હાલમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો સાથે કંઈ પણ ઠીક નથી થઈ રહ્યું. સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં ફ્લોપ રહ્યા બાદ પૃથ્વી શોની ટીકા થઈ રહી છે. ઓપનિંગ બેટ્સમેનને વિજય હજારે ટૂર્નામેન્ટ માટે મુંબઈની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના પછી શો સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
પૃથ્વી શો થયો ભાવુક
મુંબઈએ વિજય હજારે ટ્રોફી માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પરંતુ શોને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જે બાદ ઓપનિંગ બેટ્સમેને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. શોએ લખ્યું છે કે “ભગવાન, કૃપા કરીને મને કહો કે મારે બીજું શું જોવાનું છે. 65 ઈનિંગ્સમાં 55.7ની એવરેજ અને 126ની સ્ટ્રાઇક રેટથી 3399 રન. શું હું સારું નથી કરી રહ્યો, પરંતુ મારો વિશ્વાસ તમારામાં રહેશે અને મને આશા છે કે લોકો હજુ પણ મારા પર વિશ્વાસ કરશે, કારણ કે હું ચોક્કસપણે કમબેક કરીશ. ઓમ સાંઈ રામ.”
T20 ટૂર્નામેન્ટમાં રહ્યો ફ્લોપ
સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં પૃથ્વી શોનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું. મુંબઈ તરફથી રમતા શોએ 9 મેચમાં 156ના સ્ટ્રાઈક રેટથી માત્ર 197 રન બનાવ્યા હતા. શો આખી ટૂર્નામેન્ટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આ જ કારણ છે કે વિજય હજારે ટૂર્નામેન્ટ માટે આ વખતે શોને ટીમમાં તક આપવામાં આવી નથી. ખરાબ ફોર્મની સાથે, શો તેના વધતા વજન અને ફિટનેસ સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આ સાથે જ શો વિરુદ્ધ કેટલાક સમાચાર પણ સામે આવ્યા હતા કે તે અનુશાસનમાં નથી.
શ્રેયસ અય્યર રહેશે કેપ્ટન
શ્રેયસ અય્યર, જેણે મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં પોતાની કપ્તાનીમાં ખિતાબ અપાવ્યો હતો, તેની પણ વિજય હજારેની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઐય્યરે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યું. આ સિવાય બેટ સાથે તેનું પ્રદર્શન પણ શાનદાર હતું. 8 ઈનિંગ્સમાં અય્યરે 188ના સ્ટ્રાઈક રેટથી રમતા 345 રન બનાવ્યા હતા.