સોમવારે પીએમ મોદીએ બિહારના ભાગલપુરથી દેશભરના 9.8 કરોડ ખેડૂતોને ભેટ આપી. આજે તેમણે પીએમ કિસાન સન્માન યોજનાના 19મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી. આ દરમિયાન તેમણે બિહારમાં ઉગાડવામાં આવતા મખાનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે મખાનાને સુપર ફૂડ ગણાવ્યું.
હું મખાના ચોક્કસ ખાઉં છું- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે મખાના ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હું 365 માંથી ઓછામાં ઓછા 300 દિવસ મખાના ચોક્કસ ખાઉં છું. સરકારના પ્રયાસોને કારણે છેલ્લા વર્ષોમાં ભારતની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. આના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનના ઊંચા ભાવ મળવા લાગ્યા છે. ઘણા કૃષિ ઉત્પાદનો છે જેમની નિકાસ પહેલીવાર શરૂ થઈ છે. હવે બિહારના મખાનાનો વારો છે. આ વર્ષના બજેટમાં, મખાનાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કેમ વધવા લાગી મખાનાની માગ ?
ભારત અને વિદેશમાં મખાનાની માંગ ઝડપથી વધી રહી છે. હેલ્ધી ફૂડ તરીકે લોકોમાં ફેવરીટ બની રહ્યા છે. મખાનાની વધતી માંગને કારણે ઉદ્યોગસાહસિકોને મખાના વ્યવસાયમાં પ્રવેશવાની અને આરોગ્ય પ્રત્યે સભાન બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની તક મળી છે. મહત્વનું છે કે રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં મખાનાના 90 ટકા પુરવઠા ફક્ત ભારતમાંથી આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે આખી દુનિયામાં મખાનાની માંગ અચાનક કેમ વધવા લાગી છે. ત્યારે આવો જાણીએ કયા પોષક તત્વોથી મખાના ભરપૂર છે. તે ભારત અને વિશ્વના લોકોના આહારનો એક ભાગ કેમ બની રહ્યો છે આવો જાણીએ.
વજન નિયંત્રણમાં રાખે
મખાનામાં વિટામિન A, વિટામિન B5, નિયાસિન, વિટામિન E, વિટામિન K, બી-કોમ્પ્લેક્સ હોય છે. તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. દરરોજ મુઠ્ઠીભર મખાના ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ લાગવી અને જંક ફૂડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ
મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે મખાના એક ઉત્તમ નાસ્તો બની શકે છે. તમે મખાના સાદા ખાઈ શકો છો, તેને શેકી શકો છો અથવા સલાડમાં મિક્સ કરી શકો છો. આ ઉપરાંત તેને સ્મૂધી, જ્યુસ અને શેકમાં પણ ભેળવી શકાય છે. મખાનાને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત, ઘણા લોકો મખાનાનું શાક પણ બનાવે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
હાડકાં મજબૂત બનાવે
મખાનામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝીંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. મખાનાના નિયમિત સેવનથી હાડકાના દુખાવા અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
વૃદ્ધાવસ્થાને દૂર રાખે
મખાનામાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે. ફ્રી રેડિકલ ચહેરાની ત્વચાની વૃદ્ધ બનાવવા માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં મખાનાનું સેવન કરવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ મળે છે. તેનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને તમને યુવાન બનાવે છે.