સાસણ સહિતના ડેસ્ટીનેશન વેડીંગમાં આઇ.ટી. વિભાગની થર્ડ આઇ હોવાના નિર્દેશ
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લગ્નોત્સવ દરમિયાન આવકવેરા વિભાગની રેવન્યુ ઇન્ટેલિજન્સ ટીમ એકશનમાં રહી હોવાના નિર્દેશ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. આવકવેરા વિભાગ દ્વારા ખાસ કરીને સુપર રીચ કલાસના લગ્નોત્સવને સ્કેનમાં લીધા હોવાનું જાણવા મળે છે. વૈભવી લગ્નોત્સવ આવકવેરાના રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા જરૂરી ઇનપુટ મેળવવા કામગીરી થઇ રહી હોવાનું જાણવા મળે છે. જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાસણ,દીવ,દ્વારકા ખાતે વૈભવી રિસોર્ટસ અને લકઝુરિયસ હોટલ ખાતે થયેલા લગ્નોત્સવમાં ખાસ કરીને થયેલા ખર્ચ ઉપર તંત્રની નજર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સુપર રીચ લગ્નોત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. લાખો રૂપિયાના ખર્ચે ઉભા કરેલા વેડીંગ સેટ, સેલિબ્રિટિ આર્ટીસ્ટોની હાજરીમાં યોજાયેલા લગ્નોત્સવના બીગ બજેટ ખર્ચ તથા ડેસ્ટીનેશ મેરેજમાં જાનૈયાઓ ,આમંત્રિતોની આગતાં સ્વાગતા અને વિમાની સફર સહિતના ખર્ચ આવકવેરા ખાતાના સ્કેનમાં આવી રહી છે. કેટલાક લગ્નોત્સવ પ્રિ અને પોસ્ટ વેડીંગના એક સપ્તાહ સુધી ચાલ્યા હોવાનું આવકવેરાના ધ્યાનમાં આવ્યુ છે. જેને માટે દરરોજ નવા ડસ્ટીનેશન અને નીત નવા સેટસ,મેનુ,એન્ટરટેઇનમેન્ટ,એટાયર વગેરેના ખર્ચ ઉપર આવકવેરા તંત્રની નજર પડી છે. આ બાબતે ગુપ્ત રાહે તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.