અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફરાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે હાથ મિલાવતો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ટ્રમ્પ મેક્રોં સાથે જોરથી શેકહેન્ડ કરતા જોવા મળે છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે આ રીતે હાથ મિલાવતા વીડિયો ઘણા વાઇરલ થયા હતા.
નોટ્રેડેમ કેથેડ્રલના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવા માટે પેરિસ પહોંચેલા ટ્રમ્પનું રાષ્ટ્રપતિ મેક્રોંએ સ્વાગત કર્યું હતું.આ દરમિયાન ટ્રમ્પ અને મેક્રોં લગભગ 10 સેકન્ડ સુધી હાથ મિલાવતા રહ્યા. પોતાના ચિરપરિચિત અંદાજમાં ટ્રમ્પે મજબૂતીથી ફરાન્સના રાષ્ટ્રપતિનો હાથ પકડી રાખ્યો હતો અને ઉત્સાહથી શેકહેન્ડ રહ્યા હતા. પરંતુ આ થોડી સેંકડો દરમિયાન મેક્રોંની હાલત અસહજ થઈ ગઈ હતી. તેમણે પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ત્યાર પછી ફોટો સેશન સમયે પણ ટ્રમ્પે મેક્રોંનો હાથ પકડયો અને ઉત્સાહથી શેકહેન્ડ કરતા રહ્યા. આખા ફોટો સેશન દરમિયાન ટ્રમ્પે મેક્રોંનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાર બાદ હાથ પકડેલો રાખીને જ ટ્રમ્પ અને મેક્રોં એલિસી પેલેસમાં ગયા હતા. પેલેસમાંથી બહાર આવ્યા ત્યારે પણ ટ્રમ્પે ફરી એક વાર મેક્રોં સાથે શેકહેન્ડ કર્યા હતા અને ફરી મજબૂતીથી હાથ પકડી રાખ્યો હતો.