ધનદત્ત શેઠ અને દેવદત્તા શેઠાણી અપાર વૈભવમાં રમી રહ્યા હતા છતાં એમને સુખ ન હતું. સ્વાભાવિક છે માત્ર પૈસો એ જ સુખ છે એેવું નથી હોતું. માણસના સુખની વ્યાખ્યા બદલાયા કરતી હોય છે. જે વસ્તુનો અભાવ હોય એ જ આપણા સુખમાં અવરોધ કરે છે. તેમને નોકર-ચાકરોનો કોઈ સુમાર ન’તો, પણ સંપત્તિ વાપરનાર વારસનો અભાવ હતો.
દેવદત્તા અને ધનદત્ત શેઠ શાંતિથી બેઠાં હોય ત્યારે ગમે ત્યાંથી વાત આવીને આ જ મુદ્દા ઉપર અટકતી. શું આપણા ભાગ્યમાં પુત્રસુખ લખાયું જ નહીં હોય?
જોકે, એક દિવસ રાતે સપનામાં નાગદેવનાં દર્શન થયાં અને એમણે આશિષ આપી કે તમને પુત્ર થશે. સવારે દેવદત્તાએ ધનદત્તને વાત કરી. મને આવો અનુભવ આજે રાતે થયો છે.
સરસ, આપણી મનોકામના સાકાર થશે.
કુદરતી જ એમના ઘરમાં દીકરાનો જન્મ થયો.
દીકરાનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું.
દીકરો પણ રંગે રૂડો અને રૂપે પૂરો હતો, પણ એને એક આદત વિચિત્ર હતી. એને કોઈ પણ સાપ કે નાગ જુએ એટલે એની સાથે રમવાનું મન થઈ જાય. હા, આપણે તો એક નાનું સાપોલિયું પણ જોઈએ તો ગભરાઈ જવાય, એનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય, પણ આ તો નાગનો જ આવેલો હતોને! ઝેરીમાં ઝેરી સાપ હોય તો પણ નાગદત્તની સાથે એને આત્મીયતા લાગે.
જેમ જેમ નાગદત્ત મોટો થતો ગયો એમ એમ એને નાગ સાથેની આત્મીયતા વધતી ગઈ.
એનાં માતા-પિતા નાગ સાથેની રમત છોડવાની વાત કરે, પણ આ એમની કોઈ વાત સાંભળવા જ રાજી ન થાય. પિતાના વ્યવસાય-વ્યાપારનો પણ કોઈ વિચાર કરવાનો નહીં. ક્યાંય પણ કોઈ નાગ દેખાય એટલે એને લઈને કરંડિયામાં મૂકી જ દેવાનો. આમ ને આમ એનું ઘર નાગને રહેવાનું રહેઠાણ બની ગયું છે.
એના મનમાં હવે એવું ઠસી ગયું કે નાગ સાથેની મારી એવી આત્મીયતા છે કે જેના કારણે ગમે તેવા ખૂંખાર સાપને પણ હું જ રમાડી શકું, મારા સિવાય બીજા કોઈનું ગજુ નહીં.
એની વાત ભલે ખોટી હોય કે ન હોય, પણ આવું અભિમાન તો ન જ રખાયને અને અભિમાન તો કોનાં રહ્યાં છે? રાવણ પણ શક્તિશાળી તો કેટલો હતો? પણ એનું પણ અભિમાન ચાલ્યું ક્યાં સુધી? તો પછી નાગદત્ત શું ચીજ ગણાય?
નાગદત્તે એના પૂર્વના ભવમાં દીક્ષા લીધેલી. સરસ ચારિત્રનું પાલન કરતા. એમની સાથે એક બીજા મહાત્મા હતા એ પણ સરસ આરાધના કરતા. એ બેય મહાત્માની જોડી હતી. સાથે જ વિહાર, સાથે જ દર્શન, સાથે જ તપ-પરસ્પરનો સહકાર આરાધના માટેનો અજોડ હતા. આયુષ્ય પૂર્ણ થતાં બેય દેવલોકમાં દેવ તરીકે પણ સાથે જ રહેલા, પણ આમનું આયુષ્ય વહેલું પૂરું થયું અને બીજા હજુ દેવલોકમાં જ હતા.
