હત્યા-આત્મહત્યાના પ્રયાસ સહિતના બનાવોમાં ડીડી અને ઈન્કવેસ્ટ માટે જવું પડતું હોય અલગથી સ્ટાફ ફાળવવા કલેક્ટરની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ એઈમ્સ માટે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટનો અલગથી મહેકમ ફાળવવા માટે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની અલગથી મહેકમ ઉભુ કરવામાં આવેલ છે.
તેને આધાર બનાવી રાજકોટ એઈમ્સ માટે પણ એકઝી.મેજી.નું અલગથી મહેકમ અલગથી ફાળવવા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
હાલ શહેરની ચારેય મામલતદાર કચેરીઓમાં નાયબ મામલતદારોને મહેસુલી કામગીરીની સાથે હત્યા/આત્મહત્યાના પ્રયાસ સહિતના બનાવોમાં ડીડી અને ઈન્કવેસ્ટ માટે જવું પડતું હોય આ માટે અલગથી સ્ટાફ ફાળવવામાં આવે તો સુવિધા જળવાઈ શકે તેમ છે. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની બે પ્રકારની કામગીરીમાં ઈન્કવેસ્ટ અને ડીડીનો સમાવેશ થાય છે.
જેમાં ઈન્કવેસ્ટ એ કોઈ વ્યકિતના શંકાસ્પદ મોતના કિસ્સામાં નાયબ મામલતદાર તેઓના પરીવારનું નિવેદન લેતા હોય છે. જયારે આત્મહત્યાના પ્રયાસ જેવા બનાવોમાં મરણોન્મુખ નિવેદન (ડીડી) લેવામાં આવે છે.રાજકોટમાં આગામી ટુંક સમયમાં નવી ઝનાના હોસ્પીટલ પણ શરૂ થનાર છે. આ ઉપરાંત સીવીલ હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ છે. આ ઉપરાંત એઈમ્સ પણ આગામી ટુંક સમયમાં જ પૂર્ણ રૂપથી ધમધમતી થનાર છે. ત્યારે નાયબ મામલતદારો ઉપરથી કામગીરીનું ભારણ ઘટાડવા માટે એઈમ્સ માટે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટનું અલગથી મહેકમ ફાળવવા માંગણી મુકી છે. આ મહેકમ ફાળવાયા બાદ એઈમ્સ અને સીવીલ હોસ્પીટલમાં ખાસ ઓફીસ પણ શરૂ કરવામાં આવેલ છે.