લી વિલિયમ્સ.
આમ તો અમેરિકાના એક નાનકડા ટેમ્પલ ટાઉનમાં રહેતી હતી. તેને એક દીકરી પણ હતી. તેનો પતિ અલગ થઈ ગયો હોવાથી એક અન્ય શહેરમાં રહેતો હતો. જૂલી મળતાવડા સ્વભાવની અને માયાળુ હતી. તે અજાત શત્રુ હતી. તે એક સ્થાનિક કંપનીમાં જોબ કરતી હતી.
એક દિવસ રોજની જેમ સવારે 10-30 વાગે તે એની ઑફિસમાં ગઈ. હજુ બીજાં કર્મચારીઓ આવી જ રહ્યા હતા. જૂલીને આજે તરસ લાગી હતી. તે કામ પર બેસે તે પહેલાં પાણી પીવા માટે સ્ટાફ માટે મૂકેલી પાણીની મોટી બોટલ પાસે ગઈ. એણે ડિસ્પોઝેબલ કપમાં પાણી ભર્યું. પાણી પી ગઈ અને થોડી જ ક્ષણોમાં તે ઢળી પડી. ઑફિસનો સ્ટાફ દોડી આવ્યો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે જૂલીને મૃત જાહેર કરી.
પોલીસને બોલાવવામાં આવી. પોલીસે પીવાના પાણીના બાટલામાંથી થોડું પાણી કાઢી સૂંઘી જોયું. તેમાંથી એક પ્રકારની વાસ આવતી હતી. જૂલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પીવાના પાણી ને તથા જૂલીએ જે પેપર કપમાં પાણી પીધું હતું તે કપને ફોરેન્સિક લેબ.માં મોકલી આપવામાં આવ્યા. રિપોર્ટમાં જણાયું કે, જૂલીનું મોત સાઇનાઇડ નામના ખતરનાક ઝેરથી થયું છે. પોટેશિયમ સાઇનાઇડ વિશ્વનું સૌથી વધુ જલદ ઝેર માનવામાં આવે છે, જે કોઈએ પહેલેથી જ પાણીના મોટા બાટલામાં ભેળવી દીધું હતું.
કોઈ જૂલીને શા માટે મારે ? પોલીસે સહકર્મચારીઓની તપાસ શરૂ કરી.ઓફિસમાં સીસીટીવી કેમેરા નહોતા તેથી પહેલાં કોણ આવ્યું અને ઝેર કોણે ભેળવ્યું તે નક્કી કરી શકાય તેમ નહોતું. હા, ઑફિસમાં પ્રવેશવા માટે એક મેગ્નેટિક કી-ગાર્ડ હતું. દરેક કર્મચારીએ પોતાના કાર્ડને અંદર સ્વાઇપ કર્યા બાદ જ પ્રવેશ મળે તેવી વ્યવસ્થા હતી. અલબત્ત એનો રિપોર્ટ આવતાં દિવસો લાગે તેમ હતા.
પોલીસે સહકર્મચારીઓની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ દરમિયાન લીન્ડા નામના એક યુવતીએ ચોંકાવનારી વાત કરી. લીન્ડાએ રડતાં રડતાં પોલીસને કહ્યું : ‘પાણીમાં ઝેર ખરેખર તો મને મારી નાખવા માટે ભેળવવામાં આવ્યું હતું.’
પોલીસ ચોંકી ગઈ. પોલીસે વધુ પૂછપરછ કરી તો લીન્ડાએ કહ્યું : ‘હું પરિણીત છું. મારા પતિનું નામ લૂઈસ છે. મારા પતિએ તેમની એક જૂની ગર્લ ફ્રેન્ડ ટીનાને મદદ કરી હતી. ટીનાનો જેમ્સ કે જે એક ડ્રાઇવર હતો, તે તેનો બોયફ્રેન્ડ હતો. તે ટીનાને પરેશાન કરતો હતો. જેમ્સ ટીનાને ચાહતો હતો. ટીનાએ જેમ્સથી પીછો છોડાવવા મારા પતિ લૂઇસને વિનંતી કરી હતી. મારા પતિ લૂઈસે જેમ્સને ધમકાવી ટીનાને તેના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. બસ તે દિવસથી ડ્રાઇવર જેમ્સ અમારી પાછળ પડી ગયો હતો. તે મારી પર નજર રાખતો હતો. તેેણે અમને ધમકીભર્યાં સાત પત્રો પણ મોકલ્યા હતા અને એ જેમ્સ ડ્રાઇવરે જ મને મારી નાખવા પાણીની બોટલમાં ઝેર ભેળવ્યું હતું.’
