જરાક જીભ લપસતાં લોકોના હ્દયને ભારે ઠેસ આપતી આ ભૂમિના રંગ ઢંગ જુદા છે
એક જમાનો હતો. જયારે અન્નુ કપુરનો સિતારો ચમકતો હતો. આવા જ જમાનામાં તેઓ રાજકોટ એક કાર્યક્રમ માટે આવ્યા હતાં. આ કાર્યક્રમ પૂર્વેના ઇવેન્ટમાં તેમની જીભ લપસી હતી. તેમની જીભ લપસતાં રાજકોટમાં જે બવંડર થયુ હતું તે અન્નુ કપુરને આહત આપી ગયુ હતું. રાજકોટ છોડતાં પહેલાં અન્નુ કપુરે કહયુ હતું કે હું રાજકોટની ધરતી ઉપર કદી પગ નહી મૂકુ. દાંડિયા કવીન ફાલ્ગુની પાઠકને પણ રાજકોટનો કડવો અનુભવ થઇ ગયો છે.પરેશ રાવલનો એપિસોડ રાજકીય છે.
પરેશ રાવલ એક ચૂંટણી સભામાં જરા વધુ ગેલમાં આવી ગયા હતાં. તેમણે ભાજપની ચૂંટણી સભામાં મંચ ઉપરથી રાજા રજવાડાઓ અંગે એક વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. એ સમયે કરણી સેનાના યુવાનો ઉશ્કેરાયા હતાં. ઉશ્કેરાયેલા યુવાનો પરેશ રાવલ જે હોટલમાં હતાં એ હોટલમાં અડધી રાત્રે પહોંચ્યા હતાં. એ જ સમયે પરેશ રાવલને સ્થાનિક નેતાઓએ માફી માંગી મામલો પૂરો કરવા સમજાવ્યા હતાં. પરેશ રાવલે તુરંત માફી પણ માગી લીધી હતી.પરંતુ આ માફી માંગવાની સમજાવટ દરમિયાન તેમને યુવાનોની ગરમીનો પરિચય થઇ ગયો હતો. પરેશ રાવલને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે રંગમંચ ઉપર ડાયલોગ બોલવો અને ચૂંટણી સભામાં ભાષણ આપવું તે અલગ બાબત છે.
પરસોતમ રૂપાલાના કેસમાં પણ સ્થળ,સમય જુદા હતાં.વિષય એક હતો. સંદર્ભ અલગ હતો. પરસોતમ રૂપાલા મઠારેલા નેતા છે. તેમનું રામચરિત માનસનું જ્ઞાન અને સમજણ મુઠ્ઠી ઉચેરા છે એ નિર્વિવાદ છે. પરંતુ કોઇ નબળી ક્ષણે તેમના હોઠ ઉપરથી એક વિધાન સરી પડયુ. સામાન્ય સંજોગોમાં આ વિધાન પકડાય પણ નહી. પરંતુ હાલના સોશિયલ મિડિયાના યુગમાં આ ભાષણના રેકોર્ડીંગમાંથી એડિટેડ કલીપ વાઇરલ થઇ. તેના પ્રત્યાઘાત એવા પડયા કે ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રીને ક્ષત્રિય સમાજ પાસે અવાર નવાર માફી માંગવી પડી છે.
આવી જ એક ઘટના રાજકોટના હેમુગઢવી હોલમાં એક હાસ્ય લેખકથી બની હતી. જો કે,તેમનો ઇરાદો ન હોવાથી ઉપસ્થીત અગ્રણીઓએ આ ભુલ સુધારી લીધી હતી. એક હાસ્ય નિષ્પન્ન કરવા માટે આ હાસ્ય લેખકે એક લોકગાયિકાના નામની ખોટી જગ્યાએ ખોટા સંદર્ભમાં ઉપમા આપી ભાંગરો વાટયો હતો. જો કે આ કાર્યક્રમમાં સ્વ.હેમુ ગઢવીના પરિવારજનો ઉપસ્થિત હોવાથી તેમણે ખુબ જ કુનેહથી કામ લઇ સમગ્ર મામલો તુરંત નિપટાવી દીધો હતો.
રાજકોટની જનતા અમુક બાબતોમાં આળી છે. કઇ બાબત રાજકોટની જનતાને કયારે કઇ રીતે દિલ ઉપર ચોંટ કરી જાય તે નકકી નહિ. રાજકોટવાસીઓને પોતાની સમજનો તોર છે. રાજકોટવાસીઓના દિલ ઉપર તમે પ્રેમથી રાજ કરી શકો. પરંતુ રાજકોટવાસીઓને તમારે શિખામણ કે બોસગીરી કરીને જીતી ન શકાય. તમે અમિતાભ બચ્ચન હો તો પણ રાજકોટવાસીઓને ફરક ન પડે એવો તેમનો સામુહિક મિજાજ છે. આ બાબત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાસેથી શિખવા જેવી છે.
તેઓ રાજકોટથી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી પ્રથમ ચૂંટણી જીત્યા ત્યારથી આજ સુધી કયારેય તેમણે રાજકોટવાસીઓની આશા અપક્ષાઓનો ભંગ નથી કર્યો. બપોરના સમયે સભા યોજાય તો તેઓ કહે કે બપોરે સુવાનું છોડી રાજકોટવાસીઓ મારી સભામાં આવે એ પણ એક વિક્રમ છે. એ મારા પ્રત્યેનો પ્રેમ છે. આભાર રાજકોટવાસીઓ. આટલું બોલે ત્યાં તો રાજકોટવાસીઓ તાલીઓથી તેમને વધાવી લ્યે. રાજકોટના પેંડાની વાત કરે કે રાજકોટના લઘુ ઉદ્યોગોની વાત કરે તે રાજકોટવાસીઓને ગમે. ટુંકમાં રાજકોટવાસીઓને હુલાવી ફુલાવીને રાખવાં પડે.
કાઠિયાવાડ બહારવટિયાઓનો પ્રદેશ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર સંત,શૂરા અને દાતારની ભૂમિ છે. પણ રાજકોટ સાથે તમને પનારો પાડતાં આવડવો જોઇએ. અહીં પ્રેમાળ લોકોનું કામ છે. અકડું લોકો સાથે લોકોનો મગજ કયારે છટકી જાય તે નકકી નહિ. રાજકોટ રાજકોટ સૌરાષ્ટ્રની જ્ઞાતિ,જાતિની અસ્મિતાને છંછેડવામાં પણ લોકોની લાગણી બહુ આળી છે. નેતાઓ,અભિનેતાઓ અને વી.વી.આઇ.પી.ઓ.એ રાજકોટ આવતાં પહેલાં એક ગાંઠ મનમાં બાંધીને આવવું. હેન્ડલ વીથ કેર.