દેવલોકમાં રહેલા દેવ નાગદત્તની બધી ગતિવિધિઓને જોતા હોય છે. એમના મિત્ર છે એટલે નાગદત્તના હિતની એમને ચિંતા હોય છે. નાગદત્ત નાગની જ માયામાં લપટાયેલો રહેશે, તો એનું ભવિષ્ય બગડી જશે. મિત્રનું ભવિષ્ય બગડે એ કોને ગમે? એના માટે બધું જ કરવાની એમની તૈયારી છે.
પેલો દેવ માનવ સ્વરૂપે આવે છે. નાગદત્ત જંગલમાં સાપ-નાગની સાથે ગમ્મત કરી રહ્યો છે. એની પાસે એ પણ પહોંચી ગયો. એની પાસે પણ કરંડિયામાં સાપ ભરેલા હતા. સરખા વ્યસનવાળામાં દોસ્તી જલદી જામતી હોય છે.
આવનારી વ્યક્તિને તો દોસ્તી જમાવવી જ છે. તમે તો નાગની સાથે સરસ મજા કરો છો. નાગદત્તે અભિમાનસૂચક નજરોથી આગંતુકને નિહાળ્યા. આ પરગણામાં મને નાગના મિત્ર તરીકે બધા ઓળખે છે. એટલું જ નહીં કોઈ પણ જાતના નાગ મારી પાસે આવે એ પછી `ડાયા’ બની જતા હોય છે.
શું વાત છે! તમારી વાત થોડી વધારે પડતી લાગે છે. એમ તો મારા માટે પણ આવી જ વાતો થાય છે અને લોકોની વાતમાં સત્યાંશ કેટલો સમજવાનો?
તમારી વાત પણ ઠીક છે, પણ એના માટે તો કસોટી જ કરવી પડે.
એમ! તો આપણે નક્કી કરો મારા સાપને તમે રમાડો. એ કંઈ કરે છે કે કેમ? જો ન કરે તો તમારા સાપને મારે રમાડવાનો. આપણે જોઈએ કોઈ જીતે છે?
પહેલો વારો આગંતુક કહે છે મારો રાખો. વાંધો નહીં, પણ આ બધા નાગ ઝેરી છે. જો એક વાર ડસ્યો તો પછી તમે પાણી પણ માગશો નહીં નાગદત્તે ચેતવણી આપી.
તમે મારી ચિંતા કરશો નહીં.
નાગદત્તે પોતાના કરંડિયા આગંતુકની સામે ધરી દીધા. એણે પોતાની વાંસળી સાબદી કરી. કરંડિયા ખોલ્યા. નાગ ગૂંચડું વળીને પડેલા હતા. વાંસળીના સૂર સાંભળીને નાગ ડોલવા લાગ્યો. નાગને જાણે પુરાણી મહોબત હોય એ રીતનો નાગનો અને વાંસળી વગાડનારનો નાતો દેખાવા લાગ્યો.
નાગદત્ત તો આગંતુક અને નાગનો વહેવાર જોઈને આભો જ બની ગયો.
થોડીવાર પછી આગંતુકે વાંસળીના સૂર રેલાવવાનું સ્થગિત કર્યું. હવે નાગદત્તનો વારો હતો. આગંતુક પાસે ચાર કરંડિયા હતા એમાં ત્રણ નાગ અને એક નાગણ હતી. ચારે મોટી વિશાળ કાયા ધરાવતાં હતાં. નાગણની કુટિલ કાયા સ્પષ્ટ દેખાતી હતી. ચારેયની આંખમાંથી આગ વરસતી હતી. એણે પોતાના ચારેય કરંડિયા નાગદત્ત તરફ સરકાવી દીધા. જો ધ્યાન રાખજો આ ચારેય સાપ મહાભયંકર છે. એક વાર ડસ્યા તો પછી જીવથી હાથ ધોઈ નાંખવા પડશે.
ચિંતા ના કરો, એક પણ નાગ મારા ધ્યાન બહારનો નથી. બધાને કેવી રીતે સંભાળવા એ મને ખબર છે.
એણે પણ પોતાની વાંસળી સાબદી કરી. કરંડિયો ખોલ્યો. વાંસળીના સૂર રેલાવવાના શરૂ કર્યા. નાગના કાનમાં જેવો વાંસળીનો સૂર ગયો કે તરત જ એણે તો ફૂંફાડા મારવાના ચાલુ કરી દીધા. એને સંભાળવા નાગદત્ત મહેનત કરે છે, પણ એ નાગને સંભાળી ન શક્યો. નાગે નાગદત્તને ડંસ માર્યો. જેવો ડંખ માર્યો એવો તરત જ નાગદત્ત બેહોશ થઈને પડ્યો છે.
