આપણો સમાજ લક્ષ્મીપૂજકોની બાહ્ય બાબતોની નોંધ કરે છે પરંતુ તેમના
કૌશલ્ય,ઝનુન,આત્મવિશ્વાસ વિપરીત સંજોગોમાં ટકવાની તાકાત,ક્રિએટિવિટી ઇનોવેશનને પુરતું લક્ષ્ય નથી આપતો
હુરુન ઇન્ડિયા વેલ્થ ક્રિએટર અંગે રિસર્ચ કરતી મૂળ લંડન બેઝ કંપની છે. તેમની ભારત સહિત અનેક દેશોમાં રિસર્ચ ટીમ કામ કરે છે. ર૯મી ઓગસ્ટના રોજ હુરુન ઇન્ડિયાએ ભારતના ટોપ હન્ડ્રેડ વેલ્થ ક્રિએટરનું લિસ્ટ જાહેર કર્યુ છે. જે ઘણા અખબારોની હેડલાઇન પણ બની છે. આ અબજોપતિમાં ગુજરાતી ગૌતમ અદાણી અને મૂકેશ અંબાણી પહેલાં અને બીજા નંબરે છે. આ અબજોપતિ મોટા કોર્પોરેટ સામ્રાજય ધરાવે છે. તેમને દેશ દુનિયા ઓળખે છે. પરંતુ રાજકોટ જેવા પ્રમાણમાં દેશના કોસ્મોપોલિટન સિટીની તુલનામાં ઘણા નાના શહેરમાંથી હુરુન ઇન્ડિયાના લિસ્ટમાં દસ અબજોપતિનો સમાવેશ થયો છે.જેને રાજકોટ ગૌરવ ગણવું જોઇએ. આ અબજો પતિમાં ટોચ ઉપર જયોતિ સી.એન.સી.ના પરાક્રમસિંહ જાડેજા, ભીખુભાઇ વિરાણી, મનિષભાઇ માડેકા, અશ્વિનભાઇ ગોહિલ, ચંદુભાઇ વિરાણી, કાનજીભાઇ વિરાણી, બીપીનભાઇ હદવાણી, હસમુખભાઇ ગોહેલ, સુખદેવસિંહ જાડેજા, પ્રફુલભાઇ હદવાણી વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટમાં આ સિવાય પણ મોટી સંપતિ સર્જનાર અનેક વેપાર ઉદ્યોગ સાહસિક,ઇનોવેટર છે.
આમાંથી મોટા ભાગના લોકો ફર્સ્ટ જનરેશન બિલિયોનર છે. મતલબ કે પહેલી પેઢીમાં શ્રીમંત બન્યા છે. તેમના મા-માપ કે કુટુમ્બની આગળની પેઢીનો તેમાં સામાન્ય કે ગરીબ વર્ગની હતી. આ ધનપતિઓની યાદિની ખાસિયત એ છે કે તેમણે કોઇને કોઇ ઉત્પાદન કે સર્વીસ સેકટરના માધ્યમથી તેમના એકમોને અબજોના ટર્નઓવરમાં લાવ્યા છે. મતલબ કે જમીન –મકાન કે શેર સટ્ટાથી આ સંપતિનું સર્જન નથી કર્યુ. મોટા ભાગના સાહસીકોના એકમ હાલ લિમિટેડ કંપની કે પબ્લીક લિમિટેડ કંપની બની ચુકયા છે. મતલબ કે સરકારી કરવેરા અને સરકારી નિયમોનું શિસ્તબધ્ધ પાલન પણ તેમણે કર્યુ છે. વાંકાનેર પાસે નોબલ રિફ્રકટરીઝ ધરાવતાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ઘનશ્યામભાઇ ઢોલરિયાએ મને એક વખત કહયુ હતું કે એથિકલ બિઝનેશ કરીને જ તમે આગળ આવી શકો. સરકારી ટેકસ ભરવા જ જોઇએ. તમારે મોટા પ્લેયર બનવું હોય ટાટા,બિરલા બનવું હોય તો તમામ સરકારી કોમ્પલાયન્સ અને ટેકસ ચુકવણાનું શિસ્તબધ્ધ પાલન કરવું જોઇએ. તેને જીવનમંત્ર બનાવવો જોઇએ. રાજકોટના આ બિલિયોનરના વિકાસમાં આ બાબત ઉડીને આંખે વળગે છે. તેમની વેલ્થ જાહેર છે. મતલબ કે સરકારના તમામ કાયદાનું પાલન કર્યુ છે.
