વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં દર ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે દર વર્ષે ઉભી થતી સમસ્યા રૂપી પરિસ્થિતિને ધ્યાને લઈ ચાલુ વર્ષે વરસાદી પાણી ન ભરાય અને લોકોને મુશ્કેલી ન પડે તે હેતુસર આગોતરી કામગીરી કરવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ અધિક કલેકટર આર.જી.આલ, પ્રોજેક્ટ ડાયરેકટર નેશનલ હાઇવે, શહેર અને ગ્રામ્યના મામલતદાર, સિંચાઇ, માર્ગ મકાન, પાલીકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેકટર જાડેજાએ વેરાવળ બાયપાસ ઉપર તાલાલા ચોકડી આસપાસ થતા પાણીના ભરાવા તથા તેના કાયમી નિકાલ માટે ચર્ચા કરી લોકોને થતી જાનહની-નુકશાની અટકાવવા જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપતા કહેલ કે, દેવકા નદીની કાંઠે ખેતી વિષયક દબાણો છે તે દુર કરવા તથા નદીની અંદર આવેલ ઝાડી, ઝાંખરા, બાવળ જેવા અવરોધો સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરવા સિંચાઇ વિભાગને તાત્કાલીક કામગીરી શરૂ કરવા સુચના આપી હતી. આવી જ રીતે શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીના નિકાસના જુના વહેણનો રૂટ નેશનલ હાઇવે બાયપાસથી પાલીકા કમ્પોઝ યાર્ડ થઈ વોર્ડ નં-5 અને 6 મા ત્યારબાદ ખેતીની જમીનોમાં થઇ ગોદરશા તળાવથી ઉતરોતર દરિયાઇ ખાડી સુધી જતો જુનો વરસાદી પાણીનો વહેણ/માર્ગને સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરાવવા પાલીકાને સુચના આપી હતી.
વધુમાં વેરાવળ બાયપાસના નમસ્તે સર્કલથી સોમનાથ બાયપાસ સર્કલ સુધી નેશનલ હાઇવેની બન્ને બાજુ વરસાદી પાણીના નિકાસને અવરોધતા હાઇવેના કાંઠે બનેલા કોમર્શીયલ, રેશીડેંશીયલ, સીમના એપ્રોચ રોડ જે જોગવાઇ વિરુદ્ધ પાણી અવરોઘે તે રીતે બનાવેલ છે તેવા ઓળખાયેલા અંદાજે 42 જેટલા સ્થળો પરના દબાણો ખુલ્લા કરવા સબંધિત વિભાગોની એક ટીમ બનાવી દુર કરવા સ્પષ્ટ સુચના આપી છે. આવી તમામ મિલકતોના માલીકોને પણ આવી જગ્યાઓ ઉપર મોટા પાઇપ મુકી પોત પોતાના એપ્રોચ રોડ પર પાણી ન અવરોધાય તે રીતે વ્યવસ્થા કરવા જણાવેલ છે.
બેઠકમાં ચર્ચા સાથે સુચના અપાયેલ તમામ કામગીરી આગામી પંદર દિવસમાં પૂર્ણ કરવા માટે સબંધિત અધિકારીઓને તાકીદ કરી છે. આ સાથે ભવિષ્યમાં આવા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે. ત્યારે કલેકટર સાહેબની સુચના મુજબ સંબંધિત વિભાગો કેવી નક્કર કામગીરી કરે છે કે પછી કાગળ ઉપર જ કરે છે તે જોવું રહ્યુ.