આજથી બે દિવસ પસંદગીના સ્થળ માટે પારદર્શિતા કેમ્પ
રાજ્ય સરકારે 212 જગ્યાઓ મંજૂર કરી હતી જેમાંથી 199 ઉમેદવારો પોતાની પસંદગીનું સ્થળ પસંદ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં છેલ્લા લાંબા સમયથી તલાટીઓની જગ્યા ખાલી હતી અને આ જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી પાસ થયેલા ઉમેદવારોનું વેરિફિકેશન કરવામાં આવ્યા બાદ ઉમેદવારો પોતાની પસંદગીનું સ્થળ પસંદ કરી શકે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજથી બે દિવસ કેમ્પનો પ્રારંભ થયો છે. પરંતુ હજુ પણ રાજકોટ જિલ્લા પંચાયતમાં 35 તલાટીઓની જગ્યાઓ ખાલી રહેશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર દ્વારા 212 જગ્યાઑ મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી સરકારે 199 તલાટીઓનું વેરિફિકેશન થઈ ગયા બાદ આજથી બે દિવસ સુધી પારદર્શિતા લાવવા માટે કેમ્પનો પ્રારંભ DDO દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મેરીટના આધારે ઉમેદવાર પોતાના મનગમતા ગામની પસંદગી કરવા માટે કેમ્પનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં કુલ 234 તલાટીઓની જરૂરિયાત છે જેમાંથી 199 તલાટીઓની ભરતીની કામગીરી બે દિવસમાં પૂર્ણ થઈ જશે. આમ, છતાં પણ હજુ પણ 35 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. જેના કારણે અમુક સેન્ટરોમાં તલાટીઓને બે-બે ગામના ચાર્જ સાંભળવા પડશે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા-2, રાયડી-2, ધોરીધડ, રંગપર, મોટાભાદરા, બેલડા, રામપર, જસાપર, વાવડી, સાતોદળ, ખાટલી, ઈશ્વરીયા, ચરેલ, ભીમોરા, જાળ, વડાલી, કોલકી, રબારીકા, લોધિકા-2, ભૂણાવાવ સહિતના 199 ગામોમાંથી ઉમેદવારોએ પોતાની પસંદગીનું ગામ નક્કી કરવાનું રહેશે. આમ, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઉમેદવારોને અપોઇમેન્ટ આપવા માટે કોઈ આક્ષેપબાજી ન થાય તે માટે મેરીટના આધારે ઉમેદવારો પોતાની પસંદગીનું ગામ નક્કી કરશે.