એક જ પરિવારની બંને પુત્રવધૂએ બાળકો મોટા થતાં છૂટી ગયેલો અભ્યાસ ફરી શરૂ કર્યો.
સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી જેઠાણી સવારે વહેલા ઊઠી સાથે મળી ઘરનું કામ પતાવી અભ્યાસ કરવા બેસી જતા
સ્ત્રી ધારે તે કરી શકે છે એવું અવારનવાર આપણે બોલતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ પરંતુ આ હકીકત છે કે ભગવાને સ્ત્રીમાં અખૂટ શક્તિ મૂકી છે જેના કારણે તે કોઈપણ સંજોગનો સામનો કરી શકે છે. નાનપણમાં અભ્યાસ છોડી દીધા બાદ અનેક વર્ષો પછી લગ્ન અને બાળકો થયા બાદ એક પરિવારની પુત્રવધુઓએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો . આ વાત છે મુંબઈના મારુ પરિવારની બે પુત્રવધૂની જેમણે એક સાથે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. સંયુક્ત કુટુંબમાં રહેતા દેરાણી અને જેઠાણી બંને પોતાના અભ્યાસ પૂર્ણ કરવાનો નક્કી કર્યું. બંનેના મકકમ ઇરાદાને કારણે લાંબા સમય બાદ આપેલી દસમાની એક્ઝામમાં જેઠાણી ચંપા મારુને બેસ્ટ ઑફ ફાઇવમાં ૫૦૦માંથી ૨૫૩ માર્ક્સ સાથે ૫૦.૬૦ ટકા અને દેરાણી ગીતા મારુને ૫૦૦માંથી ૨૫૭ માર્ક્સ સાથે ૫૧.૪૦ ટકા આવ્યા છે.
૨૦૦૫માં ગીતા મારુ દસમા ધોરણમાં બધા સબ્જેક્ટ્સમાં ફેલ થયા એટલે ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ બ્યુટિશ્યનનો કોર્સ કર્યો હતો. ૧૮ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ ભણવાનું પછી ક્યારેય વિચાર્યું નહોતું. જેઠાણી ચંપા મારુ નવમા ધોરણમાં ફેલ થયા બાદ તેમણે પણ ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ બાળકો નાનાં હોવાથી કંઈ કરીશું એ દિશામાં વિચારવાનો સમય જ નહોતો,પરંતુ બાળકો મોટા થતાં બંને એ પોતાના ભણવાના સ્વપ્નને સાકાર કર્યું.બંને દેરાણી જેઠાણી બહેનની જેમ રહે છે અને સંયુક્ત કુટુંબ હોવા છતાં બંને હળી મળીને કામ પતાવીને સાથે અભ્યાસ કરવા બેસી જાય છે.ઘરમાં બાળકોને અને પરિવારને સંભાળીને છેલ્લો એક મહિનો ઑનલાઇન સ્ટડી કરતા હતા.
૩૩ વર્ષનાં ગીતા મારુની દીકરી દસમા ધોરણમાં છે તો નાની દીકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે.ચંપાબહેનનો મોટો દીકીરો કોલેજના પ્રથમ વર્ષમાં છે તો નાનો નવમા ધોરણમાં ભણે છે.’તેમના પરિવારમાં બધા મળીને ૧૦ લોકો રહે છે. આખું ઘર સંભાળીને બન્નેએ એક્ઝામની તૈયારીઓ કરી હતી. બંને એ જણાવ્યું કે અમે એક્ઝામ વખતે સવારે ચાર વાગ્યે બંને ઊઠી જતાં અને બધું કામ પતાવીને સાત વાગ્યે એક્ઝામ આપવા નીકળી જતાં. પરિવારની મદદથી અમે ભણી શક્યાં છીએ. આગળ ભણવાનું અમે નક્કી કરી લીધું છે. અમારાં બાળકોને પણ પ્રેરણા મળી છે કે મમ્મી આટલું કામ કરીને આટલાં વર્ષો પછી ભણી શકે છે તો અમે કેમ નહીં.’