મિઝોરમમાં આજે ચૂંટણી પૂરી થઈ જશે, જ્યારે છત્તીસગઢમાં પ્રથમ તબક્કો પૂરો થશે પણ ચૂંટણીનો તખતો હજીય સજાવાઈ રહ્યો છે ત્યારે વન નેશન, વન ઇલેક્શનની વાતોને કેવી કહેવી?
વન નેશન અને વન ઇલેક્શનની વાતો થાય છે, પણ પાંચ રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જ એટલો લાંબો છે કે આખી વાત અર્થહિન લાગે. છત્તીસગઢમાં 90 બેઠકો જ છે, પણ હજીય જંગલ વિસ્તાર મોટો છે એટલે બે તબક્કા કરવા પડે છે. મિઝોરમમાં 40 બેઠકો છે અને અહીં પણ પહાડી વિસ્તાર અને ફોરેસ્ટ એરિયા છે, પણ એક જ તબક્કે ચૂંટણી થઈ જશે. ઈશાન ભારત પહાડીઓ વચ્ચે વસેલો પ્રદેશ છે અને અનેક આદિવાસી સમુદાયો વસે છે. પરંતુ આ આદિવાસી સમુદાયો સૌથી શિક્ષિતની યાદીમાં આવે તેવા છે. બિહાર અને ઝારખંડમાં આનાથી વધારે શિક્ષણનું ધોરણ કથળેલું જોવા મળશે. નિરક્ષરતા વ્યાખ્યાની દૃષ્ટિએ નથી રહી, પણ આ રાજ્યોમાં ગામડામાં નામ માત્રનું શિક્ષણ હોય છે. ઉચ્ચ શિક્ષણની વાત જ કરવા જેવી હોતી નથી.
છત્તીસગઢમાં પણ એ જ હાલત છે. છત્તીસગઢ મધ્ય પ્રદેશથી અલગ કરાયું, કેમ કે ત્યાં સૌથી મોટી વસતિ આદિવાસીઓની છે. બે રાજ્યો થયા પછી મધ્ય પ્રદેશ ઝડપથી આગળ વધ્યું છે. હિન્દીભાષી રાજ્યોમાં યુપી અને બિહાર કરતાં ઘણી સારી સ્થિતિમાં આવી ગયું છે. રાજસ્થાન પણ બાકીના હિન્દી બેલ્ટથી અલગ પડવા લાગ્યું છે. આ બધી એક પ્રકિયા હોય છે. પ્રગતિ એક પ્રોસેસ છે અને તેમાં રાજકીય પક્ષો દાવા કરે તેને ખોખલા જ સમજવા. કોઈ સરકાર પ્રગતિ કરતી નથી, સમાજ પ્રગતિ કરે છે. સરકાર તેમાં નડતી હોય છે. કોઈ સરકાર થોડી ઓછી નડે અને પ્રજા વધારે સજ્જ થાય ત્યારે પ્રગતિ થતી હોય છે. સરકારની ભૂમિકા મુખ્યત્વે પ્રગતિ રોકવાની હોય છે.
દાખલા તરીકે એક આડ વાત કરી લઈએ કે ગુજરાતમાં ગૌચરનું નખ્ખોદ સરકારે કાઢી નાખ્યું છે. ગૌચરની જમીન, નદીના કુદરતી પટ, હરિયાળી, વગડો અને થોડું જંગલ એ માનવજીવન માટે હિતકારક છે. ગૌચર બેપગાળા ખાઈ ગયા છે. સત્તામાં બેઠેલા લોકોના મળતિયા આખે આખા ગૌચર ગળી ગયા છે અને પેલી પ્રગતિની ભ્રામક વાતો માટે ચારે બાજુથી માટી અને રેતી ખોદવા માટે માફિયાગીરી ચાલી રહી છે. ખનન માફિયા એવો હિન્દી શબ્દ ઘૂસી ગયો છે, કેમ કે સમગ્ર કામકાજમાં સત્તાધીશોનો ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. ગામેગામ ધારાસભ્યો અને સાંસદોના મળતીયા ગેરકાયદે રીતે માટી ખોદી રહ્યા છે. કોઈ આડે આવે તેના પર સીધા જેસીબી ફેરવી દેવાય છે. આડે આવનારાને પતાવી દેવા સુધી સડો પેઠો છે, ત્યારે પ્રગતિની વાતો કેવી રીતે કરવાની ભઈ…
બીજા રાજ્યોમાં પણ સરકારો આ જ કામ કરી રહી છે અને એટલે તેમાંથી ઓછી નડનારી સરકાર કઈ તે મતદારો આ વખતે નક્કી કરશે. છત્તીસગઢમાં નક્સલવાદ નાબૂદ થઈ શક્યો નથી અને સલામતી માટે બે તબક્કા કરવા પડે છે. આડ વાતમાં મૂળી વાત હવે જોડી દઈએ કે વન નેશન, વન ઇલેક્શનનો અર્થ એ નથી કે એક જ દિવસે મતદાન થશે. તબક્કાવાર જ મતદાન થશે અને ઘણા તબક્કા કરવા પડે. પણ સમગ્ર રીતે એક સાથે ચૂંટણી યોજાય અને એક સાથે ચૂંટણી પ્રચાર થાય તેનો ફાયદો છે. પણ તેમાં વાતો વધારે થઈ છે અને નક્કર કંઈ થયું નથી એટલે જોઈએ હવે ક્યારે એ શક્ય બને છે.
