલ પેમેન્ટની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવતા તેનો વિશાળ સંખ્યામાં મુસાફરો લાભ લઇ રહ્યા છે. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટ એસ.ટી.ડિવિઝનમાં અંદાજે ૫૮ હજારથી વધુ મુસાફરોએ ડિજીટલ પેમેન્ટનો લાભ લઇ અને ઓનલાઇન બુકીંગ કરતા એસ.ટી.નું પેમેન્ટ પણ દોડવા લાગ્યું છે.
એસ.ટી.નિગમ દ્વારા આજથી બે દાયકા પહેલા બસમાં મુસાફરી કરનાર મુસાફરોને ટીકીટ કાગળની આપવામાં આવતી હતી. જેના કારણે કંડકટરો અને મુસાફરોને પણ મુશ્કેલીઓને સામનો કરવો પડતો હતો. જેમ જેમ યુગ પલટાતો ગયો તેમ તેમ નિગમ દ્વારા પણ મુસાફરો માટે સુવિધાઓ વધારવામાં આવી. જેમાં તાજેતરમાં જ રાજયના એસ.ટી.નિગમ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવા માટે UPI સીસ્ટમ દાખલ કરવામાં આવતા તેનો વિશાળ સંખ્યામાં મુસાફરો લાભ લઇ રહ્યા છે.
રાજકોટ એસ.ટી.ડિવિઝનના ડીટીઓના જણાવ્યા પ્રમાણે દિવાળીના સાત દિવસના તહેવારો દરમિયાન ૫૮ હજારથી વધુ મુસાફરોએ UPIથી ઓનલાઇન પેમેન્ટ કરતા અંદાજે રૂ. ૨૪ લાખનું ડિજીટલ પેમેન્ટ થયું છે. આમ રાજકોટ ડિવિઝનમાં વધુમાં વધુ મુસાફરો ડિજીટલ પેમેન્ટ કરી રહ્યા છે.
જૂનાગઢમાં તા. ૨3મીથી શરૂ થતી ગરવા ગીરનારની લીલી પરીક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જતા હોય છે અને ભાવિકોને વાહન સરળતા રહે તે માટે રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા તા. ૨૨ થી ૨૭મી એમ પાંચ દિવસ સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને જરૂર પડ્યે વધુ પ૦ બસો જૂનાગઢ જવા માટે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવશે. તેમ એસ.ટી.નિગમ સૂત્રોએ જણાવ્યું હતું.