પોલીસે હવે ડ્રાઇવર જેમ્સની તપાસ શરૂ કરી. પોલીસે જેમ્સને પકડયો. જેમ્સ એ કબૂલ કર્યું કે, ‘હા મેં લૂઈસ અને લીન્ડાને ધમકી ભર્યા પત્રો મોકલ્યા હતા. પણ માત્ર ચાર. સાત પત્રો મોકલ્યા નહોતા.’
પોલીસે લીન્ડા અને લૂઈસ પર મોકલવામાં આવેલા સાતેય ધમકીભર્યા પત્રો કબજે કર્યા. આ દરમિયાન લીન્ડાએ વધુ વિસ્તૃત બ્યાન આપતાં જણાવ્યું કે, જે દિવસે જૂલીનું મોત નીપજ્યું તેના બે દિવસ અગાઉ પણ મને મારી નાખવા પ્રયાસ થયો હતો. એ રાત્રે હું કામ પરથી પરવારીને મારા ઘેર ગઈ હતી. મારા પતિ લૂઇસ રાત્રે કાંઈક વાંચતા હતા. મેં મારી પસંદગીનું ડ્રિંક્સ બનાવ્યું. ‘મેં એક સીપ લીધું અને મારું ગળું બળવા લાગ્યું. હું બેભાન થઈ ગઈ. બે દિવસ સુધી હું ઘરમાં જ રહી. એટલે કે જેમ્સે મારા ઘરમાં પ્રવેશી મારી વ્હિસ્કીની બોટલમાં પણ ઝેર ભેળવ્યું હતું. પરંતુ એ દિવસે બચી ગઈ. તેના બે દિવસ પછી એણે મને મારી નાખવા મારી ઑફિસની વૉટર બોટલમાં ઝેર ભેળવી દીધું. મારા બદલે જૂલી એનો ભોગ બની.
પોલીસ માટે આખો કેસ રસપ્રદ બનતો જતો હતો. પોલીસને ડ્રાઇવર જેમ્સ પર શક હતો પણ તેનો દાવો હતો કે એણે માત્ર ચાર જ ધમકીભર્યા પત્રો મોકલ્યા હતા, સાત નહીં. પોલીસે સાતેય પત્રોનો અભ્યાસ શરૂ કર્યો. તેમાંથી ચાર પત્રો હાથે લખેલા હતા. બાકીના ત્રણ પત્રો ટાઇપ કરેલા હતા. જેમ્સની વાતમાં થોડું થોડું તથ્ય તો હતું જ. તો બાકીના ત્રણ પત્રો જે ટાઇપ કરેલા હતા તે કોણે મોેકલ્યા?
કેસ વધુ પેચીદો બનતો જતો હતો.
પોલીસે હવે લીન્ડાના પતિ લૂઇસની જૂની ગર્લ ફ્રેન્ડ ટીનાને બોલાવી. ટીનાની પૂછપરછ શરૂ કરી. ટીનાએ કહ્યું : ‘એક જમાનામાં હું લૂઇસને પ્રેમ કરતી હતી પણ લૂઇસે લીન્ડા સાથે લગ્ન કરી લીધા તે પછી હું ડ્રાઇવર જેમ્સને ચાહવા લાગી હતી. જેમ્સ બહુ આક્રમક હતો. મારી અને જેમ્સ વચ્ચે રોજ ઝઘડા થતા હતા. તે મને મારતો પણ હતો. જેમ્સથી છુટકારો મેળવવા ના છૂટકે મારે મારા પૂર્વ બોયફ્રેન્ડ લૂઇસની મદદ લેવી પડી. લૂઇસના કારણે જ જેમ્સ ડરી ગયો હતો. પણ જેમ્સ એક ખતરનાક માસણ છે. તે કાંઈ પણ કરી શકે છે.’
આ દરમિયાન જૂલી જે ઑફિસમાં કામ કરતી હતી તે ઑફિસમાંં એ દિવસે સૌથી પહેલૂં કોણ પ્રવેશ્યું હતું તે મેગ્નેટિક કી-ગાર્ડનો રિપોર્ટ આવી ગયો. પોલીસ માટે આૃર્યની વાત એ હતી કે, જૂલી મૃત્યુ પામી તે દિવસે સૌથી પહેલી તો લીન્ડાનું કાર્ડ સ્વાઇપ થયું હતું અને આ એ જ લીન્ડા હતા જે એવો દાવો કરતી હતી કે ઑફિસની પાણીની બોટલમાં જે ઝેર ભેળવવામાં આવ્યું હતું તે મારા માટે જ હતું.
પોલીસે ફરી લીન્ડાની પૂછપરછ શરૂ કરી. લીન્ડાએ કહ્યું કે જે દિવસે જૂલી મૃત્યુ પામી તે દિવસે તો હું ઑફિસમાં ગઈ જ નહોતી. કારણ કે આગલી રાત્રે મારા ઘરમાં જ મારી વ્હિસ્કીની અડધી બોટલમાં કોઈકે ઝેર નાખી દીધું હતું. એક ઘૂંટ પીતા જ હું બેભાન થઈ ગઈ હતી અને બે દિવસ સુધી હું ઘરની બહાર નીકળી શકી નહોતી.
