ખડગેને વડાપ્રધાન પદની ઓફર કરી બન્ને ખેલાડીઓએ ઇન્ડિયાની પાંખો કાપી નાંખી
વિતેલા સપ્તાહમાં ઇન્ડિયા(ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુસિવ એલાયન્સ) એટલે કે કોંગ્રેસ અને સાથી પક્ષોનું સંગઠન. જેમા કુલ ર૮ પક્ષો જોડાયા છે. જે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને પડકાર ફેંકવાના છે.તેઓ એક મત ઉપર એક થયા છે કે મોદીને હરાવવા છે. પરંતુ હાલ તો આ સંઘ કાશીએ પહોંચે તેમ લાગતો નથી. કારણ કે તાજેતરમાં પાંચ રાજયોની ચૂંટણીના જે પરિણામ આવ્યા તે બતાવે છે કે દેશમાં હજુ મોદી જુવાળ અકબંધ છે. બીજુ આ પરિણામ બાદ ઇન્ડિયાની જે બેઠક મળી તેમા પ્રાદેશિક પક્ષોમાં જે ખેંચતાણ લાગી પડી છે તેની પાછળ સિંહ લેવા જતાં ગઢ ખોવો ન પડે તેની ચિંતાની ઝલક જોવા મળે છે. સૌ પોત પોતાની ખુરશી બચાવવામાં પડ્યા હોય ત્યાં મોદીની ખુરશીના પાયા હલાવી શકે એવા શકિતશાળી નેતા દૂર દૂર સુધી જોવા મળતાં નથી.
પાંચ રાજયોની ચૂંટણી બાદ વિપક્ષી શંભુમેળાની જે બેઠક મળી તેમાં અપેક્ષીત હતાં નવા સંગઠનના કન્વીનરની નિમણૂંકનો મામલો. બીજુ બને તો લોકસભાની ચૂંટણી માટે રાજયવાર પક્ષોવાર બેઠકોની વહેંચણીનો મામલો. આ બે એજન્ડા પૂર્ણ કર્યા વગર વધુ એક વખત આ બેઠક પૂરી થઇ ગઇ. હવે લોકસભાની ચુંટણીની અપેક્ષીત જાહેરાત પાછળ વધીને ૯૦ દિવસનો સમય છે. ત્યાર બાદનો તમા સમય ગણીએ તો પણ પાંચ મહિનાથી વધુ સમય નથી. ભાજપ જે રીતે અયોધ્યા રામમંદિર અને અન્ય તૈયારીઓ કરે છે એ જોતાં વહેલી ચૂંટણીની શકયતા વધુ રહે છે.
અવા સંજોગોમાં ઇન્ડિયાની તાજેતરમા દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં શું થયુ તેના સંદર્ભો સમજીએ. સૌ પ્રથમ તો આ બેઠક પહેલાં કેજરીવાલ અને મમતા બેનર્જી મળ્યા હતાં. બાદમાં બન્ને બેઠકમાં આવ્યા હતાં. બેઠકમાં મમતાએ ઇન્ડિયાના વડાપ્રધાન પદનો કોઇ એજન્ડા નહોતો છતાં બોમ્બ ફોડતાં હોય તેમ ખડગેનું નામ આપ્યુ. જેને સમજુતી મુજબ કેજરીવાલે ટેકો આપી દીધો. આ બોમ્બ ફોડી મમતા અને કેજરીવાલે એક કાંકરે ત્રણ – ચાર પંખી મારી નાંખ્યા. તેમણે સૌ પ્રથમ તો રાહુલ ગાંધી અમારા વડાપ્રધાન કે નેતા નહિ હોય એ સંદેશો આપી દીધો. સોનિયા પણ નથી એવુ પણ કહિ દીધુ.
બીજુ આ બેઠકમા લાલુ પ્રસાદ અને નિતિશ ખુબ હરખથી આવ્યા હતાં. નિતિશને એમ હતું કે ઇન્ડિયા મોરચાના કન્વીનર પદે તેમનું નામ રજૂ થશે. જો આમ થાય અને તેઓ બધા પક્ષોને જોડી ચૂંટણી સુધી સારૂ કામ કરી સારુ પરિણામ મેળવે તો આપોઆપ તેમની વડાપ્રધાનપદની દાવેદારી મજબુત બની જાય. આમ પણ રાહુલ અને અખિલેશ કરતાં નીતિશના મેરીટ વધુ ગણાય.
બીજી બાજુ લાલુની લાળ ટપકતી હતી. લાલુપ્રસાદ યાદવને નીતિશ બિહારના રાજકારણમાંથી જાય તો ટાઢે પાણીએ કામ પતી જાય. તેના દિકરા તેજસ્વી યાદવને નીતિશની બિહારમાં ઉપસ્થિતિમાં કદી મુખ્યમંત્રીપદ મળવાનું નથી. નીતિશ રાષ્ટ્રિય રાજકારણમાં જાય અને લાલુ તેને ટેકો આપે એક વખત મુલાયમને આપતાં હતાં તો નીતિશ તેના દિકરાને બિહારની ગાદી સોંપે. આમ પરસ્પર સ્વાર્થ સધાઇ જાય.
પરતું આવુ કશું જ ન બન્યુ. મમતા-કેજરીની ગુગલીમાં આ બન્ને નેતાઓ પણ બોલ્ડ થઇ ગયા. લાલુ પણ નીતિશના નામની દરખાસ્ત ન કરી શકયા. આથી જ હવે નીતિશનું ભવિષ્ય ન દેખાતાં તેમના સાથીઓ પક્ષ છોડવા માંડયા છે. લોકસભાની ચૂંટણીમાં સંઘ કાશીએ પહોંચે તેમ નથી લાગતો. આમ થશે તો પાછળ પાછળ બિહારની ગાદી સુધી પણ રેલો આવવાની ભીતિ ઉભી થઇ છે. આથી સમય વર્તે સાવધાન. નીતિશની સ્ટીમરમાંથી તેના ટેકેદારો દરિયામાં કુદકા લગાવવા માંડયા છે.
એકંદરે ઇન્ડિયાનું કોરસ કર્કશ બન્યુ છે. ભાજપ કે મોદીને આ કોરસ તોડવા માટે કોઇ પ્રયાસો કરવા પડતાં નથી. વ્યકિતગત મહત્વાકાંક્ષાથી ભડભડ સળગતાં વિપક્ષી નેતાઓ એનડીએ ભાજપનો માર્ગ આસાન કરી રહયા છે. સાથે સાથે દેશવાસીઓને એક મજબુત અને ભરોસામંદ વિપક્ષની જે આશા જાગી હતી તે પણ ડગમગવા માંડી છે.