ઉપલેટાના વરજાંગજાળિયાના વતની સહિત ત્રણને રાજકોટ, સુરતથી ઝડપી લેવાયા : મુખ્ય સૂત્રધાર હિરાના ધંધાનો જાણકાર : અગાઉ પણ લાખોની ચોરીમાં સંડોવાયો હતો
રાજકોટની મવડી ચોકડીથી બાપા સિતરામ ચોક વચ્ચે આવેલા સ્વાગત આર્કેડનાં બીજા માળે સ્થિત સી.વી.ઇમ્પેકસ નામના હિરાના કારખાનામાં બુધવારે રાત્રે ત્રાટકેલા તસ્કરો રૂ.પપ.૮૦ લાખની કિંમતના હિરા અને રૂ.૮ લાખની રોકડ મળી કુલ રૂ.૬3.૮૦ લાખની મત્તા ચોરી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ તસ્કરોને સુરતથી ઝડપી લીધા હતા. મૂળ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે મુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રા (ઉ.વ.3૯) માધાપર ચોકડી પાસે ધ સ્પેસ હાઇટસ બિલ્ડીંગની ડી-વીંગમાં રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી સી.વી.ઇમ્પેકસ નામનું હિરાનું કારખાનું ધરાવે છે. હાલ દિવાળીની સીઝન હોવાથી તેનું કારખાનું વહેલી સવારે પ વાગ્યાથી લઇ મોડી સાંજે આઠેક વાગ્યા સુધી ચાલુ રહે છે. કારખાનામાં કુલ ૪૦ કારીગરો કામ કરે છે. કારખાનાની દેખરેખ પિયુષ ભરતભાઇ નડીયાપરા રાખે છે.
બુધવાર હોવાથી કારીગરો સાંજે ૬ વાગ્યે જતા રહ્યા હતા. મોડી સાંજે આઠે વાગ્યે કારખાનું બંધ કરવામાં આવ્યું હતું. કારખાનામાં જે ઓફિસ છે તેની અને શટરની ચાવી કારખાના માલિક મુકેશભાઇ અને તેના માણસ પિયુષભાઇ પાસે રહે છે. ગઇકાલે સવારે ૮:3૦ વાગ્યે પિયુષભાઇ કારખાને આવ્યા હતા. તે વખતે તેણે શટર થોડુક ખુલ્લ્ જોયું હતું. જેથી શટર ખોલી તૂર્ત જ કારખાનામાં જઇને જોતાં ઓફિસના દરવાજાનો લોક તૂટેલો હતો. તુરંત જ તેણે શેઠ મુકેશભાઇને કોલ કરી કહ્યું કે તિજોરી તૂટેલી છે, તમે જલદી આવી જાઓ.
જેથી મુકેશભાઇ તાત્કાલીક કારખાને પહોંચ્યા હતા. ઓફિસની તિજોરી જોતાં તેનું હેન્ડલ તૂટેલું હતું. અંદરથી રૂ.૮ લાખ રોકડા અન ૧૨3.૫૭ કેરેટના ૧૨૨૯૪ નંગ હિરા ગાયબ જોઇ હતપ્રભ થઇ ગયા હતા. જેથી તત્કાલ પોલીસને જાણ કરી હતી. માતબર મત્તાની ચોરી થયાની જાણ થતાં તાલુકા પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ અને એલસીબીનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો. આ ઉપરાંત ડીસીપી અને એસીપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતાં.
કારખાના માલિક મુકેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે જે ૮ લાખ રૂપિયા તિજોરીમાં રાખવામાં આવ્યા હતાં તે કારીગરોને આપવા માટે હતા. જે હિરાની ચોરી થઇ છે તે ગત તા.૨૬ના રોજ સુરતથી આવ્યા હતા. તેના કારખાનામાં કાચા હિરાને તૈયાર કરી મોકલવામાં આવે છે. જેથી આ કાચા હિરા સુરતથી આવ્યા હતાં.
તત્કાલ પોલીસની જુદી-જુદી ટીમોએ સીસીટીવી કેમેરા જોવાનું શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે લાલ કલરના બાઇક ઉપર આવેલા બે તસ્કરોએ ચોરી કરી છે. આ બંને તસ્કરો ગઇકાલે રાત્રે ૧:3૮ વાગ્યે કારખાને આવ્યા બાદ આરામથી ચોરી કરી પરોઢીયે ૪:૦૭ વાગ્યે રવાના થયા હતાં. એક તસ્કર બહાર વોચ રાખીને ઉભો હતો જયારે બીજો તસ્કર ચોરી કરવા ઘુસ્યો હતો. તેણે ફાયર પ્રુફ અને ખૂબ જ મજબૂત ગણાતી તિજોરીને ડ્રીલ કટરની મદદથી તોડી ચોરી કર્યાની સંભાવના દર્શાવાય છે. આજ કારણથી ચોરી કરવામાં અંદાજે અઢી કલાક જેવો સમય લાગ્યો હતો.
લાલ કલરના બાઇક નંબરના આધારે પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ કરતાં એક તસ્કરની ઓળખ મળી ગઇ હતી. ત્યારબાદ પોલીસની ટીમોએ તપાસ આગળ ધપાવી બંને તસ્કરોને સુરતથી ઝડપી લીધા હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક આરોપીનું નામ પરેશ મુંગલપરા છે અને તે ઉપલેટાના વરજાંગજાળિયાનો વતની છે બંને આરોપીઓને રાત્રે રાજકોટ લઇ આવવા તજવીજ શરૂ કરાઇ છે. પરેશ આ અગાઉ ચોરી સહિતના ગુનાઓમાં પકડાઇ ગયાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ચોરી કર્યા બાદ બંને તસ્કરો સંભવત: ગોંડલ ચોકડીથી કોઇ વાહનમાં બેસી સુરત પહોંચ્યાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન બે થી વધુ આરોપીઓની સંડોવણી ખુલે તેવી સંભાવના દર્શાવાઇ છે.