લીન્ડાની વાત સાચી નીકળી. જે દિવસે જૂલી મૃત્યુ પામી તે દિવસે લીન્ડા ઑફિસમાં આવી નહોતી. તે વાત તેના સહકર્મચારીઓએ કહી.
તો સવાલ એ હતો કે, લીન્ડાનું કાર્ડ લઈ ઑફિસમાં કોણ પ્રવેશ્યું ? મતલબ સાફ હતો કે લીન્ડાના પર્સમાંથી કોઈ તેનું મેગ્નેટિક કાર્ડ કાઢી તેના કાર્ડ વડે ઑફિસમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટાફ આવે તે પહેલાં સાઇનાઇડ નામનું ઝેર સ્ટાફ માટે રાખેલા પાણીના બાટલામાં ભેળવી દીધું હતું.
પોલીસે પૂછયું : ‘લીન્ડા તારું કાર્ડ ક્યાં હતું ?’
‘પર્સમાં.’
‘પર્સ ક્યાં હતું.?’
‘મારા ઘરમાં.’
‘ઘરમાં કોણ હતું ?’
‘હું અને મારો પતિ લૂઇસ.’
પોલીસને ખ્યાલ આવી ગયો કે ગરબડ લીન્ડાના ઘરમાં જ છે. લીન્ડાનું મેગ્નેટિક કાર્ડ કયાં છે તે એક માત્ર તેનો પતિ લૂઈસ જ જાણતો હતો. પોલીસની શંકાની સોય હવે લૂઇસ તરફ ગઈ. પોલીસે હવે વોરન્ટ મેળવી લૂઇસના ઘર અને તેની ઑફિસમાં દરોડો પાડયો. સર્ચ વોરન્ટના આધારે તલાશી શરૂ કરી. લૂઇસ જે ઑફિસમાં કામ કરતો હતો તે ઑફિસમાં તેના ટેબલની નીચે રાખેલી કચરા પેટીમાંથી ત્રણ હસ્ત લિખિત પત્રો મળી આવ્યા. આ એ જ પત્રોની કાચી નકલ હતી જે જેમ્સના નામે પોતાને ધમકીના નામે મોકલ્યા હતા. ફરક એ હતો કે લૂઈસે એ પત્રો પહેલાં કાગળ પર લખ્યા હતા અને તે પછી તેને ટાઇપ કર્યા હતા. હાથે લખેલા પત્રો કચરા પેટીમાં ફેંકી દીધા હતા અને જેમ્સના નામે ટાઇપ કરી એ પત્રો પોતાના ઘેર જ મોકલી દીધા હતા.
લૂઇસને ખ્યાલ આવી ગયો કે તેની બાજી ઉઘાડી પડી ગઈ છે. ટીનાની ઊલટ તપાસ દરમિયાન માલૂમ પડયું કે લૂઇસ ફરી એકવાર તેની જૂની ગર્લ ફ્રેન્ડ ટીના સાથે રહેવા માગતો હતો પણ તે પહેલાં તેણે તેની અધિકૃત પત્ની લીન્ડાને રસ્તામાંથી હટાવવી જરૂરી હતી. આમ લીન્ડાનો પતિ લૂઇસ જ લીન્ડાને ખત્મ કરવા માગતો હતો. સાઇનાઇડ ઝેર પણ તેણે જ પહેલાં તેના ઘરમાં લીન્ડાની વ્હિસ્કીની બોટલમાં ભેળવી દીધું હતું. તે રાત્રે તો લીન્ડા બચી ગઈ પરંતુ બીજા દિવસે લીન્ડા બીમાર હતી ત્યારે તેના જ પર્સમાંથી કાર્ડ કાઢી લૂઈસ એ મેગ્નેટિક કાર્ડનો ઉપયોગ કરી લીન્ડાની ઑફિસમાં પ્રવેશ્યો હતો. સ્ટાફ આવે તે પહેલાં જ તેણે ઝેર પાણીની બોટલમાં ભેળવી દીધું હતું. પણ તબિયત સારી ના હોવાથી લીન્ડા તે દિવસે ઑફિસે ના ગઈ અને જૂલી તેનો ભોગ બની. તપાસ કરતાં લૂઇસની ઑફિસના તેના વેસ્ટ પેપર બાસ્કેટમાંથી સાઇનાઇડની બોટલનું એક રેપર પણ મળી આવ્યું. લૂઇસે તેની આગલી ગર્લફ્રેન્ડને પામવા પત્નીની હત્યાની સાજિશ રચી હતી. પરંતુ ભોગ બિચારી કોઈ અન્ય સ્ત્રી બની.