શહેરના ત્રણેય ઝોનમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા : મનપાના ચોપડે માત્ર ૨૨ કેસ, નોંધાયા વગરના ૧૦૦થી વધુ હોવાની શંકા
રાજકોટ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળાએ દેખા દીધી છે. શહેરના ત્રણેય ઝોનમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. તેમાં પણ જીવલેણ ડેંગ્યુએ ફૂંફાડો માર્યો હોય તેવા રિપોર્ટ સામે આવી રહ્યાં છે. મનપાના ચોપડે માત્ર ૨૨ કેસ નોંધાયા છે. જયારે સિવિલ હોસ્પિટલના ચોપડે ૪૦ જેટલા કેસ બતાવ્યા છે. ઓફ ધ રેકર્ડ ૧૦૦થી પણ વધુ ડેંગ્યુના કેસ હોવાનું સામે આવ્યું છે. આ મામલે તંત્રએ ત્વરીત જાગી ઠેર-ઠેર ભરાયેલા પાણીનો ત્વરીત નિકાલ કરવો જોઇએ અને દવાનો છંટકાવ કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.
રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાયા હોવાનું રાજકોટ મહાનગરપાલિકા જણાવે છે. એક સપ્તાહમાં માત્ર 22 કેસ હોય એટલે રોગચાળો કાબૂમાં છે તે દેખાય પણ હકીકત એ છે કે, શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે. મોટી હોસ્પિટલથી માંડી શેરી ગલીના નાના ક્લિનિકમાં પણ દર્દીઓની ભીડ હોય છે. જોકે આરોગ્ય વિભાગને આ સત્ય હકીકત કરતા સ્થિતિ કાબૂમાં દર્શાવતા ચોપડાઓમાં જ રસ છે. માત્ર મનપાના જ આંકડા જોઈએ તો રોજ 100થી વધુ દર્દીના ઘરે ડેન્ગ્યુને અટકાવવાની કામગીરી કરે છે. સિવિલ હોસ્પિટલમાં 40 કેસ નોંધાઈ ગયા છે. આના કરતા અનેકગણા કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે.
મનપાના ડેન્ગ્યુના 22 કેસમાં કામગીરી કરે છે પણ શહેરના તબીબો મારફત રેપિડ કાર્ડ પોઝિટિવ કેસ હોય તેની પણ માહિતી અપાય છે. કાર્ડ ટેસ્ટને મનપા ડેન્ગ્યુમાં ગણતી નથી પણ ત્યાં દોડી જઈને પ્રોટોકોલ મુજબ કામગીરી કરાય છે. આવા સપ્તાહમાં 100થી વધુ કેસમાં કામગીરી થઈ રહી છે.
પાંચ વર્ષ પહેલાં ગુજરાતભરમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવ્યો હતો. જેને લઈને સમગ્ર દેશમાં મામલો ઉછળ્યો હતો. ડેન્ગ્યુના ટેસ્ટ માટે વર્ષોથી રેપિડ કાર્ડ ટેસ્ટ ઉપયોગમાં લેવાય છે જેની કિંમત 300થી 600 રૂપિયા હોય છે. આ ટેસ્ટ બધાને પોષાતા હોય છે એટલે ડોક્ટર પાસે દર્દી આવે એટલે ટેસ્ટ કરાવાય છે. આ વાતની ખબર તત્કાલીન આરોગ્ય કમિશનરને ખબર પડી હતી. જેથી તેઓએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે, જે દર્દીઓના પીસીઆર ટેસ્ટ કરાવ્યા હોય અને તેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોય તેની જ નોંધ કરવી.
રાજકોટ શહેરમાં અત્યારે મચ્છરજન્ય રોગચાળો ખૂબ વકર્યો છે. તંત્ર પીસીઆર જ કન્ફર્મ ગણે છે એટલે રોગચાળાના આંકડાઓ ખૂબ જ ઓછા હોય છે જ્યારે હકીકતે તેના કરતા 100 ગણા કેસ રાજકોટમાં છે. જે પીસીઆર ટેસ્ટ છે તે 2500નો થાય છે પણ તેનાથી સવિશેષ કોઇ ફાયદો હોતો નથી તેના કરતા રેપિડ કાર્ડ ટેસ્ટ ઝડપી રિઝલ્ટ આપે છે. આમ છતાં ડેન્ગ્યુની કોઇ દવા નથી. સામાન્ય રિપોર્ટમાં લક્ષણો દેખાય જેવા કે આંખો દુ:ખે, તાવ આવે, શરીરમાં કળતર થાય એટલે તે લક્ષણોની સારવાર કરવામાં આવે છે. આવા રોજના 700થી 750 કેસ શહેરમાં આવી રહ્યા છે. તબીબો અને આરોગ્ય વિભાગનું એક વોટ્સએપ ગ્રૂપ હોય છે તેમાં અમે કેસની વિગત મૂકીએ એટલે તુરંત જ ત્યાં સર્વેલન્સ થઈ જાય છે. વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી ત્યાં કામ કરવા પહોંચી જ ગયા હોય છે એટલે તે બાબત સારી છે. જોકે આંકડાઓ સતત ઓછા બતાવાતા હોવાથી લોકોમાં જાગૃતિ આવતી નથી. આ કારણે પણ યોગ્ય જાળવણી ન કરવામાં આવે તે પણ રોગચાળો વધવાનું એક કારણ છે.’