થોડીવારમાં નાગદત્તનાં માતા-પિતા વગેરે નગરજનો ભેગાં થઈ ગયાં. શું થયું. બધાના મનમાં જિજ્ઞાસા ઊભી થઈ છે.
આગંતુકે કહ્યું, ભાઈ મેં ના કહેલી. આ નાગ સામાન્ય નાગ નથી, અત્યાર સુધી જોયેલો અને આમાં ઘણો તફાવત છે, પણ એ માન્યો નહીં. એની સાથે રમત કરવા ગયો એમાં આ નાગે ડંખ માર્યો હવે વાત પતી ગઈ.
એનાં માતા-પિતા કરગરવા લાગ્યાં. આવું ન હોય. તમે જે કહો તે કરવા અમે તૈયાર છીએ, પણ ગમે એમ કરીને આનું ઝેર ઉતારો. એને જાગૃત કરો.
પેલો કહે છે હવે મારા વશની વાત નથી. હું શું કરી શકું?
માતા-પિતાનો એકનો એક દીકરો આમ મરણને શરણ થાય એ તો એમને કેવી રીતે ગમે? એમણે વિનંતીના સૂરમાં કહ્યું, ગમે તે ભોગે પણ નાગદત્તને ઉગારી લ્યો.
હવે હું શું કરી શકું? છતાં એક પ્રયત્ન કરવો હોય તો કરી શકાય. શું પ્રયત્ન, કેવો પ્રયત્ન કરવાનો? તમે જણાવો. અમારાથી બનતા તમામ પ્રયત્ન કરવાની અમારી તૈયારી છે.
તો સાંભળો ક્યારેય કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની. અસત્ય ક્યારેય બોલવાનું નહીં. કોઈના આવ્યા વગર કોઈ પણ ચીજ લેવાની નહીં. બ્રહ્મચર્યનું સર્વથા પાલન કરવાનું. પરિગ્રહ કોઈ ચીજનો રાખવાનો નહીં, આવી એની ઈચ્છા થાય તો તમારે એને રોકવાનો પ્રયત્ન કરવાનો નહીં.
માતા-પિતાએ એની વાતનો સ્વીકાર કર્યો.
આગંતુક તો દેવ હતો. આ બધી તો એની જ માયા હતી. એણે નાગદત્તાના ઝેરને દૂર કરી દીધું. નાગદત્ત આળસ મરડીને ઊભો થયો. શું થયું આ બધું? એનાં માતા-પિતાએ આખી ઘટના બતાવી.
આગંતુક દેવે હવે પોતાની વાત કરી. ભાગ્યશાળી છેલ્લા ત્રણ ભવથી આપણો સંબંધ છે. આનાથી ત્રીજા ભવમાં આપણે કેવું સરસ મજાનું ચારિત્ર પાલન કરેલું! જેના કારણે આપણે દેવલોકમાં ઉત્પન્ન થયેલા. ત્યાં પણ આપણે અપાર રિદ્ધિ સિદ્ધિ વચ્ચે પણ શાશ્વત પ્રતિમાજીઓનાં દર્શન કરવાની સાથે ઘણાં સારાં કાર્યો કરેલાં. અત્યારે તને મનુષ્ય જન્મ મળ્યો છે, તો એને આમ નાગ સાથે રમીને નિરર્થક ગુમાવી દેવાનો?
નાગદત્તને પણ પોતાનો પૂર્વ ભવ યાદ આવે છે.
દેવે જે પ્રમાણે વાત કરી એ જ એને યાદ આવે છે.
એ જ સમયે એ કહી રહ્યો છે, હવે મારે સંસારમાં વધારે ભટકવાની ઈચ્છા નથી. સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. એ જ સમયે એ સંયમ જીવનનો સ્વીકાર કરે છે. દેવતાઓ મુનિવેશ અર્પણ કરે. સાધુ જીવનમાં વિચરતાં વિચરતાં અને આત્માઓનું કલ્યાણ કરીને એમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષમાં જાય છે.
આપણે પણ સંસારની માયામાં લપટાઈને કશું મેળવવાનું નથી. સંસારની માયાનાં બંધન ફગાવી શકાય તો મોક્ષના મહાસુખને પામી શકાય. આટલી વાત જો આપણા મગજમાં આવી જાય તો આપણું ભવિષ્ય ઉજ્જ્વળ બની શકે.