શિકારી ગેંગમાં એક નાબાલીગ હોવાથી બાળ અદાલતમાં રજુ કરાયો
સુત્રાપાડા પંથકમાંથી શિકારની ઘટના સામે આવતા ચકચાર
ગીર સોમનાથના સુત્રાપાડા વિસ્તારમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટના સામે આવતા ચકચાર જાગી છે. આ મામલે વનવિભાગ દ્વારા બે મહિલા સહિત કુલ ચાર શિકારીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ ઉપર સોપેલ છે.
આ ચકચારી ઘટના અંગે વન વિભાગના જણાવ્યા મુજબ સુત્રાપાડા બીટના નાગથળી વિસ્તારમાં મોરનો શિકાર થયો હોવા અંગે સુત્રાપાડા પોલીસને ખબર પડી હતી. જેથી આ ઘટના અંગે પોલીસે જાણ કરતા વન વિભાગના રેંજ આર.એફ.ઓ. યોગેશભાઈ કલસરિયા, ફોરેસ્ટર નારણભાઇ પંપાણીયા, રાઉન્ડ ફોરેસ્ટ એસ.જે. ગોરડ, બીટ ગાર્ડ યું.બી. જોટવા, પી.બી.વાળા, ડી.વી.મકવાણા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં સ્થળ ઉપરથી મૃત મોરના અવશેષો સાથે શિકારી દેવીપુજક અરવિંદ દેવાભાઈ પરમાર, જ્યોત્સનાબેન બારડ, અંજુ સોલંકી તથા અન્ય એક સગીરને સ્થળ પરથી રાઉન્ડ અપ કરી લીધા હતા. મોરનો શિકાર કરનાર ચાર આરોપીઓ પૈકી બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટમાં વાઇલ્ડ લાઇફ એક્ટની કલમ 9 સહિતની વન્ય પ્રાણી સરક્ષણની કલમો મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાદમાં આરોપી બે મહિલા સહિત પુખ્ત વયના ત્રણ આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં જ્યારે એક સગીર વયના બાળ આરોપીને વેરાવળમાં બાળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મોરના શિકારમાં ઝડપાયેલ આરોપીઓ કેટલા સમયથી આ શિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અગાઉ કેટલા વન્ય જીવોનો શિકાર કર્યો છે તે સહિતના અલગ અલગ મુદ્દે આરોપીઓની તપાસ હાથ ધરવા ત્રણ દિવસના રીમાન્ડ માંગેલ જેને કોર્ટે ગ્રાહ્ય ન રાખી રીમાન્ડ ના મંજુર કરતા આરોપી શિકારીઓ ને જેલહવાલે કરવામાં આવ્યા હતા. પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.