રામમોજામાં ધોવાઇ જવાને બદલે એનડીએમાં જોડાઇ જવા નીતિશના ૧૬ સાંસદો વાડ ઉપર બેઠા હતાં એટલે નીતિશને ચામડી બચાવવી પડી !
ભાજપ પણ બિહારમાં પોતાની લોકપ્રિય નેતાગીરી ઉભી નથી કરી શકયુ : નીતિશ સાથે નાતરું કરવુ તેની મજબુરી છે
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ અને સમગ્ર દેશમાં શ્રી રામ જય રામ જય જય રામનો નાદ ગુંજી ઉઠયો એ સાથે સરેરાશ ભારતિયના મનમાં એવી આશા જાગી કે હવે રામ આવ્યા તો રામ રાજય પણ આવશે. પરંતુ આ અંક પુરો થયો એ સાથે જ રાજકારણનું મહાભારત શરૂ થઇ ગયુ છે. ર૦ર૪ની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના ગઠબંધની ૪૦૦ બેઠક મેળવવાનું મિશન ભાજપે ચાલુ કરી દીધુ છે. તેનો પહેલો અંક બિહારમાં ભજવાઇ રહયો છે. નીતિશ આરજેડી સાથેની લીવ ઇન રિલેશનશીપ છોડી ફરી ભાજપ એટલે કે એનડીએ સાથ નાતરું કરશે. આ લખાય છે ત્યારે નીતિશની મુખ્યમંત્રી પદે ફરી એક વખત સોગંદવિધીની તૈયારી ચાલી રહી છે. પાર્ટી બદલીને ચુંટાયા વગર સૌથી વધુ વખત મુખ્યમંત્રી પદે સોગંદ લેનાર ભારતના રાજકારણના ખેલાડી તરીકે નીતિશકુમાર વિક્રમ કરશે. પાટલીપુત્રના આ નેતાને બિહારમાં નવુ બિરુદ મળ્યુ છે. પલટીપુત્ર. લગ્ન કરી સાત જનમના બંધન બાધવામાં આ નેતાને રસ નથી. સતા માટે ગમે ત્યાં લીવ ઇન રિલેશનશીપ કરી લેવી અને મતદારોને ઠોકર મારવી એ તેમને માટે રાજકારણની રમત થઇ ગઇ છે. ભારતના રાજકારણનું આ અટ્ટહાસ્ય છે. લોકશાહિનું આ અટહાસ્ય છે. મતદારો અને લોકશાહિની દુહાઇ દેનાર લોકોનું આ અટહાસ્ય છે.
અગ્ર ગુજરાતના વાંચકને ઝડપથી બનતી રાજકિય ઘટનાઓને તાત્કાલીક મળી રહે એ માટે થોડુ વિષયાંતર કરીને નવી વાત કરવી છે. નીતિશને અને ભાજપને એવી શું જરૂર પડી એ સમજીએ. પહેલાં નીતિશની વાત કરીએ તો નીતિશને માટે ત્રણ મહત્વના મુદા છે. સૌ પ્રથમ નવા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં તેમને કન્વીનર બનાવવાના હતાં. પરંતુ કોંગ્રેસને કર્ણાટક અને હિમાચલમાં સતા મળતાં તે ઉંચુ જોઇ ગઇ. નીતીશને કન્વીનર પદ ન મળ્યુ. બીજુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશમાં જે રામભકિતનું મોજુ ઉઠયુ તેમાં ભાજપ પ્રેરિત એનડીએ વન સાઇડેડ લેન્ડસ્લાઇડ વિકટરી તરફ જશે એવુ હવે નાના બાળકને પણ લાગવા માંડયુ છે. આવા સંજોગોમાં નીતિશના ૧૬ સાંસદો ગત ર૦૧૯ની ચૂંટણીમા જીત્યા છે તે ઇન્ડિયાની ડુબતી નાવમાંથી એનડીએ તરફ ઠેકી જવા તાંકીને બેઠા હતાં. જો આ સાંસદો ચાલ્યા જાય તો નીતિશ એકલા બિહારના મુખ્યમંત્રી પદે પણ ન રહી શકે. લાલુ-તેજસ્વીનો પડકાર પણ તેમને લાગે. આમ નીતિશને એક બાજુ ખાઇ અને એક બાજુ કુવો જેવુ હતું. આપઘાત કરવાને બદલે તેમણે નાતરું કરવાનું પસંદ કર્યુ.
ભાજપને નીતિશની જરૂર શા માટે હતી ? સહુ પ્રથમ એનડીએ સાથે મળીને ૪૦૦ પ્લસ બેઠક જીતી નરેન્દ્ર મોદી ભારતિય રાજકારણમા સિમાચિહ્ન વિજય અંકિત કરવાની મહત્વાકાંક્ષા સેવે છે. બીજુ ચૂંટણી પહેલાં ઇન્ડિયાના કન્વીનર પદે જે નેતાનું નામ બોલાતું હતું તેમની જ વિકેટ ખેડવી તેમને ભાજપમાં ભેળવી સોનિયા ગાંધી અને તેના સાથીઓના રથના પૈડા જ તોડી નાંખવાની ખુબ જ મોટી ચાલ છે. આ કારણે બિહારમાં પોતાના પ્રદેશ નેતાઓની નારાજગી વ્હોરી લેવાનું સમાધાન કરીને પણ નીતિશને મુખ્યમંત્રી બનાવવા પણ તૈયાર થયા. ત્રીજી બાબત એ છે કે બિહારમા ભાજપ પોતાના કરિશ્માટીક નેતા ઉભા નથી કરી શકયા. ભાજપના દેશમાં આટલાં દબદબા વચ્ચે પણ નીતિશ બિહારમાં બે લાખ લોકોની સભા યોજી શકે છે. ભાજપ એક મોટી યાત્રા પણ નથી યોજી શકયુ. આમ રાજકિય ગરજે આ લીવ ઇન રિલેશનશીપ થઇ છે. જે ર૦રપ –ર૬માં ફરી તુટી પણ શકે છે. મતદારો માટે આ રાજકારણીઓનું અટહાસ્ય છે. પરંતુ રાજકિય પંડિતો આ મામલે ખુબ ઉતેજીત છે.
ચુંટણી સુધી રામ મોજામાં ભાજપનો રથ એકલા હાથે 3પ૦ ઉપર પહોંચાડવાનો એજન્ડા છે. આસામમાંથી રાહુલ ગાંધીની યાત્રા નિકળી અને બંગાળમા મમતાએ છેડો ફાડી નાંખ્યો. મહારાષ્ટ્રમાં મિલિન્દ દેવરાએ તારે જમીન પર દેખાડયા. બિહારમાં રાહુલ ગાંધીના યાત્રા પહોંચશે ત્યારે કોંગ્રેસના એકાદ ડઝન ધારાસભ્યો ભાજપમાં જોડાઇ તેનું સ્વાગત કરે એવો પણ તખ્તો ગોઠવાઇ રહયો છે. આગામી ફેબ્રુઆરી માસ કર્ણાટક,બિહાર,મહારાષ્ટ્ર,પંજાબ સહિતના રાજયોમાં નવા નવા રોમાંચક રાજકિય સમિકરણ દેખાડશે.