રાદડીયાની ડિસ્ટ્રીકટ બેંકમાં ભ્રષ્ટાચાર અંગે જંગ છેડયા પછી સામસામે આક્ષેપ બાજી : હરીફ નેતાનું એક યુવતી સાથેનું ચેટીંગ વાયરલ થતાં ચકચાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે. વધુ એક વખત રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં ભ્રષ્ટાચાર અંગે જંગ છેડાયા પછી ગંભીર આક્ષેપબાજી શરૂ થઇ છે. હરીફ નેતાનું એક યુવતી સાથેના ચેટીંગ વાયરલ થતાં ચકચાર જાગી છે.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતીમાં કરોડોના ભ્રષ્ટાચારની ભાજપના જ એક જૂથે ફરીયાદ કર્યા બાદ જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચે આંતરીક લડાઇ સતત ચાલી રહી છે. તેમાં રાદડીયા તરફી લોધિકા સંઘના શાસકોની સામે પડનાર જિલ્લા ભાજપના નેતા બાબુ નસીતનો હવે એક યુવતી સાથે ચેટીંગ કર્યાની વાતચીત વાયરલ કરાઇ છે અને એક બેંગ્કોકનો કહેવાતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યાનું જાણવા મળે છે.
આ અંગે બાબુ નસીતનો સંપર્ક સાધતા તેણે જણાવ્યું હતું કે એક યુવતીએ ફોન કરીને ન્યૂડ થઇ હતી અને વીડિયો ઉતારીને નાણાં માગ્યા હતા. આ અંગે મે ઇ.સ.૨૦૨૧માં સાયબર સેલમાં ફરિયાદ પણ કરી હતી અને યુવતી સાથેનું ચેટીંગ મારા હરીફોએ હવે બહાર પાડ્યું છે. કોણે આ કામ કર્યું તે પાક્કી ખબર નથી પરંતુ, પોતે લોધિકા સંઘના શાસક જૂથની સામે પડયાનું જણાવ્યું હતું.
આ પહેલા ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી કાંડ મુદ્દે રાદડીયા જૂથ સામે પડેલા પાંચ નેતાઓ સામે જયેશ રાદડીયાએ તાજેતરમાં સહકારી સંઘોની સભામાં પણ મેદાનમાં આવી ને લડવાનો પડકાર ફેંક્યો હતો. બાદમાં રાદડીયાના હરીફ જૂથ હરદેવસિંહ જાડેજા સહિતના નેતાઓ જયારે રાજકોટ માર્કેટ યાર્ડમાં સત્તા પર હતા. તે વખતે કરોડોના ખર્ચ ચણાયેલી દુકાનોનું કામ નબળું હોવાની ફરીયાદો હવે યાર્ડના ચેરમેન રાદડીયા તરફી છે. ત્યારે ઉઠાવાઇ છે અને બાંધકામમાં ગેરરીતીની ફરીયાદો થઇ છે. આ ભરતી કે ગેરરીતી અંગે તપાસ કરીને તંત્ર દ્વારા હજુ કોઇ પગલા લેવાયા નથી.
ભાજપના બન્ને જૂથના નેતાઓ એકબીજાની નબળી કડી શોધી રહ્યા છે અને સમય આવ્યે ઓડિયો, વીડિયો બહાર પડાઇ રહ્યા છે અને હજુ કેટલીક કલીપ બહાર આવવાની બાકી હોવાની ચર્ચા છે. ભાજપના કોઇ નેતા ‘મોજમજા’ કરવા બેંગ્કોક ગયાની વાત પણ વર્તુળોમાં ચર્ચાય છે.