કુંભાણીના પત્ની તેના ઘેર પરત આવી ગયા : નિલેશ કુંભાણી અમદાવાદ હોવાનું જણાવ્યું
સુરતના હોસ્ટાઇલ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામેનો લોકરોષ હજુ ઠર્યો નથી. ત્યારે તેના પત્ની સુરત ખાતેના તેમના નિવાસ સ્થાને પરત ફર્યા છે. તેમના ઘરે પ્રતાપ દુધાતની ધમકી બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કુંભાણીના પત્નીએ નિલેશ નિર્દોષ હોવાનું રટણ કર્યુ હતું. કુંભાણી અમદાવાદ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
લોકસભા ૨૦૨૪ ના સુરત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું. પરંતુ ફોર્મ પર જે કુંબાણીના સગાઓએ સાક્ષી તરીકે સહી કરી હતી તે ટેકેદારો એફિડેવિટ કરીને સહી તેમની ન હોવાનું જણાવ્યા બાદ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા થયો હતો અને તેમનું ફોર્મ રદ થયું હતું જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ કુંભાણી અને તેમનો પરિવાર ગાયબ થઇ ગયો હતો.
કુંભાણી ગોવા, મુંબઈ અમદાવાદ જેવા શહેરમાં હોવાની અટકળો ચાલી હતી. તો કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત કરતા હતા. આ તમામ વાતો વચ્ચે આજે નિલેશ કુંભાણીના પત્ની તેમના ઘરે આવ્યા હતા અને તમામ અટકળો ખોટી છે તે અમદાવાદ છે અને કોંગ્રેસના નેતાઓને મળશે તેવી વાત કરી હતી. ઉમેદવારી પત્રક રદ્દ થયા બાદ તેની તપાસ માટે તેઓ અમદાવાદ છે.
લોકો ગદ્દાર છે તેવી વાત કરે છે તે ખોટી છે ભાજપના કાર્યકરો ની મીલી ભગત હોય તેવું લાગે છે. નિલેશ કુંભાણીને ખરીદી શક્યા ન હતા તેથી કોંગ્રેસના કાર્યકરો ને ખરીદ્યા હોય તેવું લાગે છે. પાંચ કરોડની વાત અંગે તેઓએ કહ્યું હતું કે, તેમની પાસે સારામા સારુ છે અને બે વખત હારી ગયાં છતાં તેઓ લોકોની વચ્ચે જતા હતા કોંગ્રેસ માટે ચૂંટણી લડવા તથા કાર્યાલય શરૂ કરવા માટે નિલેશ કુંભાણી એક જ હતા તેથી તેમની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે. તો બીજી તરફ અમરેલીના કોંગ્રેસના નેતાએ ગઇકાલે ખુલ્લેઆમ કુંભાણીને ધમકી આપી હોવાથી તેમને ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.