રેજ રિચ્યુઅલમાં રાડો પાડવા અને વસ્તુઓની તોડ ફોડ કરવા એક દિવસની ફી ૧૮,૫૦૦ રૂપિયા છે
ગુસ્સો કોઈ પણ વ્યક્તિ માટે સારી વાત નથી ઘણી વખત વ્યક્તિને ગુસ્સો આવતો હોય તેના જુદા જુદા કારણો હોય છે. વાત વાતમાં ગુસ્સે થઈ જતી વ્યક્તિને લોકો મેડીટેશન કરવાની અથવા તો જુદી જુદી થેરપી માટેની સલાહ આપતા હોય છે. સ્ત્રીઓમાં જો ગુસ્સાની વાત કરીએ તો મોટાભાગે સ્ત્રીઓ ગુસ્સો વ્યક્ત કરી શકતી નથી. પરિવાર કે પછી પ્રોફેસર હોય પોતાના ગુસ્સાની લાગણી દબાવી રાખવી પડતી હોય છે અને તેના કારણે બીજા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. મોટાભાગની સ્ત્રીઓ સંબંધોના કારણે અથવા ડર કે પછી પોતાની ઈમેજ ખરાબ થવાના કારણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી શકતી નથી. મહિલાઓમાં ગુસ્સો રોકવાના કારણે ઘણી વખત ડિપ્રેશન પણ આવતું હોય છે. હાલમાં મહિલાઓનો આ ગુસ્સો ઠાલવવા માટે એક અલગ પ્રકારનો ટ્રેન્ડ યુરોપના દેશોમાં ચાલી રહ્યો છે. જેમાં ખાસ મહિનાઓ પોતાનો આ ઉભરો ઢાળવીને શાંત થઈ રહી છે અને પોતાનો ગુસ્સો અલગ રીતે વ્યક્ત કરી રહી છે.
આ અલગ પ્રકારના ટ્રેન્ડમાં મહિલાઓ જંગલમાં જઈને પોતાનો ગુસ્સો ઠાલવે છે. અત્યારનો સમય ઇન્ફલુઆન્સર નો છે. અનેક નવી વાતો ફેલાવવા માટે તેઓ ઘણી વખત જવાબદાર હોય છે એ જ રીતે આ ટ્રેન્ડ મિયા બૅન્ડુચી નામની લેખિકા અને ઇન્ફ્લુઅન્સરે શરૂ કર્યો હતો. આ અલગ અને વિચિત્ર પ્રકારનો ટ્રેન્ડ જે વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યો છે. મિયાએ એને રેજ રિચ્યુઅલ રિટ્રીટ નામ આપ્યું છે, જેમાં મહિલાઓ જંગલમાં રાડો પાડવા અને વસ્તુઓ તોડવા માટે રૂપિયા ખર્ચે છે.કહેવાય છે કે આ રીતે વ્યક્ત થવા માટે મહિલાઓ ૬.૬ લાખ રૂપિયા ખર્ચી રહી છે.
આ રિટ્રીટમાં આવતા લોકો, ખાસ કરીને મહિલાઓને કહેવામાં આવે છે કે તમને જે ઘટના કે વ્યક્તિએ દુઃખ આપ્યું હોય તેના વિશે વિચારો, રાડો પાડો અને હાથ દુખે નહીં ત્યાં સુધી લાકડી વડે વસ્તુઓ તોડો ફોડો .રેજ રિચ્યુઅલમાં એક દિવસની ફી ૧૮,૫૦૦ રૂપિયા છે. મિયાનું કહેવું છે કે પુરુષોને શિખવાડવામાં આવે છે કે તેમણે રડવું ન જોઈએ, પણ રડવું એ તો સ્વાસ્થ્ય માટે સારું છે. એ જ રીતે મહિલાઓને ગુસ્સો દબાવી રાખવાનું કહેવામાં આવે છે, પણ તેમને ગુસ્સો વ્યક્ત કરવાનો અધિકાર મળવો જોઈએ. આમ કોઈ વ્યક્તિ પર નહીં પરંતુ જંગલમાં જઈને પોતાને મન પડે તે રીતે આ ગુસ્સો ઠાલવીને મહિલાઓ હળવી ફૂલ થઈ જાય છે.