બે રાજ્યોમાં મિઝોરમ નાનું રાજ્ય છે, પણ તેનું રાજકારણ કોઈ પણ મોટા રાજ્ય જેટલું કોમ્પ્લેક્સ છે. પ્રથમ વાર એવું બન્યું કે રાષ્ટ્રીય પક્ષનો સાથે પક્ષ રાજ્યમાં સરકાર ધરાવતો હોય, પણ તે રાષ્ટ્રીય પક્ષના વડા, દેશના વડા પ્રધાન સાથે મંચ પર આવવાની ના પાડી દીધી હોય. મિઝોરમના મુખ્ય પ્રધાને કહ્યું કે પોતે વડા પ્રધાન મોદી સાથે એક મંચ પર નહીં આવે. એટલે સભા જ રદ કરવી પડી. આટલી મોટી હદે નાના રાજ્યનું રાજકારણ ડહોળાયેલું છે, કેમ કે મણિપુરમાંથી મોટી સંખ્યામાં કુકી આદિવાસીઓ શરણ લેવા માટે મિઝોરમ પહોંચ્યા છે. બીજું એક પ્રાદેશિક પક્ષ પણ કૂદ્યો છે. ઝોરામ પિપલ્સ મૂવમેન્ટ. આ પક્ષને ભાજપે ઊભો કર્યાનો મનાય છે અને તેણે જાહેરમાં એનડીએ વિરુદ્ધનો અભિગમ લીધો છે. સ્ટ્રેટેજી એ છે કે એનડીએનો પોતે વિરોધ કરે છે એવું દેખાડીને મિઝો નેશનલ ફ્રન્ટથી નારાજ થયેલા મતદારોને આકર્ષી શકાય. એનડીએનો વિરોધ એટલે કે ભાજપનો વિરોધ હોય તે લોકો કોંગ્રેસને મત ના આપે અને ઝોરામ પિપલ્સ મૂવમેન્ટને મત આપી દે માટેની આ ચાલ છે. પછી ભેગા મળીને સરકાર બનાવવાની, કેમ કે કોંગ્રેસ સારું જોર કરી રહી છે, પણ એકલે હાથે સરકાર બનાવવી મુશ્કેલ લાગે છે.
જોવાનું એ રહેશે કે પછી કોંગ્રેસના ટેકા વિના સરકાર ના બનવાની હોય ત્યારે પછી કોંગ્રેસ કેવી રીતે ગઠબંધન કરશે. આવા કોઈ ગઠબંધનની જરૂર છત્તીસગઢમાં નથી, કેમ કે અહીં સ્પષ્ટપણે કોંગ્રેસની સરકાર ફરી બની રહી છે. બેઠકો ઓછી થશે, પણ સત્તામાં કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન બઘેલ ટકી રહેશે એમ લાગે છે. મહાદેવ બૂક એપ્સના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, પણ તે બૂઠી ધાર જેવા છે. આદિવાસી વિસ્તારોમાં આમ પણ ભ્રષ્ટાચાર આરોપોની કોઈ અસર હોતી નથી. અહીં તો રાતોરાત ઈડીએ કાર્યવાહી કરી નાખી, એક કોઈ મામુલી માણસનું સ્ટિંગ ઓપરેશન કરાવી નખાયું અને તેણે કરેલા આરોપેને ચગાવી દેવાયા – આ બધા ખેલ લોકો સમજી ગયા છે. લોકો સમજી ગયા છે કે ચૂંટણી હોય ત્યારે બદનામી કરવા માટે જ આક્ષેપો ઠોકી બેસાડવાના અને પછી તે કેસમાં કંઈ દમ રહેતો નથી. મતદાન સાથે હિંસાના બનાવો પણ બન્યા ખરા. છત્તીસગઢમાં પહેલા તબક્કે 20 બેઠકો છે, તેમાંથી 12 બેઠકો માઓવાદી વિસ્તારમાં પડે છે. સુકમા જિલ્લામાં માઓવાદીઓએ વિસ્ફોટો કર્યા પણ ખરા અને તેમાં સીઆરપીએફના એક જવાનને ઈજાઓ થઈ છે. આ 12 બેઠકો માટે 60,000થી વધારે જવાનોને ગોઠવવા પડ્યા છે. આ બેઠકો આમ કોંગ્રેસના હાથમાં છે, કેમ કે ગયા વખતે આ 20માંથી 17 બેઠકો કોંગ્રેસને મળી હતી. ભાજપને બે અને અન્યને એક. કોંગ્રેસને અહીં જીત મળે છે તેનું કારણ સહાનુભૂતિ પણ છે, કેમ કે નક્સલીઓના હુમલામાં એક સાથે કોંગ્રેસના ડઝનબંધ નેતાઓના મોત 2013માં થયા હતા.
મિઝોરમમાં કોંગ્રેસને હરાવીને મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં આવ્યું. 2018માં ભાજપ સાથે તેનું ગઠબંધન થયું હતું. 40માંથી 26 બેઠકો તેને મળી ગઈ હતી. તે વખતે કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી, જે આ વખતે બમણી થાય તેવી શક્યતા છે. જીતવા માટે ચાર ગણી કરવી પડે. આ વખતે મતોમાં ભાગ પડાવવા ઝોરામ પિપલ્સ મૂવમેન્ટ ઊભું થયું છે એટલે ગણતરીમાં ફેરફાર થઈ શકે છે, જેની ખબર ત્રીજી ડિસેમ્બરે પરિણામના દિવસે પડશે.