મોટા ભાગના ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યરની સરેરાશ વય પ૦ વર્ષથી ઉપર છે. તેઓ છેલ્લા રપ થી 3૦ વર્ષથી તેમણે પસંદ કરેલા ક્ષેત્રમાં સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. આફતોને ગળે લગાવી છે. સંઘર્ષમાં તુટયા નથી. અવરોધોને પાર કર્યા છે.
ચંદુભાઇ વિરાણીનો મેં અડધો કલાકનો ખાસ્સો ઇન્ટરવ્યુ કર્યો હતો. તેઓ નાના ગામડામાંથી પરિવાર સાથે આવ્યા હતાં. પારિવારિક એકતાની મિશાલ છે આ પરિવાર.પેઢીગત બિઝનેશને આ સ્તરે લઇ જવો અને સમય અનુરુપ નવી પેઢીને રસ્તો કરી આપવાનું મેનેજમેન્ટના કોઇ પુસ્તકમાં શિખવવામાં નથી આવતું. આ વ્યકિતઓને મળો તો તેઓ અનુભવની યુનિવર્સિટી છે. તેમનામાં અનન્ય ઝનુન,અથાક મહેનત,સંઘર્ષ, અસમાન્ય કુશળતાં,લોખંડી આત્મવિશ્વાસ ટીમને સાથે લઇને ચાલવાની હ્રદયની વિશાળતાં સહનશિલતાં વગેરે ગુણ છે. જયોતિ સી.એન.સી.ના પરાક્રમસિંહની આ ઝળહળતી સિધ્ધી સહુને નજરે ચઢે છે. પણ લોખંડને દાગીનો બનાવવાના સી.એન.સી. મશિનનના સર્જનનૂં તેમનું ઝનુન બહુ ઓછા લોકોએ જોયુ છે. ઓશોના તત્વજ્ઞાન અને વ્યહવારૂ જ્ઞાનને એક સામાન્ય માણસ મિશ્રણ કરે તો કેવુ અસામાન્ય સફળતાનું કોકટેલ તૈયાર થાય તેનું ઉદાહરણ આ રાજકોટના ગૌરવવંતા ઉદ્યોગપતિ છે. આ યાદિથી પ્રભાવિત થવાની જરૂર નથી. પરંતુ જે યુવાનોએ પોતાની જાતના કન્વીકશનને મજબુત બનાવવું હોય તેમને માટે સ્થાનિક હવામાનમાં રાજકોટની ધરતી ઉપર તૈયાર થયેલા અને સ્થાનિક તંત્ર,સ્થાનિક હરિફાઇ,સ્થાનિક ટેલન્ટમાંથી પણ એકસલન્સ મેળવી શકાય તેના ઉદાહરણ છે. ખાસ કરીને ટી ટવેન્ટીના આ યુગમા ઇન્સન્ટ સફળતાં મેળવવા આંધળુકિયા સાહસો કરતા અથવા સજજતા વગર,ધીરજ વગર ગમે ત્યાં સાહસ કરતાં યુવાનો માટે આ તમામ વેપાર ઉદ્યોગ સાહસિકો ઉદાહરણ રૂપ છે. જીવનની પચાસી વટાવી ગયેલા આ સફળતાના સારથિઓ હજુ પણ સંઘર્ષરત છે. સફળતા તેમની બાય પ્રોડકટ છે.
આપણો સમાજ કોઇ સફળ વ્યકિત ઉપર તુરંત ધ્યાન આપે છે .પરંતુ સફળતાના માર્ગે સંઘર્ષ રત માણસની ટેલન્ટને અપેક્ષિત રિસ્પેકટ નથી કરતો. આપણી બેંકો,સરકારી એજન્સીઓને પણ આ બાબત લાગુ પડે છે. પરંતુ આ લોકો ઝૂકવાવાળા નથી હોતા. તેમના મગજમાં સફળ માટેનું ઝનુન સતત સવાર હોય છે. જે પડકારોને સહય બનાવે છે.
દુષ્યંતકુમારનો એક શેર આવા સફળતાના શિલ્પીઓ માટે સમર્પિત કરવો જોઇએ.
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહિ
કિસીભી હાલ મેં યે સુરત બદલની ચાહિયે.