તાત્કાલીક રસ્તા મરામ્મતને બદલે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા અધિકારીઓ વ્યાયામ કરે છે
રાજકોટમાં રસ્તાઓ વિશે હવે લોકો એટલી ફરિયાદો ઉઠી છે. પરંતુ મનપાના નિંભર તંત્રએ લોક ફરિયાદોને ધ્યાને આપ્યું નથી. ભાજપના નેતાઓ પણ હજુ તેમના આગવા મીજાજમાં છે. લોક ફરિયાદોની ઉપેક્ષાને કારણે વ્યાપક રોષ ફેલાયો છે. આવા સંજોગોમાં મનપાના અધિકારીઓએ કોઇ પગલા લેવાને બદલે રસ્તાઓનો સર્વે કરી સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજ્ય સરકાર સર્વેના રિપોર્ટના આધારે કરોડોની ગ્રાન્ટ ફાળવે અને પછી મરમ્મત થાય તેવી નીતિરીતિ છોડીને પહેલા રસ્તાની મરમ્મત કરીને થયેલ ખર્ચ સરકાર પાસે માંગી શકાય છે. આજે ઉઘાડ હતો છતાં રાજકોટના ૮૦ ફૂટ રોડ, આજી ડેમ ચોકડી, અંબિકા ટાઉન શીપ, બાપા સીતારામ ચોક, બાયપાસ રોડ કોઠારીયા, સ્વાતિ પાર્ક, ગોંડલ ચોકડી બ્રિજ પાસે, ગ્રીન લેન્ડ ચોકડી, જીવરાજ પાર્ક, કોઠારીયા, માધાપર ચોક, મહિલા કોલેજ અન્ડરપાસ, મવડી, પાળ રોડ, પુનિત ટાંકા પાસે, રામાપીર ચોકડી, રામધન મંદિર પાસે વગેરે માર્ગો પર તપાસ કરતા લોકોના હાડકાં ભાંગે તેવા અતિ ભંગાર રસ્તા દેખાયા હતા.
મનપા પાસે એક સેન્ટ્રલ ટીમ હોવી જોઈએ જે વાહનમાં મુખ્યમાર્ગ પર નીકળીને તેમજ લોકોની ફરિયાદો સ્વીકારીને તાત્કાલિક ધોરણે માર્ગોની મરમ્મત કરવી જોઈએ પણ સંવેદનશીલતા અને સહાનુભૂતિના અભાવના કારણે જમ્પરવાળી સરકારી ગાડીમાં ફરતા અસરો અને પદાધિકારીઓને આવુ જનહિતનું કામ સુઝતુ નથી.